Abtak Media Google News

અતિવૃષ્ટિને કારણે તલ, અડદ, મગફળી, બાજરો, જુવાર જેવા પાકો સદંતર નાશ પામતા ખેડૂતોને પારાવાર નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં શરૂઆતમાં વાવણી પછી પ્રમાણસર વરસાદ થયો ત્યાર પછી છેલ્લા ૬૦ દિવસ થયા એકધારો વરસાદ પડવો ચાલુ છે તેના કારણે તલ, અડદ, મગફળી, બાજરી, જુવાર, કપાસ જેવા જિલ્લાના મુખ્ય પાકો સદંતર નાશ પામ્યા છે. તે ઉપરાંત સતત વરસાદના કારણે કેટલીયે જમીનોમાં પાણી ભરાઈ ગયા છે અને ઉભા પાક બળી ગયા છે તે ઉપરાંત પાકને પાણી લાગી ગયા છે તેથી પાક સડી જાય છે. વાદળછાયું વાતાવરણ રહેવાથી પાકમાં ફુગજન્ય રોગ વધી રહ્યા છે તેમજ પાકની નાની અવસ્થા હોય જેનો ફલાવરિંગ સમય પુરો થઈ જતા ઉત્પાદનમાં મોટો કાપ આવે એ સ્થિતિ ઉદભવિ છે. ભારે વરસાદના કારણે ઉભો પાક અને જમીનનું ધોવાણ થયેલ છે તેથી ખેડુતોને મોટુ આર્થિક નુકસાન વેઠવુ પડેલ છે. વાદળછાયું વાતાવરણ રહેતા દરેક પાકમાં ઈયળો તેમજ જીવાતનો ઉપદ્રવ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળેલ છે તે નુકસાન સૌથી વધારે છે. આવા સમયે ચાલુ વર્ષે પાક વિમા યોજના સરકારે લાગુ કરી નથી અને તેથી ખેડુતોને તાત્કાલિક સહાયની જરૂર છે.

આ વર્ષે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે તેના માપદંડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોના પાકની પરિસ્થિતિ જોતા આ યોજનાનો લાભ આ ખેડુતોને મળી શકે તે પ્રમાણેના માપદંડોમાં ફેરફાર કરવા જરૂરી છે. વર્ષે ૨૦૧૯-૨૦૨૦ના વર્ષનો પાક વિમો ખેડુતોને મળ્યો નથી તે અંગે રાજય સરકાર અને વીમા કંપની ફુટબોલની જેમ એકબીજા ઉપર ફેંકાફેકી કરે છે. અમારી માંગણી છે કે ખેડુતોએ ભરેલા પાક વીમા પ્રિમીયમના આશરે ૪૮૦ કરોડથી વધારે રકમ ખેડુતોના ખાતામાંથી બેંકોએ કાપી લીધેલ છે અને વીમા કંપનીને ચુકવી આપેલ છે તે રકમ અંગે તપાસ કરતા વીમા કંપનીઓ દ્વારા કહેવામાં આવેલ છે કે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તેમના ભાગના વીમા પ્રિમીયમની રકમ આપે એટલે વીમો ચુકવીએ છીએ તો આ કરોડો રૂપિયા ખેડુતોના કાપી લેવાયેલા છે તેની જવાબદારી કોની ? ચાલુ સિઝનમાં ખેડુતોને ભોગવવી પડેલ મુશ્કેલીઓ અંગે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા યોગ્ય નિર્ણય કરીને અમલીકરણ કરાવવા દેવભૂમિ દ્વારકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.