ડિજિટલ હાઈ-વે પ્રોજેકટ: શહેરમાં ૨૫૦ કિ.મી. ઓપ્ટીકલ ફાઈબલ નેટવર્ક ઉભુ કરાશે

64

૧૦ કિ.મી. વિસ્તારમાં રેડીયલ નેટવર્કનું કામ પૂરજોશમાં ચાલુ: કોર્પોરેશનની ઝોન કચેરી, સિવિક સેન્ટર, આંગણવાડી, સ્કૂલ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વાઈફાઈ ઈન્ટ્રાનેટ કનેક્ટિવિટીથી જોડી દેવાશે: વર્ષે  ૨.૫ થી ૩ કરોડની બચત થશે

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. હાલ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યાં છે. સ્માર્ટ સિટીમાં ડિજીટલ હાઈવે પ્રોજેકટ અંતર્ગત શહેરભરમાં ૨૫૦ કિ.મી. ઓપ્ટીકલ ફાઈબલનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે. હાલ પ્રથમ તબક્કામાં ૧૦ કિ.મી. વિસ્તારમાં રેડીયલ નેટવર્ક બિછાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જે ઓગષ્ટ માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના જણાય રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટના મેનેજર અને સિટી એન્જીનીયર ભાવેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ૨૫૦ કિ.મી. વિસ્તારમાં ઓપ્ટીકલ ફાઈબર બિછાવવા આવશે. ૬૦ કરોડના આ પ્રોજેકટ ગુજરાતની જ ઈશાન ઈમ્પોર્ટેડ લીમીટેડ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. કંપની દ્વારા હાલ પ્રથમ તબક્કે શહેરના મુખ્ય ૧૦ કિ.મી. વિસ્તારમાં રેડીયલ નેટવર્ક બિછાવવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જે ઓગષ્ટ માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના જણાય રહી છે. શહેરના ૨૫૦ કિ.મી. વિસ્તારમાં ઓપ્ટીકલ ફાઈબલ નેટવર્ક બિછાવવામાં આવશે. જેનાથી મહાપાલિકાને મોટો ફાયદો થશે. હાલ મહાપાલિકા દ્વારા ઈન્ટરનેટ સેવા માટે બીએસએનએલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના માટે વર્ષે-દહાડે રૂા.૨.૫૦ કરોડી લઈ ૩ કરોડ રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે.

તેઓએ ઉમેર્યું હતું કે, ડિજીટલ હાઈવે પ્રોજેકટ અંતર્ગત ૨૫૦ કિ.મી. વિસ્તારમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક ઉભુ કરાયા બાદ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી, વોર્ડ ઓફિસ, શાળા, આંગણવાડીઓ, સીવીક સેન્ટર અને તમામ સીસીટીવી કેમેરાને વાઈફાઈ ઈન્ટ્રાનેટ કનેક્ટિવીટી મળી જશે જેથી વર્ષે રૂા.૩ કરોડ સુધીનો ફાયદો થશે. એજન્સી દ્વારા અન્ડર ગ્રાઉન્ડ પાંચ ડક પારવામાં આવશે. જેમાં એક ડક કોર્પોરેશનને કેબલ નાખવા માટે આપવામાં આવશે. જ્યારે એક ડક એજન્સી મેન્ટેનેન્સ માટે રાખવામાં આવશે જ્યારે અન્ય ત્રણ ડકને લીઝ ઉપર આપવામાં આવશે. જ્યાં મોબાઈલ કંપનીઓ કે અન્ય કંપનીઓને કેબલ નાખવા માટે ભાડે આપવામાં આવશે જેથી વારંવાર રોડ તોડવાની નોબત પણ નહીં આવે. ખાનગી કંપનીઓએ પણ ફરજીયાતપણે આ ડકનો ઉપયોગ કરવાનો રહેશે.

હાલ શહેરના અલગ અલગ મુખ્ય રાજમાર્ગો પર ૧૦ કિ.મી.ના એરીયામાં રેડિયલ નેટવર્ક બિછાવવાની કામગીરી ચાલી રહી છે જેના માટે રોડ બન્ને સાઈડ ખોદમાં આવ્યા છે. આ કામ ઓગષ્ટ માસ સુધી ચાલશે જે પૂર્ણ થયા પછી બીજા તબક્કાનું એટલે કે ઓપ્ટીકલ ફાઈબલ નાખવાનું કામ શરૂ કરવામાં આવશે. ટૂંકમાં ડિજીટલ આઈવે પ્રોજેકટનું કામ ચાલુ સાલના અંત સુધીમાં પૂર્ણ ઈ જશે. આ પ્રોજેકટ કાર્યરત થતાંની સાથે જ નેટ કનેક્ટિવીટીના સર્વર ઠપ્પ થવા સહિતની જે સમસ્યા છે તે આપો આપ રદ્દ થઈ જશે.

Loading...