Abtak Media Google News

વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી કેબીનેટ બેઠકમાં કૃષિમંત્રી ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં  રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત ૮મી કેબિનેટની બેઠક આજે યોજાઇ હતી. આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રી આર.સી.ફળદુએ આવનાર ખરીફ સીઝન માટે ખેડૂતોને ગુણવતાયુક્ત બિયારણ મળી રહે તે માટેની કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારી વિશે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

હાલમાં બિયારણોનો પુરતો જથ્થો ઊપલબ્ધ

જામનગર મહેસૂલ સેવા સદનમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી પત્રકારોને પ્રજાલક્ષી કામગીરીની માહિતી આપી હતી. જેમાં કૃષિમંત્રીએ જણાવ્યુ હતું કે, આગામી ખરીફ સીઝન માટે ખેડૂતોને બિયારણની કોઇ તકલીફ ના પડે તે માટે રાજ્યસરકાર દ્વારા તમામ પ્રકારના પાક જેવાકે, કપાસ, દિવેલા, ગુવાર, તુવેર, તલ, ડાંગર, સોયાબીન,અડદ, વરિયાળી, મકાઇ વગેરેના બિયારણનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને મગફળીનો  ગત વર્ષે ૯૫,૦૦૦ ક્વીંટલ જથ્થો ઉપલબ્ધ હતો જે ચાલુ વર્ષે બમણો જથ્થો મળશે.

જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકડાઉનમાં એપ્રિલ અને મે માસ દરમિયાન એન.એફ.એસ.એ. નોન એન.એફ.એસ.એ. અને અંત્યોદય કાર્ડધારકોને થયેલ અન્ન વિતરણની વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.