Abtak Media Google News

રાજકોટમાં શિક્ષણ સમિતિમાં કોંગ્રેસનો હવે એક પણ સભ્ય જોવા નહીં મળે

રાજકોટવાસીઓએ ભાજપ તરફી પ્રચંડ જનાદેશ આપ્યો છે. જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. શહેરના ૧૭ વોર્ડમાં કોંગ્રેસનું ખાતુ પણ  ખુલ્યું નથી. માત્ર વોર્ડ નં.૧૫એ કોંગ્રેસનું નાક બચાવ્યું છે. જે રીતે શહેરના ૧૭ વોર્ડ કોંગ્રેસ મુક્ત થયા છે તે જ રીતે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમીતી પણ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત થઈ જશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમીતીમાં કુલ ૧૨ સભ્યો હોય છે. જેમાં મહાપાલિકામાં ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષને જે રીતે બેઠકો પ્રાપ્ત થઈ હોય છે તે રીતે તેમાં સભ્ય જેતે પક્ષને સ્થાન મળતું હોય છે. એક સભ્ય પદ મેળવવા માટે ઓછામાં ઓછા સાત કોર્પોરેટર હોવા જરૂરી છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર ૪ સભ્યો જ છે. આવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમીતીમાં કોંગ્રેસનો એક પણ સભ્ય ન બને તેવું લાગી રહ્યું છે. ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ૩૪ બેઠકો પર વિજેતા બન્યું હતું અને ભાજપને ફાળે ૩૮ બેઠકો આવી હતી. આવામાં શિક્ષણ સમીતીમાં કોંગ્રેસના ૫ સભ્યો અને ભાજપના ૭ સભ્યો હતા પરંતુ આ વખતે કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર જ વિજેતા બન્યું હોવાના કારણે શિક્ષણ સમીતીના સભ્યપદેથી પંજો વંચિત રહેશે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમીટીના ૧૨ સભ્યો પૈકી ભાજપ દર વખતે ૧૦ સભ્યો પોતાના રાખે છે અને ૨ સભ્ય કોંગ્રેસના રાખે છે. પરંતુ આ વખતે જે રીતે જનાદેશ મળ્યો છે એ જોતા લાગી રહ્યું છે કે, કોંગ્રેસને સ્ટેન્ડિંગ કમીટીમાં પણ પુરતું સ્થાન મળશે નહીં. માત્ર એક જ સભ્યને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.