Abtak Media Google News

ધારાસભ્યની ઓફીસ નજીક આ સ્થિતિ, શહેરીજનો કોની પાસે જાય?

મોરબી શહેરમાં નગરપાલિકાના પાપે શહેરીજનો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે ઓદ્યોગિક નગરી મોરબીની દુર્દશા એવી થવા પામી છે કે શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યો લગભગ રોજ જોવા મળે છે ત્યારે દીવા તળે અંધારું ઉક્તિ મુજબ મોરબીના ધારાસભ્યની ઓફીસ પાસે જ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે.

મોરબી શહેરમાં પાયાના પ્રશ્નો આજે પણ ખદબદે છે પીવાના પાણી માટે પરેશાન મહિલાઓના મોરચા અનેક વખત પાલિકા કચેરીને બાનમાં લે છે તો શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને દરરોજ ઉભરાતી ગટરનો પ્રશ્ન ટ્રાફિકના પ્રશ્નની જેમ લોકો માટે શિરદર્દ બની રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવવાનું રોજિંદુ બન્યું છે અને ગંદા પાણી રોડ પર ફરી વળતા હોય થોડા દિવસો પૂર્વે જ શહેરની મુખ્ય શાક માર્કેટ પાસે મોરબીની શાન સમાન નહેરુ ગેઇટ ચોક પાસે ગટર છલકાઈ હતી અને ગંદા પાણીના તલાવડા રોડ પર છલકાયા હતા આવા અનેક પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે બીજી તરફ નગરપાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર ક્યારેય નાગરિકોને મળતા નથી અને રજૂઆત કરનાર નાગરિકો પાલિકાના સામાન્ય કર્મચારીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને પરત ફરે છે અને ખોટા ખાતરીના ગાજર પકડાવી દેવાય છે જે હમેશા ચવાઈ જતા જોવા મળે છે.

મોરબીની આવી દુર્દશા જોઇને નાગરિકો તોબા પોકારી ચૂકયા છે અને આવી દુર્દશા માટે પાલિકાના કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓને દોષ આપી રહ્યા છે તેવી સ્થિતિ વચ્ચે આજે મોરબીના ધારાસભ્યની ઓફીસ પાસે ઉભરાતી ગટરની ગંદકી જોવા મળી હતી શનાળા રોડ પર હોટલ મહેશ વાલી શેરીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું કાર્યાલય આવેલું છે જે શેરીમાં ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ પર આવી ગયા હતા અહી નજીકમાં જ ખાનગી શાળા અને કોલેજ પણ આવેલી છે જેથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સાથે જ ધારાસભ્યના કાર્યાલય પાસે ઉભરાત ગટરના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને પાલિકા કચેરીએ ઉભરાતી ગટરની રજૂઆત કરનાર પણ વિચાર કરતા હશે કે ધારાસભ્યના કાર્યાલય પાસે જો આવો પ્રશ્ન હોય અને તે ઉકેલવામાં પણ પાલિકા તંત્ર રસ દાખવતો ના હોય ત્યારે સામાન્ય નાગરિકોએ તો ભૂલી જ જવાનું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.