Abtak Media Google News

દેશમાં સૌપ્રથમ વખત શરૂ થવા જઇ રહેલી સી પ્લેન સેવાને લઇ અનોખો ઉત્સાહ: માત્ર પ્રવાસન

ક્ષેત્રે જ નહીં પરંતુ સંરક્ષણના ક્ષેત્રે પણ સી પ્લેન જેવું જળપરિવહન મહત્વનો ભાગ ભજવશે

આગામી તારીખ ૩૧ ઓક્ટોબરથી દેશમાં સૌપ્રથમ સી પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. સી પ્લેન સેવાનો ધીમી ગતિએ વ્યાપક વધારવામાં આવશે. પ્રારંભિક તબક્કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે મુસાફરી શરૂ થશે. ત્યારબાદ ગુજરાતમાં પાંચ એવી જગ્યા શોધી કઢાઇ છે જ્યાં સી પ્લેનનો ઉપયોગ થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ત્યારે આ પ્રકારના જળ પરિવહનના કારણે યુદ્ધની અથવા તો યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સ્થિતિમાં પણ દેશને ખૂબ જ લાભ થશે.

આ મામલે મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, આગામી તારીખ ૩૧મીથી દેશમાં સૌપ્રથમ સી પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા સાબરમતી રિવરફ્રન્ટથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મળશે સેવાને લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાઈ ચૂક્યું છે. આ સેવા શરૂ થવાની સાથે જ પ્રવાસન સેક્ટરને બુસ્ટ મળશે.

આ સેવા માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સિવાય કેવડીયાના સરદાર સરોવર ડેમ પાલીતાણાના શેત્રુંજી ડેમ અને મહેસાણાના ધોરી ડેમ ખાતે પણ વોટર એરોડ્રામ વિકસાવવામાં આવશે તેવું ફલિત થાય છે.

સી પ્લેન લેન્ડ કરવા પાણીમાં ૯૦૦ મીટર જગ્યા જરૂરી

સી પ્લેન પાણીમાં લેન્ડ થઇ શકે માટે પાણીમાં  ૮૦૦થી ૯૦૦ મીટર જેટલી જગ્યાની જરુર પડતી હોય છે. કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે. બીજી તરફ ચાર્ટર સર્વિસ હોય તો તેના માટે એક એન્જિન હોવું જરૃરી છે. અમે ભારતમાંથી ૮ અને ગુજરાતમાંથી પાંચ એવા સ્થાન શોધ્યા છે જ્યાં સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી શકે છે.

૨૦૦ કિમી કપાતા અંદાજીત ૫૦ મિનિટ જેટલો સમય લાગશે

સી-પ્લેનની સૌથી પહેલી ઉડાન સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની રહેશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું ૨૦૦ કિલોમીટરનું અંતર કાપતા અંદાજે ૫૦ મિનિટ જેટલો સમય લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં ઉડાન ભરી સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. જ્યાં તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિનના કાર્યક્રમમાં ભાગ લેશે.

માલદીવથી સી પ્લેનનું આગમન

અમદાવાદમાં દેશના સર્વપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પ્રોજેક્ટ અંતર્ગત સી-પ્લેન માલદીવના માલેથી રવાના થયું છે. જે આજે ગુજરાત આવી પહોંચશે તેવું જણાવાયું છે. સી-પ્લેનના આગમનને લઇને અમદાવાદ રિવરફ્રન્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.