ઈચ્છા + આશા + શકયતા…. સપનું

“ચિંટુ; તને ખબર છે મારા પપ્પા પાસે તો આ આખા બિલ્ડીંગથી પણ મોટી કાર આવવાની છે” …પોતાના મિત્ર મોન્ટીની વાત સાંભળી એનાથી ૨ વર્ષ  મોટા ૭ વર્ષના ચિંટુએ હસતાં હસતાં વાત ઉડાવતા કહ્યું કે “ક્યાં?? ’સપનામાં’ આવવાની છે ને??..બીજી બાજુ કોઇ એક ઘરમાં ; મિત્રો સાથે ક્રિકેટ  રમીને આવેલા ૧૯ વર્ષના મોહિતને ખખડાવતાં પપ્પા બોલ્યા કે “સચિન ટેંડુલકર બનવાના ’સપના’ નહીં જોવાના…ચૂપચાપ દુકાને બેસવા આવી જા કાલથી”…ને વળી આ બાજુ પોતાના વિચારમાં ખોવાઇ ગયેલા ૭૨ વર્ષના મધુસુદનભાઇને જોતાં સોનાલીએ મિતેશને સસરાની ટીખળ કરતા કહ્યું  કે આ જો ,  પપ્પા ’સપના’ જુએ છે ….એમને કહે કે ભજન કરવાની ઉંમરમાં ’સપના’ ન જોવાય”.

સપના, શમણાં, ડ્રીમ, ખ્વાબ જેવા આ શબ્દો ગીત,ગઝલ,કવિતા અને મોટીવેશનલ ભાષણોની હદ પાર કરતાવેંત કોણજાણે એની મહત્તા ગુમાવી મજાક ઉડાવવાના સાધન બની જાય છે.

’અશક્ય’ના સમાનાર્થ તરીકે વપરાય છે આ ’સપનું’.

શું સાચે જ સપનું એટલે; આપણા મને, નીંદરના તાબા હેઠળ;  ઉપજાવી કાઢેલી, જે છે નહીં અને જેના હોવાની કે થવાની શક્યતાઓ પણ ન હોય એવી કોઇ અસંભવ લાગતી ઘટનાને જીવી જવાની ભ્રમણા માત્ર..!?

ના; મારા હિસાબે તો ’સપનું ’ એ સર્વસ્વ છે. કોઇ મને પૂછે તો હું એમ કહું કે “જીવવા માટે હવા,પાણી,ખોરાક અને સપનું જોઇએ.”

જેમ આપણે શ્વાસ  લેતા નથી ;એ તો લેવાય જાય છે..આપોઆપ..એમ આ સપનાનું પણ એવું જ..એ જોવાય નહીં..એ તો દેખાય જાય…આપોઆપ.સપના જોવાના કે પછી દેખાવાના કોઇ શેડ્યુલ કે ટાઇમટેબલ ન હોય. જ્યારે મનનાં કોઇ ખૂણે  ઇચ્છાઓ ઈરાદામાં ઘોળાય, પછી છલકાય,  ઢોળાય ત્યારે સપનું દેખાય.

સાચું કહું તો સપનાને નીંદરની સીમાઓમાં પણ બાંધી ન શકાય..સપનું એ સમયના બંધનોથી મુક્ત, ગમેત્યારે (સાચા અર્થમાં ’ગમે’  ત્યારે) બની શકનારી ઘટના છે.

શક્યતા વત્તા ઇચ્છા વત્તા આશાના સરવાળે મળેલો જવાબ એટલે સપનું  …..

ખેતર ખેડીને બિયારણ કરતા ખેડૂતને કંઇ એ વાતની જાણ કે ખાત્રી નથી હોતી કે પોતે વાવેલા અગણિત બીજમાંથી કયું બીજ પરિપક્વ થઇ , મબલખ મોલમાં પરિવર્તશે અને કયાં બીજ અંકુરિત જ નહીં થાય…પણ તેમ છતાંયે એતો લહેરાતાં ખેતરની ઇચ્છામાં અને આશામાં વાવેતર કરતો જ જાય.સપનાંઓ પણ આપણા જીવતરની માટીમાં, પરિપક્વ થશે જ એવી આશા સાથે વવાયેલા ઇચ્છાના બીજ છે, એમાના કેટલાક મબલખ મોલ બને, કંઇક અધકચરાં રહે ને કોઇ અંકુરિત જ ન થાય..પણ એનો અર્થ એ તો નહીં ને કે સપનાનાં વાવેતર કરવાના જ નહીં?

અમુક લોકો તો પાછા સપનાને સાવ ભ્રમણા કહી તુચ્છકારી દેતાં યે અચકાતા નથી…

હું તો કહીશ કે ;જો સપનાં ભ્રમણા છે તો એ ભ્રમણા પણ જીવતા રહેવા, ધબકતા રહેવા માટે  જરુરી  છે.

માની લો કે; બળબળતા રણમાં તરસ લઇને ઉભેલા પેલા હરણ સામે; જો મૃગજળનું સત્ય છતું થઇ જાય તો એની ભ્રમણા ભાંગી જાય…હવે ત્યાં જળ નથી; એ સત્યથી વાકેફ થતાં એની દોટ થંભી જાય અને પછી એ હરણ ત્યાં જ ઉભું ઉભું તરસનું માર્યું સૂકાઇને મરી જાય.મૃગજળ નામની ભ્રમણા કે પછી ઝાંઝવા નામનું સપનું અકબંધ હોય ત્યાં સુધી હરણની દોટ અકબંધ હોય; અને એ દોટમાં ને દોટમાં ક્યાંક એને રણદ્વીપ  જડી જાય, પાણી મળી જાય, તરસ છીપી જાય અને ફરી પાછી એક બીજી તરસ, બીજું મૃગજળ…બીજી દોટ …

સપનું છે તો ગતિ છે…સાહેબ; સ્હેજ વિચાર કરશો તો સમજાશે કે ગતિ વગર શિથીલ થઇ ગયેલા આ લોકડાઉનના કપરા કાળમાં આપણે માનસિક હતાશાની સામે ટકી ગયા છીએ; તો એમાં ’સપનાં’ નો બહુ મોટો હાથ છે.

આપણે સહુ આપણી જીવનસફરમાં આવેલા સિધ્ધી,સફળતા અને સંતોષના દરેકેદરેક મુકામો તરફ ફરી એકવાર મીટ માંડશું તો ,એની  શરુઆતે એક સપનું જ હશે.

’ગઇકાલે’ સપનામાં જોયેલી ’આવતીકાલ’માં;  ’આજ’ એવી મોજથી પસાર થઇ જાય છે; જેની ખબર જ નથી પડતી…એ ’આજ’ એજ જીંદગી.

કોઇના જીવનમાં ’જીંદગી’ થોડી ઓછી લાગેને તો એને એકાદું સપનું આપજો…અને તમેય મન મૂકીને સપનાનાં વાવેતર કરજો …અને હા…સપનાના વાવેતર કરતાં વખતે આતીશ કાપડિયાના ગીતની આ પંક્તિઓને જીવનમંત્રની જેમ  ચોક્કસ ગણગણતાં ગણગણતાં આત્મસાત કરી લેજો……….

નવા ઘરના તુલસી ક્યારે; અમે સપના વાવ્યા તા;

થોડા મૂરઝાયા,થોડાં ખીલ્યાં, થોડા અડધા ઉગ્યાં તા.

નવી મોસમના સંગમાં , અમે ભેગા આવીશું.

નવી આશાના સંગમાં અમે સપના વાવીશું.

સપનાનાં વાવેતર; સપનાનાં વાવેતર…….

Loading...