ડીજીટલ ઈન્ડિયા: આઝાદી બાદ પ્રથમ વખત “પેપર લેસ” બજેટ થશે રજૂ, વાંચો શું હશે ખાસ

કોરોના મહામારીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય: આર્થિક સર્વેના દસ્તાવેજો છાપવામાં નહીં આવે, સોફ્ટકોપી અપાશે

કોવિડ -૧૯ રોગચાળાને લીધે આ વખતે કેન્દ્રીય બજેટ પેપરલેસ રહેશે. આઝાદી પછી આ પહેલી વાર હશે જ્યારે બજેટનાં કાગળો છાપવામાં આવશે નહીં. દર વર્ષે કેન્દ્રિય બજેટના દસ્તાવેજો નાણાં મંત્રાલયના પ્રેસમાં છાપવામાં આવે છે. લગભગ ૧૦૦ કર્મચારીઓ આ પ્રક્રિયામાં સામેલ હોય છે, બજેટના દિવસે જ બજેટ દસ્તાવેજો છાપવામાં, સીલ કરી દેવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા લગભગ ૧૫ દિવસ ચાલે છે. ચાલુ વર્ષે બજેટ પેપરલેસ રહે તેવા એંધાણ છે.

આ વર્ષે કોવિડ -૧૯ રોગચાળોને ધ્યાનમાં રાખીને સરકારે  બજેટ દસ્તાવેજો નહીં છાપવાનો  નિર્ણય લીધો છે. આ વખતે બજેટની સોફ્ટ કોપી શેર કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રિય બજેટ અને આર્થિક સર્વેના દસ્તાવેજો છાપવામાં આવશે નહીં અને સોફ્ટ કોપી આપવામાં આવશે. સંસદના તમામ સભ્યોને સામાન્ય બજેટની સોફ્ટ કોપી મળશે.

નાણામંત્રી સિતારામન ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે અને ૮ એપ્રિલ સુધી ચાલશે. તે બે ભાગમાં હશે. પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં શરૂ થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે તેનો બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી રહેશે. ૧૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી વિરામ રહેશે. ગયા વર્ષે કોરોનાના વધતા જતા કેસોને કારણે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું.

સામાન્ય રીતે બજેટ પાછળ મોટા પ્રમાણમાં છાપકામ નો ઉપયોગ થાય છે સરકારનો મોટો કર્મચારી ગણ બજેટના છાપકામ પાછળ રોકાય છે જોકે કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહીં તેમજ બજેટમાં અત્યાધુનિક પદ્ધતિ હાથ ધરાઇ તે હેતુથી આગામી બજેટ પેપરલેસ રહેશે. જોકે લોકોને સોફ્ટકોપી ફાળવવામાં આવશે

Loading...