ડેન્ગ્યુ ચીકનગુનીયા, મેલેરીયા રોગોથી સાવધ રહેવા મ્યુનિ. તંત્રની અપીલ

વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી: મ્યુ. કોર્પો.

દર વર્ષે ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. સામાન્ય રીતે આ રોગોને ફેલાવનાર મચ્છર સ્વચ્છ ખુલ્લા પાણીમાં તેના ઈંડા મૂકી મચ્છર ઉત્પતિ વધારતા હોય છે. મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે મચ્છર ઉત્પતિ સ્થાનનો નાશ કરવો અતિ જરૂરી છે. મચ્છરના ઉત્પતિ સ્થાનો બહોળા પ્રમાણમાં ખુલ્લા રાખેલા ટાયરો તેમજ ભંગાર વગેરેમાં જોવા મળે છે.

જામનગર શહેરમાં ટાયરોનો ધંધો કરતા કે પંચર કરતા સર્વે ધંધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આપના ધંધાના સ્થળે કોઈપણ પ્રકારના ટાયર, ટ્યુબ કે અન્ય સામગ્રીમાં વરસાદી પાણી ન ભરાય તે રીતે રાખવાનું રહેશે. આ ઉપરાંત ગાયની કુંડી, ફ્રીઝની ટ્રે, પક્ષી કુંજ, ખુલ્લા પાણી ભરેલા પાત્રો, ભંગાર વગેરે પાત્રોમાંથી મહદ્દઅંશે મચ્છરની ઉત્પતિ થતી હોય છે. આ તમામ પાત્રોની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરની આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરવો જરૂરી છે. જો આમ નહીં કરીએ તો આ પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ થશે અને ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરીયા વગેરે રોગોનો ફેલાવો થશે. અત્યારે વરસાદ ચાલુ છે ત્યારે ત્વરિત પાણીનો નિકાલ કરીએ, મચ્છરની ઉત્પતિ અટકાવીએ અને ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા જેવા રોગોથી બચીએ. તેવી અપીલ મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર તથા ઓફિસ ઓન સ્પેશ્યલ ડ્યુટી દ્વારા કરવામાં આવી છે.

Loading...