ડેન્ગ્યુનો ડંખ: સપ્તાહમાં વધુ ૧૨૫ કેસો નોંધાયા

114

મેલેરિયાનાં માત્ર ૪ કેસો ! શરદી-ઉધરસનાં ૧૭૩, ઝાડા-ઉલ્ટીનાં ૧૪૬, કમળાનાં ૨, અન્ય તાવનાં ૨૯ કેસો: મચ્છરની ઉત્પત્તિ સબબ ૧૮૫ આસામીઓને નોટિસ

ડેન્ગ્યુએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં વધુ ૧૨૫ કેસો નોંધાયા છે. આ સાથે શહેરમાં ડેન્ગ્યુનાં કુલ ૫૦૦થી વધુ કેસો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આશ્ર્ચર્ય આપતી વાત એ છે કે, શહેરમાં મેલેરિયાનાં માત્ર ૪ કેસો જ મળી આવ્યા છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

મહાપાલિકા દ્વારા આજે રોગચાળાનાં સાપ્તાહિક આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય શરદી-ઉધરસનાં ૧૭૩ કેસ, ઝાડા-ઉલ્ટીનાં ૧૪૬ કેસ, ટાઈફોઈડ તાવનાં ૩ કેસ, ડેન્ગ્યુનાં ૧૨૫ કેસ, મરડાનાં ૮ કેસ, કમળાનાં ૨ કેસ, અન્ય તાવનાં ૨૯ કેસ અને મેલેરિયાનાં ૪ કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૪,૬૮૬ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૧૧,૮૨૪ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. શાળા-કોલેજ, હોસ્પિટલ, હોટલ અને બાંધકામ સાઈટ સહિત ૩૦૮ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૧૮૫ આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટીસ ફટકારવામાં આવી છે. ૧૩ ખાડાઓમાં દવાનો છંટકાવ કરાયો છે અને ૧૬૩ ઘરોમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે.

મચ્છરની ઉત્પતિ સબબ રૂ.૫૫ હજારનો દંડ વસુલ કરાયો છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૩ રેકડી, ૩૯ દુકાન, ૧૭ હોટલ રેસ્ટોરન્ટ, ૪૪ ડેરી ફાર્મ, ૩૬ બેકરી, ૫૦ અન્ય સ્થળ સહિત કુલ ૨૨૯ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૫ સ્થળેથી નમુના લેવામાં આવ્યા છે અને ૨૪ લોકોને નોટીસ ફટકારવામાં આવી છે અને ૪૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

Loading...