Abtak Media Google News

લોકોની ખરીદીની આદતમાં જોવા મળ્યો બદલાવ: છેલ્લા એક માસમાં ઓનલાઈન વેચાણમાં જોવા મળ્યો ૧૫ ટકાનો વધારો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓનલાઈનને વધુને વધુ પ્રાધાન્ય મળી રહે તે માટે અનેકવિધ નવી યોજનાઓને અમલી બનાવી રહ્યા છે ત્યારે ઈ-કોમર્સ ક્ષેત્રને વેગ મળી રહે તે માટે પણ ગ્રાહકોને પ્રોત્સાહન આપવા અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ બનાવવામાં આવી છે. હાલ ગત ૧ માસમાં તહેવારોની સીઝન હોવાનાં કારણે છેલ્લા એક માસમાં ઓનલાઈન ચીજવસ્તુઓના વેચાણમાં અધધધ ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. કહેવાય છે કે આ સમયગાળામાં ઓનલાઈને જમાવટ કરી છે. મોબાઈલ, કપડા અને ઈલેકટ્રોનિક વસ્તુઓના ઓનલાઈન વેચાણમાં રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો છે.

કહેવાય છે કે પહેલાના સમયમાં લોકો ખરીદી કરવાનું સ્થળ અલગ જ જોવા મળતું હતું પરંતુ હાલની સ્થિતિએ લોકોની આદત બદલાણી છે અને તેનો ઝુકાવ ઓનલાઈન તરફ ઘણાખરા અંશે વઘ્યો છે. લોકોનું માનવું છે કે ઓનલાઈન ખરીદી માટેના ફાયદાઓ અનેકઅંશે વધુ જોવા મળી રહ્યા છે. બીજી તરફ રીટેલની સરખામણીમાં ઓનલાઈનમાં વેચાતી ચીજવસ્તુઓના ભાવ ઘણાખરા અંશે ઓછા હોવાના કારણે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ ભરોસો રાખતા જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન પેમેન્ટ જેવા માધ્યમો ઓનલાઈનમાં હોવાથી ઈ-કોમર્સને ઘણોખરો ફાયદો પણ પહોંચ્યો છે. એવી જ રીતે લોકોને પણ ઘણા વિકલ્પો ચીજવસ્તુઓની ખરીદી કર્યા પહેલા મળતા હોય છે. હાલના સમયમાં જે રીતે ઓનલાઈને પોતાનો પગદંડો જમાવ્યો છે તેને ધ્યાને લઈ ઘણાખરા નવા પરીબળો પણ ઉદભવિત થઈ રહ્યા છે.

આંકડાકિય માહિતી અનુસાર ગત એક માસમાં ઓનલાઈન ચીજવસ્તુઓના વેચાણમાં ૫૩ ટકાનો વધારો માત્રને માત્ર સ્માર્ટ ફોનમાં જ જોવા મળ્યો છે જયારે ટેલીવિઝનની ખરીદી પર ૩૭ થી ૩૮ ટકાનો વધારો, ૧૫ થી ૨૦ ટકાનો ફ્રિજ અને વોશિંગ મશીનમાં વધારો જયારે કપડાની ખરીદીમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ઈ-કોમર્સ ક્ષેત્રનું યોગદાન ૨ ટકાથી માંડી ૩૫ ટકા સુધી જોવા મળતું હતું. ગત માસની જો વાત કરવામાં આવે તો નવરાત્રીથી માંડી ભાઈબીજ સુધીના તહેવારોમાં ઓનલાઈન વેચાણમાં ૧૦ ટકાનો સીધો જ વધારો જોવા મળ્યો છે. નામાંકિત કંપની જેવી કે એલજી, સેમસંગ, હિન્દુસ્તાન યુનીલીવર, એપલ, આઈટીસી, રિલાયન્સ રીટેલ, આદિત્ય બિરલા ફેશન, અરવિંદ ફેશન, ડોમીનોઝ જેવી કંપનીના ઓનલાઈન વેચાણમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.

આ સમયગાળા દરમિયાન ઈ-કોમર્સ મારફતે ખરીદી કરતા જુના ગ્રાહકોની સાથે પ્રથમ વખત ઓનલાઈન શોપીંગ કરતા ગ્રાહકોનો આંકડો પણ વધી રહ્યો છે. ઈ-કોમર્સ ક્ષેત્રે તહેવારોના સમયગાળા દરમિયાન ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે જે ગત વર્ષે માત્ર ૭ થી ૮ ટકા જ જોવા મળતો હતો. ઈ-કોમર્સ ક્ષેત્રે લોકો જે ખરીદી કરી રહ્યા હોય તેમાંથી અમુક ચીજવસ્તુઓના વેચાણમાં અધધ ૨૦૦ ટકાનો વધારો નોંધાયો છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોનું ઓનલાઈન તરફનું વલણ પણ બદલાયું છે અને તેના પરનો વિશ્ર્વાસ પણ વઘ્યો છે ત્યારે કહી શકાય કે ગત એક માસમાં ઓનલાઈને ખુબ સારી રીતે જમાવટ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.