મેંદરડા તાલુકામાં ધનવંતરી રથ કાર્યરત

૭૧૦૭ લોકોના કરાયા કોરોના ટેસ્ટ

કોરોના મહામારીના સંક્રમણને રોકવા મેંદરડા તાલુકામાં કુલ ૩ ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે.  ત્યારે સરકારી આંકડા મુજબ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ તાલુકાના ૩૦ ટકા લોકોની તપાસ દરમિયાન ૩,૪૭૫ લોકો નાની, મોટી, અને કાયમી બીમારીઓથી પીડાતા હોવાથી તેમને સારવાર અને દવા આપવા માં આવી હતી. મેંદરડા તાલુકામાં કોરોના અંતર્ગત અગાઉ એક વાર ઘરે-ઘરે સર્વેલન્સમાં આવરી લીધા બાદ, હવે ૩ ધનવંતરી રથ દ્વારા   મેંદરડા તાલુકાના ગામડાઓમાં લોકોને ઘરે બેઠા સારવાર, દવા આપવા સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી રહ્યા છે.  શંકાસ્પદ કોરોના દર્દિઓને એન્ટીજન કીટ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે. સાથોસાથ લોકોની આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી રહી છે.

પરંતુ તાલુકાના ૪૪ ગામની અંદાજે ૭૫,૯૭૦ જેટલી વસ્તી છે. તેમાંથી ૨૦૫૨૯ લોકોની આરોગ્ય તપાસણી દરમિયાન કુલ ૩૪૭૫ લોકોને નાની, મોટી, કે કાયમી બીમારી સામે આવી હતી જેમાંથી ૧૮૨ લોકોને તાવ, ૨૧૨૩ લોકોને શરદી, ૪૯૦ લોકોને ડાયાબિટીસ, તથા ૬૮૦ લોકોને બ્લડ પ્રેસર હોવાનુ સામે આવતા તમામને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર  અને દવા આપવામાં આવી હતી.

બીજી બાજુ મેંદરડા તાલુકામાં ૭૧૦૭ લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે. તાલુકાના કુલ ૯ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યરત છે. તેમાં શંકાસ્પદ કોરોના દર્દીના ટેસ્ટ કરી જરૂર જણાયે સારવાર પણ આપવામાં આવી રહી છે. , અને હાલના સંજોગોમાં લોકોને કફ, શરદી, ઉધરસ, તાવની બીમારી હોય તો કોરોના ટેસ્ટ કરાવવા મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.લાખાણી દ્વારા અનુરોધ પણ કરાયો  છે.

Loading...