દિલ્હી હજી દૂર…કેન્દ્રિય બજેટ રજૂ: આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલિયન ડોલર અને ૮ ટકા ગ્રોથનું મોદીનું સ્વપ્ન જોજનો દૂર

delhi-is-still-far-away-the-central-budget-represents
delhi-is-still-far-away-the-central-budget-represents

છેલ્લા ૫ વર્ષમાં મોંઘવારીનો દર નીચલા સ્તરે પહોંચ્યો: વધતી કિંમતો રોકવા સરકાર પ્રતિબઘ્ધ

મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ આજે રજુ થયું છે. જેમાં મોદીનો જે આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન ડોલર અને ૮ ટકા ગ્રોથનું સ્વપ્ન જે સેવ્યું હતું તે જોજનો દુર દેખાઈ રહ્યું છે. છેલ્લાં ૫ વર્ષમાં મોંઘવારીનો દર નીચલા સ્તરે પહોંચ્યો છે ત્યારે વધતી કિંમતોને રોકવા સરકાર હાલ પ્રતિબઘ્ધ જોવા મળી રહી છે. જયારે આજનું કેન્દ્રીય બજેટ દેશની દિશા અને દશા નિર્ધારિત કરવામાં અહમ એટલે કે મહત્વપૂર્ણ ભાગ ભજવશે. દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં ૨૦૧૮-૧૯નો સર્વેક્ષણ રજુ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વસ્તીની વધતી ઉંમરને જોતા તૈયારીઓ શરૂ કરવી અનિવાર્ય છે જેનાં કારણે હેલ્થકેરમાં રોકાણ વધારવા તથા રીટાર્યમેન્ટની ઉંમર પણ વધારવી એટલી જ જરૂરી છે.

દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરતાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ ૭ ટકા રહેવાની આશા છે જે દર્શાવે છે કે, ૨૦૧૮-૧૯માં ધીમી રહેલી અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવી શકાય. ૨૦૧૮-૧૯માં વિકાસદર ૬.૮ ટકાનો રહ્યો હતો. સર્વે પ્રમાણે ગત ૫ વર્ષમાં એવરેજ ગ્રોથ વિશે જો વાત કરવામાં આવે તો તે ૭.૫ ટકા રહેવા પામ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૧૮-૧૯માં ખાદ્ય જીડીપી યથાવત ૩.૪ ટકાનો રહેશે તેવી આશા પણ તેમનાં દ્વારા સેવવામાં આવી છે.

નાણા મંત્રાલયનાં મુખ્ય સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાકટ લાગુ કરવા અને વિવાદોનો ઉકેલ લાવવા ૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્ય મેળવવો તે એક સૌથી મોટો પડકાર છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૫ સુધીમાં  ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા મેળવવા માટે દર વર્ષે સરેરાશ ૮ ટકા ગ્રોથ જરૂરી છે જે એક કપરું પગલું સરકાર માટે બની રહેશે જેથી સરકારે આ મુદ્દો ધ્યાને લઈ આગામી વર્ષોમાં રોકાણોમાં વધારો કરવો અનિવાર્ય બની રહેશે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, ૮ ટકા ગ્રોથનું જે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જોજનો દુર જોવા મળ્યું છે.

કેન્દ્રીય બજેટ આજે જે રજુ કરવામાં આવ્યું છે તે ખરાઅર્થમાં સરકારની દિશા અને દશા નકકી કરશે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તી સુબ્રમણ્યમે જણાવ્યા અનુસાર ચુંટણી સમયે અનેકવિધ અનિશ્ર્ચિતતાઓનાં કારણે જાન્યુઆરીથી માર્ચ માસ સુધી જીડીપી ગ્રોથમાં પૂર્ણત: ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, જાન્યુઆરીથી માર્ચ માસ એટલે કે ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને ૫.૮ ટકા રહેવા પામ્યો હતો તે પાંચ વર્ષમાં સૌથી ઓછો માનવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર અને નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં જો કોઈ કપરી પરિસ્થિતિ હોય તો તે જીડીપી ગ્રોથ રેટમાં વધારો કરવાનો રહેશે અને તે તેમનાં સામે એક સૌથી મોટી સમસ્યા ઉદભવિત થયેલી છે. ૨૦૧૯-૨૦નું બજેટ લોકઉપયોગી હોય તેવી પણ હાલ અટકળો ચાલી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં જીડીપો દર માત્ર ૨.૬ ટકા થઈ ગયો હતો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાનાં કારણે વેપારમાં નુકસાન થયું હતું જેની અસર ચાલુ ખાતાઓ ઉપર થઈ હતી. ૨૦૧૭-૧૮માં વેપારમાં ૧૬૨.૧ અબજ ડોલરનું નુકસાન થયું હતું જે ૨૦૧૮-૧૯માં ૧૮૪ અબજ ડોલરે પહોંચી ગયું છે.

દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં ૨૦૧૮-૧૯નું આર્થિક સર્વે કેન્દ્રીય બજેટ પૂર્વે રજુ કર્યો હતો. આ આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્ધિ દરનો લક્ષ્યાંક ૭ ટકા બતાવવામાં આવ્યો છે જેમાં દેશની આર્થિક નીતિઓનાં મુળભુત સિદ્ધાંતોને સાચવીને આર્થિક વિકાસ દરનું લક્ષ્ય પ્રાપ્ત કરી જીડીપી દર ૮ ટકા સુધી પહોંચાડવા માટે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે પણ આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું. નિર્મલા સીતારામન દ્વારા ચાવીરૂપ આર્થિક વિકાસનાં અનેકવિધ મુદાઓ સંસદમાં રજુ કર્યા હતા જેમાં સરકારી રોકાણમાં ૩૫ ટકાની વૃદ્ધિનું લક્ષ્ય વિચારવું જોઈએ અને ખાનગી મુડીરોકાણ સૌથી મોટું ચાવીરૂપ મુદ્દો બની રહેશે ત્યારે ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી ટેકનોલોજીથી રોજગારીની તકો ઉભી કરવાની વાત પણ તેઓએ સંસદમાં મુકી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નીતિ વિષયક નિર્ણયો લેનારા અર્થશાસ્ત્રીઓને આર્થિક વિકાસ માટે સ્થિર મુડીરોકાણોને પ્રોત્સાહન મળે તે માટે દેશમાં મુડીરોકાણ થાય તેવું વાતાવરણ સર્જવાની પણ હિમાયત કરવામાં આવી હતી. આર્થિક વિકાસ માટે અને ખાસ કરી ઔધોગિક પ્રગતિ અને પ્રવૃતિ માટે રસ્તાઓ, ધોરીમાર્ગનું માળખું ખુબ જ જરૂરી હોય છે ત્યારે ખાનગી મુડીરોકાણકર્તાઓને હાઈવે નિર્માણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સાથો સાથ આ ક્ષેત્રે ૨૦૧૮-૧૯માં ૧.૫૮ લાખ કરોડનું મુડી રોકાણ કરવામાં આવ્યું હતું જેને હવે આગળ વધારવું અનિવાર્ય છે. સાથોસાથ અર્થતંત્રને મજબુત બનાવવા, નાદારી અને લોન ડિફોલ્ટરોની સ્થિતિ સુધારવા માટે અનેકવિધ નવતર પ્રયોગો હાથ ધરવા અનિવાર્ય છે અને એનડીએફસી બેંકોમાં તરલતા લાવવા પણ સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવા જોઈએ તે અંગે સુચનો પણ કરવામાં આવ્યા હતા.

સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ: નિવૃત્તિ વયમર્યાદા વધારવી અથવા ઘટાડવા સરકાર ગુંચવાય

જીવન ધોરણ સુધરતા સરકારી તથા ખાનગી ક્ષેત્રે નિવૃતિવય વધારવાની વાત જે સામે આવી રહી છે તેને લઈ સરકાર ગુંચવણમાં પડી છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, નિવૃતિ વયમર્યાદામાં વધારો કરવો કે ઘટાડો તે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. જે અંગે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મોદી સરકાર માટે જાણે સાપે છછુંદર ગળ્યો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. જે રીતે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં વયમર્યાદા વધારવામાં આવી છે તે જોતાં એવું પણ લાગે છે કે, ભારત દેશમાં પણ સરકારી અને ખાનગી ક્ષેત્રે કાર્ય કરતાં કર્મચારીઓની વયમર્યાદામાં વધારો કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં સહેજ પણ બેકારી નથી અને રોજગારી પણ સરપ્લસ જોવા મળી રહી છે. સામે ભારત માટે હકારાત્મક પાસુ એ  છે કે દેશ પાસે સૌથી મોટું યુવાધન છે જે વિશ્ર્વમાં અન્ય કોઈ દેશો પાસે નથી એટલે ભારત દેશનું યુવાધન દેશ માટે એસેટ તરીકે પણ માનવામાં આવે છે. સામે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં રોજગારીની તકો જે પ્રમાણમાં વધવી જોઈએ તે પ્રમાણમાં સહેજ પણ વધી નથી અને બેરોજગારીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા અનેકવિધ જગ્યાઓ પર ફિકસ પગારદાર કર્મચારીઓની નિમણુક કરવામાં આવી હતી જે એક રીતે એવું પણ સુચન કરે છે કે, દેશ અથવા તો રાજયમાં બેરોજગારીનું પ્રમાણ નહિવત છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, ફિકસ પગારદારો અંડર એપ્લોયમેન્ટમાં કામગીરી કરતા હોય એટલે કહી શકાય કે અંડર એપ્લોયમેન્ટ એટલે અનએપ્લોયમેન્ટ જ માનવામાં આવે છે કારણકે, જીવનધોરણ સુધરતા અને દિન-પ્રતિદિન મોંઘવારીમાં વધારો થતા જે ફિકસ પગારદારો કામ કરતા હોય તેનાં માટે કપરી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સરકાર સામે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, નિવૃતિ વયમર્યાદામાં વધારો કરવો કે ઘટાડો? જે અંગે હાલ કેન્દ્ર સરકાર ગુંચવાઈ છે.

Loading...