Abtak Media Google News

બોટાદના પાટી ગામેથી પીછો કરી આવતા ચાર શખ્સોએ છરીથી હુમલો કરી ચલાવી લૂંટ: ચારેય લૂંટારા કારમાં ફરાર: પોલીસે નાકાબંધી કરાવી: લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકા

બોટાદથી જસદણ હીરાના પેકેટની ડીલીવરી કરવા આવતા હીરાના દલાલને જસદણની કાળાસર ચોકડી પાસે આંતરી ચાર શખ્સોએ છરીથી હુમલો કરી રૂા.૧૫.૧૯ લાખની કિંમતના હીરા અને રોકડની દિલધડક લૂંટ ચલાવી ફરાર થતા સનસનાટી મચી ગઇ છે. પોલીસને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરી પગેરૂ દબાવ્યું હતું. પરંતુ હજી સુધી લૂંટારાના સગડ મળ્યા નથી. લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

બોટાદના પાટી ગામેથી ચાર હીરાના દલાલ કાર લઇને જસદણ તરફ આવી રહ્યા હતા ત્યારે તેનો બોટાદથી જ પીછો કરી આવી રહેલી સિલ્વર કલરની કારમાં બેઠેલા ચાર શખ્સોએ જસદણ નજીક કાળાસર-ઘેલાસોમનાથ રોડ પર આંતરી હીરાના ચાર દલાલ પૈકી એક પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટનાની પોલીસને જાણ થતાં જસદણ પોલીસ ઉપરાંત એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફ જસદણ દોડી ગયો હતો અને લૂંટ અંગેની જીણવટભરી વિગતો મેળવી ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા છે.

બોટાદ તાલુકાના પાટી ગામે રહેતા જસવંતભાઇ ધરમશીભાઇ મોરડીયા પોતાના મિત્ર રાજેશભાઇ ગોહેલ, ભૂદરભાઇ પટેલ અને સંજયભાઇ હીરાના દલાલીનો વ્યવસાય કરે છે. અને તેઓ ચારેય મિત્રો રાજેશભાઇની કારમાં ગઇકાલે જસદણ ડાયમંડ માર્કેટમાં હીરા વેચવા માટે આવી રહ્યા હતા. કાર જસદણ નજીક કાળાસર-ઘેલાસોમનાથ ચોકડી પાસે પહોચી ત્યારે નંબર પ્લેટ વિનાની સિલ્વર કલરની સેન્ટ્રોકારમાં ઘસી આવેલા ચાર શખ્સોએ રાજેશભાઇની કારને આંતરી ઉભી રખાવી હતી.

સેન્ટ્રો કારમાંથી નીચે ઉતરેલા ચારેય શખ્સોએ છરી બતાવી જસમતભાઇ મોરડીયાને જે કંઇ હોય તે આપી દેવાનું જણાવતા પોતાની પાસે રહેલા રૂા.૪ હજાર રોકડા આપી દીધા હતા. ત્યારે લૂંટારાઓએ બનીયનના ખિસ્સામાં રહેલું પેકેટ આપી દેવા ધમકાવી છરીથી હુમલો કરતા જસમતભાઇ મોરડીયા ઘવાતા તેઓએ પોતાની પાસે રહેલા રૂા.૧૧ લાખની કિંમતના હીરાનું પેકેટ આપી દીધું હતું.

ચારેય લૂંટારાઓએ જસમતભાઇ મોરડીયા પાસેથી રૂા.૧૧ લાખના હીરના પેકેટની લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે રહેલા રાજેશભાઇ પાસેથી રૂા.૩ લાખની કિંમતના હીરા, ભુદરભાઇના રૂા.૩૫ હજાર રોકડા અને શૈલેષભાઇ પાસેથી રૂા.૮૦ હજાર રોકડની લૂંટ ચલાવી કાર ચાલક રાજેશભાઇ પાસેથી ચાવી લઇ રસ્તા પર ફેકી લૂંટારા સેન્ટ્રોકારમાં ઘેલા સોમનાથ તરફ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઘવાયેલા જસમતભાઇ મોરડીયાને સારવાર માટે જસદણ હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે લૂંટની ઘટના અંગેની પોલીસને જાણ થતા પી.આઇ. વી.આર.વાણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જિલ્લાભરમાં નાકાબંધ કરાવી તપાસ હાથધરી છે.

પોલીસે હીરાના ચારેય દલાલ પાસેથી લૂંટારાનું વર્ણનના આધારે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફે તપાસ હાથધરી છે. લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાનું અને બોટાદના પાટી ગામેથી જ પીછો કરતા હોવાની શંકા સાથે પોલીસે ચારેય હીરાના દલાલની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.