Abtak Media Google News

ખુન કેસમાં જેલ ભોગવી રહેલા જનપ્રતિનિધિને દુર કરવા કલેકટરને રજુઆત.

કેશોદ નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ વીરાભાઈ સિંધલને સભ્યપદેથી દુર કરવા જુનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ આધાર પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેરમાં ધોળા દિવસે બાવાજી યુવાનની થયેલી હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ જુનાગઢ જેલહવાલે થયેલા સુધરાઈ સદસ્યને ગેરલાયક ઠરાવવા કોંગ્રેસના સદસ્ય ભીમાભાઈ સિધલ દ્વારા લેખિતમાં ફરિયાદ કરી છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કોઈપણ સદસ્ય ગંભીર ગુનામાં ધરપકડ થયેલ હોય અને શરમજનક કૃત્ય આચરેલ હોય તો જિલ્લા કલેકટરને મળેલી સતાની રૂએ ગેરલાયક ઠરાવી શકે છે. કેશોદ નગરપાલિકા દ્વારા ઉપલી કચેરીમાં ખાનગી રિપોર્ટ કરી જાણ કરેલ ન હોય તેઓ વિરુઘ્ધ રજુઆત કરી પગલા ભરવા માંગણી કરી છે. કેશોદ નગરપાલિકામાં ધાર વિસ્તારમાં સતત બે ટર્મથી ચુંટણીમાં વિજેતા થયેલા સદસ્ય વિરુઘ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

સતાધારી ભાજપના સદસ્ય હોય રાજકીય દબાણ હેઠળ ઢાકપીછોડો કરવામાં આવે છે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનાર સમયે ખ્યાલ આવશે. કેશોદના નાયબ કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોતાના અભિપ્રાય આપ્યા બાદ સામાન્ય રીતે જિલ્લા કલેકટર નિર્ણય લેતા હોય છે ત્યારે શું થશે તેનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાવાજી યુવાનના ખુનના ગુનામાં અટક થયેલા ભાજપના સદસ્ય વિરુઘ્ધ સતાધારી ભાજપ દ્વારા પણ શિસ્ત અને અનુશાસનના પગલા લેવામાં આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.