Abtak Media Google News

કોરોનાના લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ જૂનાગઢ ડીવાયએસપી અને ટ્રાફિક કોન્સ્ટેબલનું ડી.જી.એ કર્યું સન્માન

પ્રદીપસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ, ઇ-કોપ, કેન્દ્રગૃહ મંત્રાલયે એકસલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન અને રાજય સરકાર દ્વારા ત્રણ-વખત સન્માન મળ્યું

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાદીની ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક ૨૦૨૦ માટે પસંદગી કરવામાં આવેલ હતી. જેઓ બંનેને ગઇકાલે કરાઈ તાલીમ અકાદમી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી  શિવાનંદ ઝાના હસ્તે ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા.

તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ અનુસંધાને રાખવામાં આવેલ લોક ડાઉન દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાદીની  જરૂરિયાાતમંદોને અનાજ કરિયાણાની કીટ મોકલાવી, કેન્સરની દવા મંગાવી, કેન્સરના દર્દીઓને સારવાર માટે રાજકોટ કેન્સર હોસ્પીટલ મોકલવા તજવીજ કરી,  લોકો ઘરમાં રહે તે માટે વોટ્સએપ દ્વારા મેસેજો મોકલી જાગૃતતા લાવી, લોક ડાઉનનો અમલ કરાવી, દરેક વર્ગના તથા જ્ઞાતિના લોકો સાથે સહિષ્ણુતા રાખી, ગરીબ માણસો તથા બેકાર થયેલા રીક્ષા ચાલકોને પણ અનાજ કરિયાણાની કિટો પહોંચાડી, બંદોબસ્ટમાં રહેલ પોલીસ સ્ટાફને પણ ચા પાણી, ધોમ ધખતા તડકામાં છાંયડો કરી,જૂનાગઢ વાસીઓમાં પ્રસંશાને પાત્ર બની છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ તો ભૂતકાળમાં પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર, સુરેન્દ્રનગર લીંબડી, વિગેરે મહત્વની જગ્યાઓ ઉપર સારી કામગીરી કરી, લોકોના દિલમાં જગ્યા બનાવેલ છે, જેઓને આજે પણ લોકો યાદ કરે છે. આ પહેલા પણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સને ૨૦૧૬ મા રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ, ૨૦૧૮ ની સાલમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી તરફથી ઇ કોપ એવોર્ડ, ૨૦૧૮ની સાલમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ પણ મળેલ છે. ઉપરાંત, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમા સારી કામગીરી કરવા બદલ લીંબડી, ચોટીલા અને વિસાવદર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીઓ દ્વારા પણ ત્રણ વખત સન્માન થયેલ છે.

ગુજરાતના પોલીસ વડા ડીજીપી શિવાનંદ ઝાના હસ્તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાદીને  ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવતા, જૂનાગઢ રેંજના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.