મોરબીમાં પ્રાથમિક સુવિધાના અભાવથી વધુ એક વિસ્તારના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય

‘મત માગવા આવવું નહી’ તેવા બેનરો ઠેર ઠેર લગાવ્યા

મોરબી શહેર ઓદ્યોગિક નગરી અને એક સમયે સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતું હતું જોકે સ્વાર્થી અને લેભાગુ નેતાઓને કારણે મોરબીની પ્રજાને હાડમારી જ મળી છે પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર અને નેતાઓ નિષ્ફળ ગયા છે ત્યારે હવે પેટા ચૂંટણી નજીક છે ત્યારે લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે અને મોરબીના વધુ એક વિસ્તારના રહીશોએ પેટા ચૂંટણી બહિષ્કાર કરીને નેતાઓને મત માંગવા ના આવવા બેનરો લગાવી દીધા છે

મોરબીના મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં ૦૬ માં આવે છે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતા હોય છે અને ગંદા પાણી ઘરોમાં ઘુસી જતા હોય છે જે મામલે રહીશોએ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને પ્રશ્ન જેમનો તેમ છે ચૂંટણી સમયે નેતાઓ વચન આપી બાદમાં ભૂલી જતા હોય છે અને રહીશોની સ્થિતિ જેમની તેમ જોવા મળે છે જેથી મોરબીમાં યોજાનાર પેટા ચૂંટણીનો મહેન્દ્રપરા વિસ્તારના રહીશોએ બહિષ્કાર કર્યો છે

મહેન્દ્રપરા વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવાયા છે જેમાં લખવામાં આવ્યું છે કે મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં ૦૬ માં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર આવી ગયેલ છે આવી હાલત હમણાંથી નથી પ્રશ્ન ઘણા સમયથી છે મત માંગી અમને શરમાવશો નહિ વિસ્તારમાં ચૂંટણીનો ખુલ્લો બહિષ્કાર કરીએ છીએ જેથી કોઈએ પણ મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવી દેવાયા છે