Abtak Media Google News

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા: અસરગ્રસ્તોની વ્હારે ધારાસભ્ય અંબરીષ ડેર

રાજુલા શહેર તથા તાલુકાના લગભગ તમામ ગામોમાં આજે સવારના ૮ થી ધીમીધારે અને પાછળથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ૬ ઈંચ જેટલો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪ ઈંચથી પણ વધુ વરસાદ થયાના વાવડ છે. રાજુલા શહેરમાં એકધારા ચાર દિવસથી વ્યાપકપણે વરસી રહેલા વરસાદથી શહેરભરમાં પાણી ભરાયા હતા. હવેલી ચોક વિસ્તારની મેઈન બજાર દુકાનોમાં પાણી ભરાયા હતા. શહેરની કાનજીબાપા નગર, સવિતાનગર, શ્રીજીનગર, ગોકુલનગર, રેઈનબલો, આંબેડકરનગર, ઘનશ્યામનગર, પુનિત નગર જેવી હાયફાઈ સોસાયટી વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.

અને આ વિસ્તારોની ભૂગર્ભ ગટરો ઉભરાતા ગંદકી ફેલાય હતી રાજુલાનો ધાતરવાડી ૨ ડેમ છલકાતા સવારના ૧૧ કલાકે બે દરવાજા ખોલાયા હતા. પાણીની આવક ઉપરવાસમાંથી સતત ચાલુ રહેતા બપોરે આઠ દરવાજા ખોલ્યા હતા. જેની જાણ તંત્ર તરફથી ડેમ નીચે આવતાનીચાણવાળા ગામોનાં રહીશોને જાણ કરાઈ હતી. આથી જાનહાની થઈ ન હતી. આજે આ ડેમમાંથી પાણી છોડાતા, રામપરા ૨ ઉમૈયા ગામોમા પાણી ભરાયા હતા. જયારે ભારે વરસાદથી રાજુલા તાલુકાના ભેરાઈ વિકટર, કડીયાળી, સાજણાવાવ સહિતના ઘણા બધા ગામોમાં પાણી ભરાયા હોવાના વાવડ મળી રહ્યા છે.

નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ હોય રાજુલા મહુવા નેશનલ હાઈવે રોડ ઉપર કોન્ટ્રાકટર દ્વારા રોડ વચ્ચે અને સાઈડમાં માટી સહિતના માલસામાનના ઢગલા કર્યા હોવાથી દાતરડી કડીયાળી નિંગાળા, જોલાપૂર, પીપાવાવ, સહિતના આ રોડ ઉપર આવતા ગામોનાં ખેડુતોની જમીનમાં પાણી ફરી વળ્યા હતા. રાજુલા તાલુકાના મોટાભાગના ગામો અને જમીનો પાણીથી તરબોળ થઈ છે.

અલ્ટાટ્રેક સીમેન્ટ કંપનીની કોલોની અને પીપાવાવ પોર્ટમાં પણ પાણી ભરાયા હોવાના વાવડ છે. જાફરાબાદમાં સવારથી શરૂ થયેલો શહેર અને તાલુકાનાં ગામોમાં વરસાદ ૨૦૦ મીમી ૮ ઈંચ જેટલો ખાબકયો છે. જાફરાબાદ શહેરમા પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. જયારે તાલુકાના ધારાબંદર, વઢેરા, સોખડા, કડીયાળી, ભાડા, ચિત્રાસર સહિતના ગામોમાં પણ પાણી ભરાયા હતા. સૌથી વધારે ક્ફોડી સ્થિતિ ધારાબંદર અને વઢેરા ગામની હતી

ધારાસભ્ય અંબરીષ ડેર પત્રકાર જગદીશ ભાંખરા અને તેની ટીમ આજે છાતીડુબ પાણીમાં ઉતરી વઢેરા ગામે પહોચ્યા હતા અને શકય તમામ મદદ કરી હતી. ગામ આખુ ન ડુબે એ માટે સરપંચ સહિતના ગામ લોકોએ પાળા તોડવાની કામગીરી કરી વધુ પાણી આવતુ અટકાવ્યું હતુ કંપની દ્વારા પાળા બંધાતા હતા તે વખતે સરપંચ સહિતનાઓએ આ પાળા ન બાંધો ચોમાસાના પાણીના નિકાલ માટે આ એક જ માર્ગ છે જો બાંધશો તો ગામમાં પાણી ભરાશે પણ રાજકીય ઓથ ધરાવતી આ કંપનીએ પોતાનું જ ધાર્યુ કર્યું હતુ.

રાજુલા તાલુકાના બાબરીધાર ગામે આજે મીના ટ્રાવેર્લ્સની લકઝરી બસ ૩૫ જેટલા પેસેન્જરોને લઈને આવી હતી ત્યારે આ ગામના નદી ઉપરના પૂલ ઉપર ઘોડાપૂર વહી રહ્યું હતુ તે ઘોડાપૂરમાં આ બસ ફસાતા બસમાં બેઠેલા પેસેન્જરોનાં જીવ તાળવે ચોટયા હતા. સદનસીબે ગામના સરપંચ અનિલભાઈ લાડુમોર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના ટેલીફોનીક સંપર્કથી પોતાની ટીમ અને ગ્રામજનોને સ્થળ ઉપર બોલાવી ધોડાપૂરમા ફસાયેલા બસના પેસેન્જરોને મહામહેનતે બચાવ્યા હતા જીવના જોખમે સરપંચ અનિલ લાડુમોર અને ગ્રામ્યજનોએ કરેલી આ માનવ સેવાને સહકારી આગેવાની દિલીપભાઈ સંઘાણીએ સરપંચને માનવ જીંદગી બચાવવા અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.