Abtak Media Google News

પાણી વિતરણ સિવાયની તમામ કામગીરી ઠપ્પ: ડ્રેનેજ, બાંધકામ અને મેશેનરીના કામો રઝળયા:લેખિતમાં બાંહેધરીની માંગણી

કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલા જીએસટીના વિરોધમાં ગુજરાતમાં તમામ સરકારી કોન્ટ્રાકટરો હડતાલ પર ઉતરી ગયા છે. દરમિયાન ગઈકાલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ મહાપાલિકાના ઝોનલ કોન્ટ્રાકટરોને જીએસટીનો વધારાનો બોજ મહાપાલિકા ઉઠાવી લેશે તેવી ખાતરી આપી હોવા છતાં ઝોનલ કોન્ટ્રાકટરો બીજે દિવસે પણ કામે ન ચડતા આજે પાણી વિતરણ સિવાયની મોટાભાગની કામગીરી રઝળી પડી હતી. સરકારી કોન્ટ્રાકટરોએ આજે કલેકટર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.

જીએસટીના વિરોધમાં ગુજરાત સરકારી કોન્ટ્રાકટર એસોસીએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાપાલિકાના કોન્ટ્રાકટરો પણ જોડાયા છે. સતત બે દિવસ મીટીંગ બાદ ગઈકાલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ કોન્ટ્રાકટરોને એવી ખાતરી આપી હતી કે, જીએસટીમાં જે વધારાના ટેકસનો બોજ કોન્ટ્રાકટર પડશે તે મહાપાલિકા ઉઠાવી લેશે. જેની સામે તમામ કોન્ટ્રાકટરોએ લેખિતમાં આ ખાતરી માંગી હતી. ખાતરી લેખિતમાં ન આપવામાં આવતા કોન્ટ્રાકટરો ગઈકાલે હડતાલ પર હતા. આજે પણ હડતાલ પર જ છે. આવશ્યક ગણાતી પાણી વિતરણ સિવાયની ડ્રેનેજની લગતી, બાંધકામને લગતી અને મેશેનરી કામને લગતી તમામ પ્રકારની કામગીરી આજે સતત બીજા દિવસે ચાલુ કરી ન હતી. તમામ કોન્ટ્રાકટરો કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને ત્યાં તેઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવયું હતું. ગત સપ્તાહે શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ ડ્રેનેજ તથા રોડ-રસ્તાની ફરિયાદો વધી છે પરંતુ ઝોનલ કોન્ટ્રાકટરોની હડતાલના કારણે સમયસર ફરિયાદોનો નિકાલ ન થતો હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, જીએસટીના વિરોધમાં મહાપાલિકાના કોન્ટ્રાકટરોની હડતાલના કારણે પ્રજાનો કામો ખોરવાઈ ગયા છે. શહેરભરમાં ખાડાઓ બુરી દેવા માટે મેયર આપેલી સુચનાને તંત્ર ધોળીને પી ગયું છે. કોન્ટ્રાકટરોની હડતાલના કારણે ડ્રેનેજની સમસ્યાનો પણ નિકાલ થતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.