Abtak Media Google News

ભારતીય ટીમની ભવ્યતા

કોરોના, મહામારી, લોકડાઉન અને કવોરન્ટાઈન જેવા ઠેર-ઠેર સંભળાતા તથા વંચાતા પીડાદાયક શબ્દોના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના ઝળહળતા મહાનાયકોથી બનેલી ડ્રિમ ટેસ્ટ ટીમને વાગોળીએ

મહામારીનો સમયગાળો દરેક વ્યક્તિ માટે પીડાદાયક નિવડી રહ્યો છે. મહામારીએ ફિલ્મ, કલા, ક્રિકેટ સહિતના ક્ષેત્રને સાવ ભુલાવી જ દીધુ હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે સામાન્ય લોકો તમામ કંટાળાજનક વિષયોમાંથી બહાર નીકળી ભારતીય ક્રિકેટની ભવ્યતાને ફરી વાગોળે તેવો પ્રયાસ ‘અબતક’ દ્વારા થયો છે. એક સમયે ભારતીય ટીમના મહાનાયકોએ તબક્કાવાર સમગ્ર વિશ્ર્વને હચમચાવી દીધું હતું. વૈશ્ર્વિક રીતે ભારતીય ખેલાડીઓની પ્રતિભાથી ચકિત થઈ ગયું હતું. આજે આપણે એક એવી ટીમની રચના કરવા જઈ રહ્યાં છીએ જેના તમામ ખેલાડી પોતાના તમામ પાસામાં શ્રેષ્ઠ સાબીત થયા હતા. આજે ક્રિકેટનો વૈભવ ફરી વાગોળશું.

ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓની ડ્રિમ ટેસ્ટ ટીમ

(બેટીંગ ક્રમ અનુસાર)

સુનિલ ગાવસ્કર: કારકિર્દીના પ્રારંભથી જ ફટકાબાજી અને વ્યૂહરચના થકી ક્રિકેટ રસીકોને અચંબીત કરી દેનાર સુનિલ ગાવસ્કરનું નામ માત્ર ભારત નહીં પરંતુ વૈશ્ર્વિક ખેલ જગતના ઈતિહાસમાં કંડારાયેલું રહેશે. વેસ્ટ ઈન્ડિઝના તેજ બોલરો સામે પણ ગાવસ્કર હેલ્મેટ વગર બેટીંગ કરવા ઉતરતા હતા. ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર બેટ્સમેન એક એવી અદાથી રમતા હતા જેને લોકો આજે પણ ભુલાવી શકતા નથી. પોતાના સમયગાળામાં ગાવસ્કરે ક્રિકેટના સર્વોત્તમ ઝડપી બોલરોનો સામનો કર્યો હતો અને ૧૨૫ ટેસ્ટમાં ૫૨.૧૧ની એવરેજથી રન બનાવ્યા હતા. ૧૯૭૧થી ૧૯૮૭ દરમિયાન તેમણે ૧૨૫ ટેસ્ટમાં ૧૦,૧૨૨ રન ફટકાર્યા હતા. તેમણે ૧૯૭૧માં પ્રથમ સીરીઝમાં જ સદી ફટકારી હતી. ૧૯૭૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૦૭ અને ૧૮૨ રનની અણનમ બેટીંગ લોકોને આજે પણ યાદ છે. તેમનો હાઈએસ્ટ ટેસ્ટ સ્કોર ૨૩૬ રહ્યો છે. આ સ્કોર તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.

વિરેન્દ્ર સહેવાગ: સર્વોત્તમ ટેકનીકથી ફટકારેલા શોર્ટ આજે પણ ક્રિકેટ રસીકોને યાદ છે. વિરેન્દ્ર સહેવાગની ફટકાબાજી કોઈપણ ટી-૨૦ મેચ ચાલુ હોય ત્યારે લોકોને યાદ આવતી હોય છે. કોઈપણ પ્રકારની બોલીંગ હોય ફટકો મારવો જ છે તે નિશ્ર્ચિત કરી ઘુમાવેલું બેટ લોકો ભૂલી શકતા નથી. શ્રેષ્ઠ ગણાતા બોલરો પણ વિરેન્દ્ર સહેવાગ સામે બોલીંગ કરતી વખતે ડર અનુભવતા હોય તેવું પણ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલીયા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ કે શ્રીલંકા સહિતના ટોચના ક્રિકેટ રમતા દેશોના લગભગ તમામ મુખ્ય બોલરને કોઈપણ દયા વગર  ઝુડી નાખવાની રીતના કારણે જ વિરેન્દ્ર સહેવાગ આ કાલ્પનિક ટેસ્ટ-૧૧માં સ્થાન ધરાવે છે.

રાહુલ દ્રવિડ: જેમ સહેવાગની મારફાડ બેટીંગ ઉપર ક્રિકેટરસીકો ફીદા હતા. તેમ રાહુલ દ્રવિડની ટેકનીકથી પણ લાખો લોકો આશ્ર્ચર્યચક્તિ થયા હતા. ટીમમાં ત્રીજા સ્થાને ઉતરનાર રાહુલ દ્રવિડને ટેસ્ટ માટે ધ વોલનું બિરુદ્દ પણ આપવામાં આવ્યું હતું. સ્પીન હોય કે તેજ ઝડપથી આવતા બોલ, કોઈપણ સંજોગોમાં તેઓ સ્ટમ્પને અડવા માટે નિરર્થક ઠરતા હતા. રાહુલ દ્રવિડે બનાવેલા રેકોર્ડ તોડવા આજે લગભગ અશક્ય છે. દ્રવિડે ૧૬૪ ટેસ્ટમાં ૧૩૨૮૮ રન કર્યા હતા. ૧૯૯૬ થી ૨૦૧૨ દરમિયાન તેમની એવરેજ ૫૩ રનની રહી હતી. ૩૬ વખત સદી ફટકારી હતી.

સચિન તેંડુલકર: ક્રિકેટના ભગવાન એટલે સચિન તેંડુલકર. માસ્ટર બ્લાસ્ટરની સ્ટાઈલ, પરફેકશન સહિતની વાતોનો કોઈ વિકલ્પ નથી. સચિનને ગેરીકિસ્ટને બેટમેનશીપની યુનિવર્સિટી ગણાવ્યા હતા. સચિને ૨૦૦ મેચમાં ૧૫૯૨૧ રન કર્યા હતા. તેમની સરેરાશ ૫૪.૭૩ રનની રહી હતી. ટેસ્ટમાં ૫૧ વખત સચિને સદી ફટકારી હતી. ૧૯૮૯ થી ૨૦૧૩ દરમિયાન ટેસ્ટ ક્રિકેટના કારકિર્દીમાં સચિને અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેને આજના સમયમાં તોડવા ખૂબજ કપરા છે.

વિરાટ કોહલી: સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ સહિતના ધુરંધર ખેલાડીઓના વિક્રમ તોડવા સક્ષમ હોય તો તે વિરાટ કોહલી છે. ક્રિકેટમાં પેશનની સાથે ફેશનનો સમન્વય કરી ટેકનીકથી વિરાટ કોહલીએ કરેલી બેટીંગ તેને શ્રેષ્ઠ ખેલાડીઓ પૈકીનો એક બનાવે છે. ખૂબ ટૂંકા સમયમાં મોટા રેકોર્ડ તોડી પાડનાર બેટ્સમેન અને ત્યારબાદ કેપ્ટન તરીકે વિરાટ કોહલીની ગણના થાય છે. કોહલીએ ૮૬ ટેસ્ટમાં ૭૨૪૦ રન બનાવ્યા છે. તેની એવરેજ ૪૪ રનની રહી છે. ૨૭ વખત તેમણે સદી બનાવી છે અને હજુ રમવા માટે સક્ષમ છે.

સૌરવ ગાંગૂલી (કેપ્ટન): ધુરંધર ખેલાડી ધરાવતી ટીમ માટે સૌરવ ગાંગૂલીને સુકાની બનાવવા સીવાયનું વિચાર પણ શકાય નહીં. મેચ ફિક્સિગં બાદના કપરા સમયમાં ટીમને ઉભી કરનાર સૌરવ ગાંગૂલીએ પોતાની બેટીંગ અને બોલીંગથી અનેક શ્રેણીઓના પાસા પલ્ટી નાખ્યા હતા. ગાંગૂલીનું એગ્રેસીવ વલણ આજે પણ વિશ્ર્વભરના ક્રિકેટ પ્રેમીઓને યાદ છે. ડાબોડી બેટીંગમાં ગાંગૂલીની સ્ટાઈલનો કોઈ વિકલ્પ આજે જોવા મળ્યો નથી. અલબત વી.વી.એસ. લક્ષ્મણ મુદ્દે થયેલા વિવાદો પણ ગાંગૂલીનો પીછો છોડી રહ્યાં નથી. ૧૧૩ મેચ દરમિયાન ગાંગૂલીએ ૪૧.૫૬ની રનરેટથી ૭૨૧૨ રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે ગાંગૂલીની જીતની ટકાવારી ૪૨.૮૫ની રહી છે.

કપિલ દેવ: ભારતીય ટીમમાં કોઈપણ સંજોગોમાં આદર સાથે કપિલ દેવનું નામ લેવું પડે છે. ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે કપિલ દેવને વિશ્ર્વ ક્રિકેટે યાદ રાખ્યા છે. કપિલ દેવની કારકિર્દી કેપ્ટન તરીકે પણ ઘણી સારી રહી છે. બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવા કપિલ દેવે મારેલા ફટકા બાદ ચીચીયારીઓથી સ્ટેડિયમ ગુંજી ઉઠતા હતા. સ્પીન પીચમાં પણ પેસ બોલીંગ કરવામાં કપિલ દેવ માસ્ટર રહ્યાં હતા. તેમણે ૧૩૨ ટેસ્ટમાં ૫૨૪૮ રન બનાવ્યા હતા. ૪૩૪ વિકેટ ઝડપી હતી, ૮ વખત સદી ફટકારી હતી.

મહેન્દ્રસિંહ ધોની (વિકેટ કિપર): ક્રિકેટના ગમે તેવા પળમાં શાંત સ્વભાવ સાથે સામેની ટીમને ચીત કરી દેવામાં માહેર માહીએ અનેક રેકોર્ડ તોડ્યા છે. કેપ્ટન તરીકે માહિનો રેકોર્ડ અભૂતપૂર્વ રહ્યો છે. સંજોગો મુજબ ધીમી કે ધુંઆધાર બોલીંગ કરી જાણનાર એમ.એસ.ધોનીએ વર્લ્ડકપ અપાવ્યો તે ક્ષણ આજે પણ યુવાનો ભૂલી શકતા નથી. વર્ષોથી ક્રિકેટમાં વિકેટ કિપીંગ માટે બિંબાઢાળ પદ્ધતિ અપનાવવામાં આવતી હતી પરંતુ મહેન્દ્રસિંહના પ્રવેશ સાથે જ નવી ટેકનીક વિકેટ કિપીંગ ક્ષેત્રમાં આવી હતી. તેમણે ૯૦ મેચમાં ૪૮૭૬ રન કર્યા હતા. ૨૫૬ કેચ અને ૩૮ સ્ટમ્પીંગ કર્યા હતા. ૬ વખત સદી ફટકારી હતી.

અનિલ કુંબલે: સ્પીંન બોલીંગમાં અનિલ કુંબલે ભારતના શ્રેષ્ઠ ખેલાડી તરીકે સાબીત થયા છે. પીચ ઉપર દડો પડ્યા બાદ દડો કઈ દિશામાં જશે તે પારખવામાં બેટ્સમેન હંમેશા થાપ ખાઈ જતાં હતા. તેમને ભારતના ગ્રેટેસ્ટ મેચ વિનર ગણવામાં આવે છે. અનિલ કુંબલેએ ૧૩૨ ટેસ્ટ રમી હતી. જેમાં ૬૧૯ વિકેટ લીધી હતી. અનિલ કુંબલેએ ૧૯૯૦ થી ૨૦૦૮ દરમિયાન ૩૫ વખત ૫ વિકેટો મેળવી હતી. કુંબલે દ્વારા સ્પીન બોલીંગમાં અનેક કિર્તીમાન સર્જવામાં આવ્યા છે.

બી.એસ. ચંદ્રશેખર: ૧૯૬૪માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટથી ક્રિકેટમાં પર્દાપણ કરનાર લેગ સ્પીનર બી.એસ.ચંદ્રશેખરના નામે અનેક રેકોર્ડ છે. તેમણે નાની ઉંમરે ડાબા હાથમાં પોલીયોના લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ ૧૯૭૦ સુધીમાં ચંદ્રશેખરે અનેક રેકોર્ડ  ખડકયા હતા. ૫૮ મેચમાં તેમને ૨૪૨ વિકેટ લીધી હતી. ૧૬ વર્ષની કારકિર્દીમાં તેમણે ૨૯.૭૪ની એવરેજથી જ રન આપ્યા હતા. ક્રિકેટની હિસ્ટ્રીમાં બે બેટ્સમેન પૈકીના એક માત્ર એવા બેટ્સમેન છે જેમણે કુલ રન કરતા વધુ વિકેટો મેળવી હોય.

ઝાહિર ખાન: કપિલની જેમ પેસ બોલીંગમાં સામેની ટીમના બેટ્સમેનને ચોકાવી દેવામાં ઝાહિર ખાન પણ માહેર ખેલાડી હતી. પેસની સાથો સાથ બોલને સ્વીંગ કરવામાં પણ ઝાહિર ખાને માસ્ટરી હાસલ કરી હતી. વર્ષ ૨૦૧૩માં મહેન્દ્રસિંહ ધોનીએ ઝાહિર ખાનને ભારતીય ફાસ્ટ બોલીંગના સચિન તેંડુલકર તરીકે બિરદાવ્યા હતા. સ્પીડની સાથે સ્પીનના કારણે ઝાહિર ખાનની બોલીંગ યાદગાર બની હતી. ૯૨ ટેસ્ટ મેચમાં ઝાહિરે ૩૧૧ વિકેટ ઝડપી હતી. કારકિર્દીમાં ઝાહિર ખાને ૧૧ વખત ૫ વિકેટ ઝડપી હતી.

મોહમદ શામી: ભારતીય ટીમમાં ફાસ્ટ કહી શકાય તેવા બોલરની હંમેશા ઘટ રહી છે. અલબત મોહમદ શામી આ ઘટને ક્યાંકને ક્યાંક પૂરી રહ્યાં છે. ૧૪૦-૧૪૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે મોહમદ શામી બોલીંગ કરે છે. પાકિસ્તાન સામે ૨૦૧૩માં પર્દાપર્ણ કર્યું હતું  અને ચાર મેડન ઓવર નાખી વિશ્ર્વ વિક્રમ સર્જયો હતો.

ત્યારબાદ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પર્દાપર્ણ કર્યું હતું. મોહમદ શામીનું ટેસ્ટ કેરિયર હજુ માત્ર ૪૯ મેચનું છે. જેમાં તેણે ૧૮૦ વિકેટ ઝડપી છે.  ૫ વખત ૫ વિકેટ ઝડપવામાં શામી સફળ રહ્યો છે.

જહોન રાઇટ

કોચ: વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫માં ભારતીય ટીમના કોચ રહેલા જોન રાઈટને ટેસ્ટના શ્રેષ્ઠ કોચ ગણવા પડે. એક સમયે ઓસ્ટ્રેલીયાના સતત ૧૬ મેચ જીતવાના  લક્ષ્યને જોન રાઈટની આગેવાની હેઠળ તોડી પડાયું હતું. તે સમયે ભારતે ઓસ્ટ્રેલીયા સામે ૨-૧થી ટેસ્ટ શ્રેણી જીતી હતી.

કોચ રાઈટના સમયગાળામાં ભારતની જીતવાની ટકાવારી સરેરાશ ૩૯.૨૧ ટકાની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.