ઢોલી તારો ઢોલ બાજે… સલ્લુ અને એશ ફરી સાથે કામ કરશે ?

459

સલમાન ખાન અને સંજય લીલા ભણસાળી એક રોમેન્ટિક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે

ખામોશી ફિલ્મથી સ્વતંત્ર નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરનારા સંજય લીલા ભણસાલી આજે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પરિચયના મોહતાજ નથી. તેમણે સલમાન ખાન સાથે ખામોશી ઉપરાંત હમ દિલ દે ચૂકે સનમ અને સાંવરિયા જેવી ફિલ્મો કરી છે. હવે ફરી એકવાર સલમાન ખાન અને સંજય લીલા ભણસાળી એક રોમેન્ટિક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મ હાલ શરૂઆતના તબક્કામાં છે. હાલ તુરત આ ફિલ્મને ‘હમ દિલ દે ચુકે સનમ-૨’ નામ આપવામાં આવ્યુ છે. જો કે હજુ ઓફિશિયલી ટાઈટલની ઘોષણા કરવામાં આવી નથી. રોમાન્ટિક ફિલ્મમાં ફિમેલ કાસ્ટિંગ પર મોટું સસ્પેન્સ બનેલું છે. સમાચાર એવા છે કે સલમાન ખાન પોતાની સામે કેટરીના કૈફ કામ કરે તેવું ઇચ્છી રહ્યા છે તો ભણસાળી આ વાત સાથે સહમત થતા નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર રોમાંટિક સાગામાં દબંગ ખાન કેટરીના કૈફને પોતાની કો-સ્ટાર બનાવવા મથી રહ્યો છે, જ્યારે ભણસાળી કેટરીનાને નહીં પણ દીપિકા પદુકોણને કાસ્ટ કરવા માંગે છે. ભણસાળી અને દિપીકાએ એક સાથે બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હજુ મેઈન રોલ કોણ કરશે તેની માહિતી સામે આવી નથી. ચર્ચા તો એ પણ છે કે ભણસાળી દ્વારા પોતાના આ પ્રોજેક્ટ માટે એશ્વર્યા રાય બચ્ચનને પણ મનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

પહેલા એવા સમાચાર હતા કે સલમાન ખાને પોતાની ઓપોઝિટ અનુષ્કા શર્માનું નામ સુચવ્યુ હતુ. સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને જ્હાન્વી કપૂરના નામો પર પણ ચર્ચા હાથ ધરાઈ હતી. જોકે ભણસાળીને લાગી રહ્યુ છે કે સલમાન સામે આ બંને અકટ્રેસ ખુબ જ નાની લાગશે અને તેની જોડી જામશે નહી. ફિલ્મમાં સલમાન સાથે પ્રિયંકા ચોપડાની કાસ્ટિંગ પણ શક્ય છે. કોફી વિથ કરણ ૬ માં આ એકટ્રેસે ક્હ્યું હતું કે તેની કોઈ પ્રોજેક્ટને લઈને ભણસાળી અને વિશાલ ભારદ્વાજ સાથે વાતચીત ચાલી રહી છે. આથી શક્ય છે કે આ રોમાન્ટિક ડ્રામામાં સલમાન સાથે પ્રિયંકા નજરે ચડશે. જ્યાં સુધી મુખ્ય ભુમિકા કોણ નિભાવશે તે નક્કી થતું નથી ત્યાં સુધી ચર્ચાઓ ચાલતી રહેશે. આમ જોઈએ તો એશ્વર્યાની વાત કરીએ તો એ જોવાનું ખુબ જ રસપ્રદ રહેશે કે સલમાન સાથે કામ કરવા એશ્વર્યા તૈયાર થશે કે કેમ? ભણસાળી-સલમાનના આ પ્રોજેક્ટનું શૂટિંગ આ વર્ષના સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે. ત્યાં સુધીમાં સલમાન ખાન દબંગ ૩ નું શૂટિંગ પૂર્ણ કરી લેશે. મુવીને સલમાન અને ભણસાળી મળીને પ્રોડ્યુસ કરવાના છે. આ ફિલ્મ ૨૦૨૦ માં રિલિઝ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ એક સુપર હિટ ફિલ્મ હતી. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મી કારકિર્દીની શિરમોર ફિલ્મ હતી. આ ફિલ્મના તમામ ગીતો આજે પણ લોકપ્રિય છે. તાજા સમાચાર મુજબ સંજય લીલા ભણસાળીએ બચ્ચન કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે એક ફિલ્મ બનાવવાની યોજના ઘડી કાઢી છે. આ ફિલ્મ શાયર શાહીર લુંધિયાંવીના જીવન પર આધારિત છે.

Loading...