મંદીના માહોલમાં ‘જીઓ’ની જમાવટ

૬૨ ટકાના ઉછાળા સાથે જીયોનો નફો ૧૩૫૦ કરોડે પહોંચ્યો: ત્રીજા કવાર્ટરમાં ૩ કરોડથી પણ વધુ વપરાશકર્તાઓ જીયો સાથે જોડાયા

સમગ્ર વિશ્ર્વમાં એક આગવી છાપ ઉભી કરનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દિન-પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ટેલીકોમ ક્ષેત્ર સાથે જોડાયેલા જીયો દિન-પ્રતિદિન પોતાના નફામાં વધારો કરી રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્ર્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રિલાયન્સ જીયોને તેના ત્રીજા કવાર્ટરમાં ૬૨ ટકાના ઉછાળા સાથે ૧૩૫૦ કરોડનો નફો કર્યો છે. જયારે અન્ય ટેલીકોમ કંપનીઓ પોતાના ટાર્ગેટને પહોંચી વળવા માટે ફાફા મારે છે ત્યારે જીયોનાં સબસ્ક્રાઈબરોમાં પણ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. આંકડાકિય માહિતી મુજબ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં ૩૭ બિલીયન નવા સબસ્ક્રાઈબરો જોડાયા છે. તેનાથી રિલાયન્સ જીયોનો નફો આસમાને પહોંચ્યો હોય તેવું લાગે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ૧૧,૬૪૦ કરોડ રૂપિયા રહ્યો. આ અત્યાર સુધીનો સૌથી વધુ છે. નફામાં વાર્ષિક આધાર પર ૧૩.૫ ટકા અને ત્રિમાસિક આધાર પર ૩.૪ ટકા વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૧,૨૬૨ કરોડ રૂપિયા અને ૨૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ૧૦,૨૫૧ કરોડનો પ્રોફિટ થયો હતો. કંપનીએ શુક્રવારે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો ગ્રોસ રિફાઈનિંગ માર્જિન ૯.૨ ડોલર પ્રતિ બેરલ રહ્યો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૯.૪ અને ૨૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ૮.૮ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગત વર્ષના ત્રીજા કવાર્ટરમાં ૧૦,૨૫૧ કરોડનો નફો કર્યો હતો ત્યારે ૨૦૧૯-૨૦માં ૧૩.૫ ટકાનાં ઉછાળા સાથે કંપનીએ ૧૧,૬૪૦ કરોડનો નફો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડની આવકમાં ૧.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો જયારે રિલાયન્સ જીયોમાં કંપનીએ ૪૧૫ રીટેલ સ્ટોર ઉભા કર્યા હતા કે જે નફાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે પરંતુ પેટ્રો કેમિકલ બિઝનેસની જયારે વાત કરવામાં આવે તો રિલાયન્સ હજુ પણ નબળું પુરવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષના ત્રીજા કવાર્ટરની વાત કરવામાં આવે તો રિલાયન્સ જીયોએ ૮૩૧ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આ તકે કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ જણાવતા કહ્યું હતું કે, જીયોનો ગ્રોથ અત્યંત વધુ જોવા મળી રહ્યો છે જેનો શ્રેય જીયોનાં વપરાશકર્તાઓના શીરે જાય છે. તેઓએ ઉમેર્યું હતું કે, ટેલીકોમ ક્ષેત્રમાં જે રીતે રિલાયન્સ જીયો તેમના વપરાશકર્તાઓને ઉચ્ચ સર્વિસ પુરી પાડે છે જેનાથી નફો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે જીયો માત્ર ટેલીકોમ ક્ષેત્ર જ નહીં પરંતુ વાયરલાઈન ઈન્ફ્રાસ્ટ્રકચર, હોમ એન્ટરટેનમેન્ટ સહિત અનેકવિધ ક્ષેત્રમાં ભારતમાં એક તાંતણે જોડવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં રિલાયન્સ જીયોનાં વપરાશકર્તાઓમાં ૩૨.૧ ટકાનો વધારો જોવા મળ્યો છે ત્યારે પ્રથમ વખત રિલાયન્સ જીયોએ તેના ડેટા ટ્રાફિક ગ્રોથમાં ૪૦ ટકાનો વધારો અને વોઈસ ગ્રોથમાં ૩૦ ટકાનો વધારો ઉતરોતર કરી રહ્યું હોય તેવી વિગતો સામે આવી રહી છે.

Loading...