ક્રિકેટના બાદશાહ “વીરુ”નો આજે જન્મદિન: વન ડેમાં બેવડી સદી ફટકારનાર દુનિયાના એક માત્ર કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર અને “વીરુ”ના હુલામણા નામથી જાણીતા વીરેન્દ્ર સહેવાગનો આજે 42મો જન્મદિવસ છે. આ ખાસ દિન નિમિત્તે ક્રિકેટ જગતના અન્ય ખેલાડીઓ અને ચાહકોએ સેહવાગ પર શુભેચ્છાઓ વરસાવી છે. 20 ઓક્ટોબર 1978 માં જન્મેલા સેહવાગ વિશ્વના એકમાત્ર કેપ્ટન છે જેણે કેપ્ટન તરીકે વનડેમાં બેવડી સદી ફટકારી હોય. તેમનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી નથી શક્યુ. આ ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ ભારત માટે ટેસ્ટમાં ત્રિ-સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતા.

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર એવા સેહવાગની ઇનિંગ જોયા પછી આજે પણ લોકો વખાણ કરવાનું ચૂકતા નથી. ભારતીય ક્રિકેટમાં સેહવાગ જેવો આતિશી ઓપનર હજુ કોઈ આવ્યો નથી. સેહવાગના નામે ઘણી સિદ્ધિઓ અંકિત છે, પરંતુ એક અદ્ભૂત અને કમાલ સિદ્ધિ એ છે કે જે આજ સુધી વિશ્વના અન્ય કોઈ ખેલાડીએ હાંસલ કરેલી નથી તે એ છે કે તેણે કેપ્ટનશિપ કરતી વખતે વનડેમાં બેવડી સદી ફટકારી છે.

વનડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી મોટી ઇનિંગ્સ

સેહવાગે ડિસેમ્બર, 2011 માં વેસ્ટ ઇન્ડીઝ સામે ઈંદોરના હોલકર સ્ટેડિયમમાં તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તે સચિન તેંડુલકર પછી આવો બીજો ભારતીય બન્યો. સેહવાગે માત્ર 149 બોલમાં 219 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેણે 25 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 418 રન બનાવ્યા હતા અને 153 રન કરી વિજય મેળવ્યો હતો.

વનડેમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર કેપ્ટન સેહવાગ

સેહવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે સુકાની તરીકેની બેવડી સદી ફટકારી હતી. તેણે આ મેચમાં ટીમની કમાન સંભાળી અને તેની વનડે કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ રમીને મેચને યાદગાર બનાવ્યો. સેહવાગ વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે જેણે વનડેમાં બેવડી સદી ફટકારી હોય.

ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રિ-સદી ફટકારવાનો રેકોર્ડ પણ સેહવાગના નામે

ભારત તરફથી, ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રિ-સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરેન્દ્ર સેહવાગના નામે છે. 2004 માં, તેણે પાકિસ્તાનના મુલતાનમાં 309 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 52 રને જીત મેળવી હતી.