રાજકોટમાં ખેડૂત આગેવાનને પોલીસે માર મારવાના ઘેરા પ્રત્યાઘાતો: સસ્પેન્ડ કરવા માંગ ઉઠી

જવાબદારો સામે કડક પગલા ભરી ખેડૂતોને ન્યાય આપવા માંગ

રાજકોટ ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા સાથે બીજા ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતોની સ્થિતિ અને ખેત નીપજના ભાવ અને ટેકાના ભાવે ખરીદી બાબતે રજૂઆત કરવા ગયા હોય ત્યારે તેમની અટક કરવામાં આવેલ અને બદઈરાદાપૂર્વક બીજા ગુન્હામાં ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં રાખી બેરહેમીપૂર્વક ઢોર માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હોય અને વારંવાર વિનંતી છતાં ડોક્ટર સારવાર માટે લઇ જવા આવ્યા ના હતા પોલીસ અધિકારીઓ દ્વારા કાયદાી પર જઈને કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જે ઢોર માર મારવામાં આવેલ અને જે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવેલ છે ખેડૂતના પ્રશ્નોની વાત નહિ સાંભળી ખેડૂતના અવાજને દબાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી આ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસર ફરિયાદ દાખલ કરીને કાયદેસર પગલા લેવામાં આવે તેમજ આવા બેજવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ સૌરાષ્ટ્રભરના ખેડૂત સંગઠનો સામાજિક સંસ્થાઓ માથી ઉઠવા પામી છે.

મોરબી

રાજકોટ ખાતે ખેડૂત આગેવાનને માર મારવાની ઘટના મોરબી કિસાન સંગઠને જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસર પગલા લેવા રજૂઆત કરી છે. આ આવેદન આપી વેળાએ ખેડૂત અગ્રણી કાન્તિલાલ બાવરવા, કુલદીપસિંહ જાડેજા, ભાવુશભાઇ સાવરીયા, વિજયભાઇ મૈયડ, જીવાભાઇ બાલાસરા અને રાણાભાઇ ડાંગર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માણાવદર

રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર મુદે માણાવદર મામલતદાર આજરોજ આહીર એકતા મંચના  ધર્મેન્દ્ર બોરખતરીયા , શરદકુમાર મારડીયા અને રાજુભાઈ બોરખતરીયા દ્વારા  મામલતદાર ને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ  જેમાં જણાવ્યું હતુ કે રાજકોટ ખાતે ૨૦ મે ના રોજ  કલેકટરને ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પી.એમ. ફંડ માં કપાસ આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ એમના પર જુદી જુદી કલમો પણ લગાડવામાં આવી પણ એવો પાલભાઇ એ શું ગુન્હો કર્યો હતો કે એનું અપહરણ કરી પોલીસ અધિકારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો? બીજી વાત કે પાલભાઇ આંબલીયા અને કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પર ખેડૂતોના વિવિધ મુદે આક્ષેપો કરવામાં આવે છે ત્યારે રાજયના કૃષિમંત્રી ની ફરજ છે કે ખેડૂતોના પ્રશ્નને સાંભળવા . ખેડૂતો ના પ્રશ્ર્નોને લઇને વારંવાર આવા બનાવો થી ગુજરાત ની છબી ઝાંખી થાય છે માટે સરકારને અપિલ કે ખેડૂતોના મુદ્દે પાલભાઇ આંબલીયા સાથે રાજયના કૃષિમંત્રી એ જાહેરમાં ડિબેટ કરે જેથી જનતાને સાચા ખોટા ની ખબર પડે.

રાણાવાવ

રાજકોટમાં ખેડૂત આગેવાનો પર થયેલા અત્યારચારોની ન્યાયિક તપાસ કરાવી દોષિતોને ડીસમીસ કરવા રાણાવાવ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

જામજોધપુર

રાજકોટમા ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પર થયેલા અમાનુષી અત્યાચાર મુદ્દે જામજોધપુર આહિર એકતા મંચના નરેન્દ્ર ગોજીયા, દીલીપભાઇ ચંદ્રવાડિય ડેનિશ ચંદ્રવાડિયા વગેરેએ મામલતદારને આવેદન પાઠવ્યુ છે.

જૂનાગઢ

રાજકોટના ખેડુત નેતા અને આહિર સમાજ અગ્રણી પાલભાઈ આંબલિયા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર બાબતે કેશોદ શહેર તાલુકા આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપતી વેળાએ કેશોદ શહેર તાલુકા આહીર સમાજ અને આહીર એકતા મંચ વતી હમીરભાઈ રામ, જયેશભાઇ સોલંકી, ભરતભાઇ બારીયા, રાજુભાઈ બોદર  તથા રમેશભાઈ નંદાણીયા ઉપસ્થિતરહ્યા હતાં.

સુત્રાપાડા

ગીર સોમના જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા  મામલતદાર વેરાવળ ને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યક્ત કરી આવા હીન કૃત્ય વિરુદ્ધ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલા નાં યુવા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ. જિલ્લા કોંગ્રેસ મહામન્ત્રી હીરાભાઈ રામ. જિલ્લા કોંગ્રેસ મઁત્રી ભગુભાઈ વાળા. વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ બારડ જિલ્લા કોંગ્રેસ કિશાન સેલ નાં પ્રમુખ હિરેન બામરોટીયા સહીત નાં આગેવાનો ઉપસ્થિત રહીયા હતો.

Loading...