Abtak Media Google News

૧૩મીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ૬૨.૭૮ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: ૧૫મી આસપાસ જિલ્લા ગાર્ડન ખાતે બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ: ૨૨ થી ૨૪ વચ્ચે રૈયા ચોકડી બ્રિજ, રેઈન બસેરા, ૬૩૨ આવાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ: સામાકાંઠે બનનારી લાયબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરાશે

આગામી ૧ માસમાં ગમે ત્યારે લોકસભાની ચુંટણીની તારીખોનું એલાન ચુંટણીપંચ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે જ કોર્પોરેશનમાં ચાલુ માસે અનેકવિધ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દેવામાં આવશે. હાલ અલગ-અલગ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આગામી ૧૩મી ફેબ્રુઆરીના રોજ રાજય સરકારના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડન ખાતે રૂ.૫.૦૭ કરોડના ખર્ચે બનનારા ઈએસઆર-જીએસઆર પમ્પીંગ સ્ટેશન, વાવડીમાં રૂ.૪.૬૦ કરોડના ખર્ચે બનનારા ઈએસઆર-જીએસઆર પમ્પીંગ સ્ટેશન, વાવડીમાં રૂ.૨૯.૫૮ કરોડના ખર્ચે પાણી વિતરણ માટે પાઈપલાઈન નાખવાના કામનું, વોર્ડ નં.૮માં રૂ.૭.૨૨ કરોડના ખર્ચે ન્યારી ઈએસઆરથી મેઈન પાણી ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નાખવાના કામનું તથા વોર્ડ નં.૧૧માં રૂ.૧૬.૩૧ કરોડના ખર્ચે ટીપી સ્કીમ નં.૨૬,૨૭ અને ૨૮માં મવડી વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ૧૫મી ફેબ્રુઆરી આસપાસ વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડન ખાતે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ડો.બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઈસ્ટ ઝોન વિસ્તારમાં બનનારી લાયબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૈયા ચોકડીએ બનેલા ફલાય ઓવરબ્રીજનું લોકાર્પણ, મોચી બજારમાં રેન બસેરાનું લોકાર્પણ તથા પોપટપરા અને કુવાડવા રોડ પર પાછળ બનાવવામાં આવેલ ૬૩૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે મંજુર થયેલા અલગ-અલગ વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.