Abtak Media Google News

૭ રાજ્યોના સરહદી વિસ્તારોમાં પુલોના નિર્માણથી સેનાને મોટી રાહત: ઝડપી અને સરળતાથી હથિયારો ખસેડી શકાશે

ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી સુરક્ષા વધુ મજબૂત બનાવી રહ્યો છે ત્યારે આજે
રક્ષાપ્રધાન રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સ દ્વારા 7 રાજ્યોના સરહદી વિસ્તારોમાં 44 પુલોનું ઉદ્ઘાટન કર્યું છે. એક સાથે 44 પુલો દેશને સમર્પિત થયા હોવાની આ પ્રથમ ઘટના છે. આ સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશમાં એક ટનલનો શિલાન્યાસ પણ કર્યો છે .

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ આ અંગે માહિતી આપતાં કહ્યું કે આ પુલોનું માત્ર વ્યૂહાત્મક દ્રષ્ટિએ જ મહત્વ નથી, પરંતુ આ સાથે તે દૂરના વિસ્તારો સાથે જોડાણ સ્થાપિત કરવામાં પણ ખૂબ મદદરૂપ થશે.

આ પુલો લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બનાવવામાં આવ્યા છે. જેની સહાયથી, સેના ટૂંક સમયમાં સરહદ પર એક સ્થળે થી બીજા સ્થળે પહોંચી શકશે. આ ઉપરાંત આ પુલોની મદદથી સૈન્ય સામગ્રી અને હથિયારોને સરળતાથી ખસેડી શકાશે.

હાલના સમયમાં ચીન સાથેના વિવાદને જોતા ભારતના સરહદી વિસ્તારોમાં આ પુલનું નિર્માણ ખૂબ મહત્વ ધરાવે છે. હજુ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ પુલો આર્મીના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. લદાખમાં 7 પુલ બનાવવામાં આવ્યા છે. જયારે જમ્મુ-કાશ્મીરમાં 10, હિમાચલમાં 2, ઉત્તરાખંડ અને અરુણાચલમાં 8-8, સિક્કિમ અને પંજાબમાં 4- 4 પુલ બનાવવામાં આવ્યા છે.

આ સાથે અરુણાચલ પ્રદેશના નેચિફુમાં તાવાંગના મુખ્ય રસ્તા પર ટનલ બનાવવામાં આવનાર છે. હિમાચલના દરચાને લદ્દાખ સાથે જોડવા માટે પણ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો ઘણી ઊંચી અને બર્ફીલી ચોટીઓમાંથી પસાર થશે. આ ટનલ લગભગ 290 કિ.મી. લાંબી રહેશે. જેના તૈયાર થઈ જવાથી પ સેનાને કારગિલ સુધી પહોંચવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.