Abtak Media Google News

મોંઘવારી અને મગફળી કૌભાંડ મામલે વિધાનસભામાં સરકારને ઘેરતી કોંગ્રેસ

ભાજપે તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીની સહી વાળા વ્હીપ આપ્યા

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજે દિવસ ભારે હંગામો

ભાજપ સરકાર સાવધાન બની

ગુજરાત વિધાનસભાના બે દિવસના ટુંકા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગઈકાલે કોંગ્રેસ રાજય સરકારની બહારથી ઘેર્યા બાદ આજે સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ મોંઘવારી અને મગફળી કાંડ મામલે સરકારને ગૃહમાં ઘેરશે સાંજે સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ચર્ચા થાય તેવી પણ શકયતા જણાય રહી છે. મોંઘવારીના વિરોધમાં આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યોએ સચિવાલય સુધી સાયકલ રેલી કાઢી હતી. અવિશ્ર્વાસની દરખાસ્તની માંગથી ફફડી ઉઠેલી ભાજપ સરકારે પોતાના તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીની સહીવાળો વ્હીપ આપ્યો છે.

વિધાનસભાનું બે દિવસનું ટુંકુ ચોમાસુ સત્ર પણ તોફાની બની રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે ભલે ગૃહ દિવગંતોને શ્રધ્ધાંજલી આપવા પુરતુ સિમિત રહ્યું હોય પણ કોંગ્રેસ ગૃહની બહાર ભાજપ સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી નહતી. ખેડુતોના દેવા માફી સહિતના મુદે પાટનગરમાં ઘેરાવ કર્યા હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતુ અને અનેકની અટકાયત કરવામાં આવી હતી. આજે વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસ પ્લાન બી અપનાવ્યો છે. આજે પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ લઈ સચિવાલય ખાતે પહોચ્યા હતા. કોંગ્રેસ ગુડા પાસે સાયકલની માંગણી કરી હતી. પરંતુ પુરતી સાયકલ ન મળતા કોંગ્રેસના અનેક ધારાસભ્યો લારીમાં સચિવાલય ખાતે પહોચ્યા હતા.

આજે વિધાનસભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ ભારે તોફાની બની રહે તેવી સંભાવના છે. કોંગ્રેસે વિધાનસભાના નિયમ ૧૦૬ મુજબ મંત્રી મંડળ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની માંગણી કરી છે. ખેડુતોના દેવામાફી અને મોંઘવારી મૂદે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્લાન ઘડયો છે. બપોર બાદ ગૃહમાં પ્રશ્ર્નોતરી કાળમાં અવિશ્ર્વાસ દરખાસ્ત અંગે માંગણી કરવામાં આવશે જે મંજૂર થાય કે ન થાય પણ તેના પર ચર્ચા થવાની સંભાવના જણાય રહી છે.

કોંગ્રેસની રાજય સરકારના મંત્રી મંડળની દરખાસ્તની માંગણીથી ભાજપમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ભાજપના સાત ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહેતા દોડધામ મચી જવા પામી છે. અવિશ્ર્વાસ દરખાસ્તથી ફફડી ગયેલી ભાજપ સરકારે પોતાના તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીની સહીવાળો વ્હીપ મોકલી દીધો છે. અને અવિશ્ર્વાસની દરખાસ્તમાં પક્ષના વ્હીપ મૂજબ મતદાન નહી કરોતો ગેરલાયક ઠરશો તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.