Abtak Media Google News

તમામ માંગણીઓ સાત દિવસમાં નહીં સંતોષાય તો ભુખ હડતાલ સહિતના આક્રમક કાર્યક્રમો કરવાની ચિમકી

આગામી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખીને સરકાર દ્વારા ફિકસ પગારદારો, આંગણવાડી વર્કર, આશા વર્કરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતને વિકસિત અને ગતિશિલ બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ, માનદ વેતન, લઘુતમ વેતન, રોજમદાર અને સફાઈ કામદારોની વર્ષોથી પડતર એવી કાયમી કરવાની અને યોગ્ય વેતન આપવાની માંગણીઓ ના સ્વિકારાતા આ કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. કર્મચારીઓ માટે લાંબા સમયથી લડત ચલાવી રહેલ કોન્ટ્રાકટ અને ફિકસ પગાર સંઘર્ષ સમિતિએ આ કર્મચારીઓને ન્યાય અપાવવા સરકાર સામે લડતનું બ્યુગલ ફુંકી દીધું છે જે અન્વયે આજે સમિતિ દ્વારા માસસીએલ અને કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે રાજકોટ જિલ્લામાં આજે મોટી સંખ્યામાં શોષિત કર્મચારીઓ ઉપસ્થિત થઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.કોન્ટ્રાકટ અને ફિકસ પગાર સંઘર્ષ સમિતિના પ્રમુખ રજનીકાંત સોલંકીએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ યુવાનોનું લગાતાર શોષણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ધમકીઓ આપી ગજા બહારનું કામ કરાવવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને સમાન કામ સમાન વેતનની સાથે ૫૮ વર્ષ સુધી જોબ સિકયોરીટી આપવાની પણ માંગણી કરી છે અને જો દિન સાતમાં તમામ માંગણી નહીં સંતોષાય તો તમામ કર્મચારીઓ દરેક જિલ્લાની કલેકટર કચેરીએ સામુહિક ભુખ હડતાલ પર ઉતરશે. આ દરમિયાન સામાન્ય જનતાના કામો અટવાશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.વધુમાં તેઓએ નામદાર સુપ્રિમકોર્ટના ૨૬ ઓકટોબર ૨૦૧૬ના ચુકાદાની ગુજરાતમાં તાત્કાિલક અમલવારી કરીને સમાન કામ સમાન વેતન મુજબ વેતન ચુકવવામાં આવે, રેગ્યુલર મહેકમની ભરતી પ્રક્રિયામાં જે તે પોસ્ટ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ કર્મચારીઓને પ્રાથમિકતા આપો, કોન્ટ્રાકટ કર્મચારીઓને ૫૮ વર્ષ સુધી નોકરીની બાંહેધરી આપી જોબ સિકયોરિટી આપો, આઉટ સોર્સિંગની નિતી સદંતર બંધ કરી તમામ કર્મચારીઓને સરકાર હસ્તક લઈ લેવા, વર્ષોથી બંધ વર્ગ-૪ની કાયમી ભરતી પુન:જિવિત કરી પછાત વર્ગોના યુવાનોને કાયમી રોજગારી આપવી, માનદ સેવાના નામે શોષણની નીતિ બંધ કરી તમામ કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ વેતન ચુકવો, લઘુતમ વેતન ધારાનો ગુજરાતમાં ચુસ્તપણે અમલ કરવા સહિતની માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.