કરો વિકાસ: કોર્પોરેશનને ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવતું મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ

કેન્દ્ર સરકારના ૧૫માં નાણાપંચની ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રાજ્યની ૪ મહાનગરપાલિકાઓને રૂ.૨૦૨ કરોડ ફાળવાયા, પૈસાના વાંકે વિકાસ નહીં અટકે: ધનસુખ ભંડેરી

કોરોનાકાળમાં પૈસાના વાંકે ગુજરાતની એક પણ મહાનગરપાલિકા કે નગરપાલિકાઓમાં વિકાસ કામો પર બ્રેક ન લાગે તેની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. કેન્દ્ર સરકારના ૧૫માં નાણાપંચના પ્રથમ હપ્તા પેટે આજે ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૪ મુખ્ય નગરપાલિકાઓને આંતર માળખાકીય વિકાસ કામો માટે રૂા.૨૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજકોટને ૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજ્યની એક પણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાનો વિકાસ નાણાના વાંકે અટકે નહીં તેની ચિંતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારના ૧૫માં નાણાપંચ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ હપ્તા પેટે મહાપાલિકાઓ માટે રૂા.૨૦૨ કરોડની ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવતાની સાથે જ મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકાઓને આ ૨૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૨૦ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂા.૨૬ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂા.૬૫ કરોડ અને અમદાવાદ મહાનગરપાલિકાને રૂા.૯૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહાપાલિકાઓ આંતર માળખાકીય વિકાસ કામો માટે કરી શકશે. ૧૫માં નાણાપંચની ગ્રાન્ટનો આ પ્રથમ હપ્તો આવ્યો છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા મહાપાલિકાઓને નાણાપંચની ગ્રાન્ટના વધુ ૩ હપ્તા અલગ અલગ સમયે ફાળવવામાં આવશે જે રકમ રીલીઝ થતાની સાથે જ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવી દેવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ પણ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની અલગ અલગ કેટેગરીમાં આવતી નગરપાલિકાઓને નાણાપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. શહેરોના વિકાસ યાત્રા સતત ચાલુ રહે તેની ખેવના કરવામાં આવી રહી છે અને સમયાંતરે નગરપાલિકાઅ, મહાનગરપાલિકાઓને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે છે.

Loading...