પંખીડાને ઘાયલ થતા જોવો તો તરત ૧૯૬૨ નંબર ડાયલ કરો

367

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા અબોલ પક્ષીઓને બચાવવા રાજય સરકારની સંવેદના

મકરસંક્રાંતિને માત્ર ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે પતંગવીરો પાકા માંઝા અને પતંગની કની બાંધીને સોમવારે પતંગ ચગાવવા સજજ છે. દર વર્ષે મકરસંક્રાંતિ નિમિતે પતંગ ચગાવવામાં વપરાતા પાકા દોરાને કારણે હજારો પંખીડાઓ ઘાયલ થતા હોય છે. આપની એક દિવસની મજા પક્ષીઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજયના તમામ શહેરોમાં કરૂણા ફાઉન્ડેશન દ્વારા પક્ષી જાગૃતી ઝુંબેશ છેલ્લા ૧૫ વર્ષથી અવિરત કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત રાજયના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિ.કમિશનરની દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ તેમજ જીવદયાપ્રેમી વિદ્યુત બોર્ડ દ્વારા પક્ષીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. જો તમે પણ કોઈ જગ્યાએ ઘાયલ પક્ષીઓને જોવો તો કરૂણા એનીમલ એમ્બ્યુલન્સના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ડાયલ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી કરૂણા અભિયાન શરૂ કરાયું છે જેને લઈ રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પક્ષીઓની સુરક્ષા માટે જાહેર જનતાને વહેલી સવારે તેમજ સમીસાંજે જયારે પક્ષીઓ પોતપોતાના ઘરે જતા હોય તે દરમિયાન પતંગ નહીં ચગાવવા તેમણે જાહેર જનતાને અપીલ કરી છે.

જેવી રીતે આપણે ઈજા થાય તો ઈમરજન્સી નંબર ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ૧૦૧ ફાયર બ્રિગેડ બોલાવી શકીએ છીએ તેવી જ રીતે અબોલ પક્ષીઓને આપણા એક દિવસના તહેવાર દરમિયાન તેમને ઈજા કે ખલેલ ન પહોંચે તેની જવાબદારી સૌ કોઈની છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો તેમજ હેલ્પલાઈન સુવિધા રાખવામાં આવી છે. જે અંતર્ગત ૮ એમ્બ્યુલન્સ, ૨ બાઈક એમ્બ્યુલન્સ તેમજ વેટરનીટી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૩.૬૦ લાખ જીવોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૧૪ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા જેવી પ્રવૃતિઓના સતત પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી રાજકોટમાં ૬ જગ્યાએ સારવાર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે જેમાં ૧૦૦ વોલેન્ટરીયર્સની ટીમ ખડેપગે રહેશે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૨૦ જાન્યુ.સુધી કંટ્રોલરૂમ કાર્યરત

પશુ દવાખાનું (સદર બજાર, રાજકોટ)

પશુ દવાખાનું (પેડક રોડ, રાજકોટ)

વન વિભાગ કંટ્રોલ રૂમ (ફોન નં.૦૨૮૧-૨૫૮૧૫૧૦)

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (ગોંડલ ચોકડી)

પંચનાથ એનીમલ હોસ્પિટલ (પંચનાથ મંદિર, રાજકોટ)

રાજકોટ મહાજનશ્રી (પાંજરાપોળ)

આ ઉપરાંત તા.૧૪ અને ૧૫ના રોજ શહેરમાં ૬ જગ્યાએ વિશેષ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે.

ઘાયલ પક્ષીઓને સાદા પાણીથી સાફ કરી હળદરથી પ્રાથમીક સારવાર: ડો. ધારા

ડો. ધારાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વહેલી સવારથી લઇ ૯ વાગ્યા સુધીમાં પક્ષીઓ પોતાના માળામાંથી નીકળી આકાશમાં ઉડાન  ભરતા હોય ત્યારે પતંગ ન ચગાવવા જાહેર જનતાને અપીલ કરૂ છું. પક્ષીઓની સુરક્ષા માટે દરેક સેન્ટરોએ લાઇવસ્ટોક ઇન્સ્પેકટર અને અટેન્ડન્ટ રહેશે. જો તમને કોઇ ઘાયલ પક્ષી નજરે પડે તો પ્રાથમીક સારવાર માટે તેને સાદા પાણીથી સાફ કરી હળદર લગાવી શકાય છે.

મકરસંક્રાંત મનાવો પણ પક્ષીઓના મૃત્યુનું કારણ બનો: મિતલભાઇ ખેતાણી

ક‚ણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલભાઇ ખેતાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી સુધી સમગ્ર ગુજરાતમાં વિશેષ કન્ટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર મોટે વિવિધ છ કન્ટ્રોલ રુમ ઉભા કરાયા છે. જેમાંથી મુખ્ય કન્ટ્રોલ રૂમ ત્રિકોણબાગ ખાતે રાખેલ છે.

આ ઉપરાંત માધાપર ચોકડી, આત્મીય કોલેજ પાસે, કિશાનપરા ચોક, અને વાવડીમાં રાખવામાં આવ્યા છે. જેમાં લગભગ ર૦ જેટલા ડોકટરોની ટીમ ખડેપગે વધુમાં જે તે સ્થળે ઘાયલ પક્ષી સુધી પહોચવા માટે આઠ એમ્બ્યુલન્સ અને ૧૦ જેટલા બાઇક રાખવામાં આવ્યા છે. વિશેષ પક્ષીઓને લાવ્યા બાદ પક્ષીની હાલત ત્રણ કેટગરીમાં જોવા મળે છે.

કાયમી અપંગ બનેલા પક્ષીને સાચવવા માટેની પણ સુવિધાઓ કરવામાં આવે વધુમાં લોકોને અપીલ કરી કે મકરસંક્રાતિ માણવી જોઇએ પરંતુ પક્ષીઓનો મૃત્યુ કે હત્યાનું કારણ બનવું ના જોઇએ.

ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબા એ જણાવ્યું કે મકરસંક્રાંતિ દરમીયાન એટલે કે ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી કમીશ્નર દ્વારા ફાયરની ટીમને આદેશ આપવામાં આવ્યો છે કે ચાર દિવસ માટે સમગ્ર ટીમ ખડેપગે રહેશે. આ ચાર દિવસોમાં જીઇબી અને ફાયર બ્રીગેડ બન્ને સાથે મળીને કાર્ય કરશે જયારે ફાયરની ટીમને જે તે પક્ષી ફસાયાનીની જાણ થશે ત્યારે તુરંત ફાયર બ્રીગેડ તથા પહોચશે અને પક્ષીને બચાવામાં આવશે. સાથો સાથ પક્ષી ઝાડમાં કે તારમાં અટવાયેલ હોય તો તેના માટે ફાયર બ્રીગેડમાં વાસળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  

Loading...