હોટલ-રેસ્ટોરન્ટને ખૂલ્લા રાખવાની સમય મર્યાદામાં વધારો કરવા માંગ

ફૂડ પાર્સલ માટે સવારે સાતથી બપોરે ચાર વાગ્યા સુધી જ હોટલ રેસ્ટોરન્ટને ખૂલ્લા રાખવાની છૂટથી સંચાલકો અને સ્વાદ શોખીનોને ભારે મુશ્કેલી

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લોકડાઉન દરમ્યાન બે માસ સુધી જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો ફરજીયાત પણે બંધ રાખવામાં આવ્યા હતા. જેથી મોટાભાગના ધંધા વ્યવસાયોને ભારે નુકશાન થવા પામ્યું છે. તાજેતરમાં અમલી બનેલા લોકડાઉન ૪માં મોટભાગના ધંધા વ્યવસાયોને આંશિક છૂટછાટ સાથે ફરીથી શરૂ કરવાની છૂટ અપાય છે જેમાં હોટલ રેસ્ટોરન્ટને માત્ર ફૂડપાર્સલ આપવાની છૂટ આપવામાં આવી છે. તેમાં પણ હોટલ રેસ્ટોરન્ટોને સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી જ ખૂલ્લા રાખીને ફૂડપાર્સલ આપવાની મંજૂરી અપાઈ છે. રંગીલાલ ગણાતા રાજકોટના શહેરીજનો ખાવા પીવાના શોખીન ગણાય છે. રાજકોટીયનો મોટાભાગે કામ ધંધામાંથી પરવારીને રાત્રિના સમયે પરિવાર કે મિત્રો સાથે હોટલ કે રેસ્ટોરન્ટોમાં જમવા જવાનું વધારે પસંદ કરતા હોય છે.

જેના કારણે શહેરનાં ભાગોળે આવેલા અનેક વિસ્તારોમાં ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઈન્ડીયનથી માંડીને દેશી કાઠીયાવાડી વાળુ પીરસતી અનેક હોટલ રેસ્ટોરન્ટો ધમધમે છે. લોકડાઉનમાં બે માસ સુધી સુમસામ બની ગયેલા આ રેસ્ટોરન્ટો હવે ફરીથી કાર્યરત થઈ ગયા છે. પરંતુ આ રેસ્ટોરન્ટને બપોરે ચાર વાગ્યા સુધી ફૂડપાર્સલ આપવાની છૂટ હોય સંચાલકોને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ રેસ્ટોરન્ટોમાં મોટાભાગે સાંજનો બિઝનેસ હોય સંચાલકો ફૂડપાર્સલ આપવાના સમયમાં છૂટછાટ આપવાની માંગ કરી રહ્યા છે.

રેસ્ટોરન્ટોને ફૂડ પાર્સલની રાત્રે ૧૦ વાગ્યા સુધીની છૂટ આપો: વિજયભાઈ કોરાટ

શહેરનાં કાલાવડ રોડ પર આવેલા રંગોલીપાર્ક રેસ્ટોરન્ટનાં ઓનર વિજયભાઈ કોરાટે ‘અબતક’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુકે હાલ હોટલ રેસ્ટોરન્ટની હાલત બીજા વ્યવસાયો કરતા પણ ખૂબ ખરાબ છે. અમારા ધંધામાં સ્ટાફ મોટો હોય છે. તેમને પગાર ચૂકવવાના હોય છે. સરકાર દ્વારા જે પાર્સલની છૂટ આપી છે. તેમાં સવારે ૭ થી ૪ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ખરેખર અમારા રેસ્ટોરન્માં ઘરાકી સાંજના સમયે હોય છે. જેથી હોટલનો સમય સાંજના ૧૦ વાગ્યા સુધીનો આપવો જોઈએ આ છૂટ આપવામાં આવે તો અમને થયેલા નુકશાનની ભરપાઈ થઈ શકે. સરકારે હોટલ, ટુરીઝમમાં રાહત આપવા માટે પેકેજ આપવું જોઈએ.

Loading...