Abtak Media Google News

વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમવાર સુપર ઓવર પણ ટાઈ: છેવટે બ્રાઉન્ડ્રીનાં આધારે ઈંગ્લેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન

ન્યુઝીલેન્ડ ટીમનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું: કેન વિલિયમ્સન

વિશ્વકપ ફાઈનલ કે જે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો તે અત્યંત રોમાંચક તબકકામાં પણ જોવા મળ્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ સુપર ઓવર ટાઈ થઈ હોય તે પ્રથમ વખત બન્યું છે ત્યારે આઈસીસીનાં નિયમ અનુસાર છેવટે સૌથી વધુ બ્રાઉન્ડ્રી ફટકારવાનાં કારણે ઈંગ્લેન્ડ ૪૩ વર્ષમાં સૌપ્રથમ વખત વર્લ્ડકપ જીતી શકયું હતું પરંતુ કિવીઝે ખરાઅર્થમાં ક્રિકેટને જીતી લોકોનાં દિલ જીત્યા હતા. આ તકે ન્યુઝીલેન્ડ ટીમનાં સુકાની કેન વિલિયમ્સને મેચ પૂર્ણ થયા બાદ પત્રકાર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ખરાઅર્થમાં ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિશ્વકપ ટુર્નામેન્ટમાં ૫૭૮ રન અને શાનદાર સ્પોર્ટસમેનશીપ બદલ કેન વિલિયમ્સનને મેન ઓફ ધી સીરીઝ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી રોમાંચક બનેલી ફાઇનલ મેચ અંતે ટાઈમાં પરિણમ્યા બાદ ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વિજય હાંસલ કરીને પહેલી વાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૪૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે પણ ૫૦ ઓવરમાં ૨૪૧ રન કર્યા હતા. આમ મેચ ટાઈમાં પરિણમી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ ફાઇનલ આવી રસાકસીભરી બની ન હતી કે ટાઈ પડી ન હતી. ૨૪૨ રનના લક્ષ્યાંક સામે રમતાં ઇંગ્લેન્ડને પણ શરૂઆતમાં તકલીફ પડી ગઈ હતી. તેના બેટ્સમેન આસાનીથી રન લઈ શકતા ન હતા. ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીએ ચુસ્ત બોલિંગ કરી હતી. આ ઉપરાંત કોલીન ડી ગ્રેન્ડહોમે શાનદાર બોલિંગ કરીને તેની દસ ઓવરનો સ્પેલ પૂરો કરી દીધો હતો જેમાં તેણે માત્ર ૨૫ રન આપીને જો રૂટની અત્યંત બહુમૂલ્ય વિકેટ ઝડપી હતી. ગ્રેન્ડહોમે આ સાથે રૂટની આ ટુર્નામેન્ટની સફળ આગેકૂચ અટકાવી દીધી હતી. પ્રથમ ૨૫ ઓવર સુધી ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે હતું. બંને ટીમની રનરેટની સરખામણીમાં ન્યૂઝીલેન્ડ આગળ હતું. ૨૫ ઓવર બાદ કિવિ ટીમે બે વિકેટે ૧૦૯ રન કર્યા હતા જેની સરખામણીએ ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવીને ૯૩ રન કર્યા હતા. જોની બેરસ્ટોએ ૩૬ રન નોંધાવ્યા હતા તો ઓપનર જેસન રોય ૧૭ રન કરી શક્યો હતો. જો રૂટ સાત અને મોર્ગન નવ રનના અંગત સ્કોરે આઉટ થઈ જતાં ઇંગ્લેન્ડની તકલીફમાં વધારો થયો હતો. જોકે આ તબક્કેથી બેન સ્ટોક્સ અને જોઝ બટલરની લડતનો પ્રારંભ થયો હતો.  બંનેએ પહેલા તો વિકેટ બચાવી હતી અને સેટ થયા બાદ તેમણે આક્રમક બેટિંગનો પરચો આપ્યો હતો. બટલર અને સ્ટોક્સે લગભગ એક સાથે જ પોતાની અડધી સદી પૂરી કરી હતી અને સાથે સાથે ૧૨૪ બોલમાં સદીની ભાગીદારી પણ પૂરી કરી હતી. ૫૦ રન માટે બટલર ૫૩ અને સ્ટોક્સ ૮૧ બોલ રમ્યો હતો. સ્ટોક્સ સાથે ૧૧૦ રનની ભાગીદારી નોંધાવીને બટલર ૫૯ રનના સ્કોરે આઉટ થઈ જતાં મેચ ફરીથી રસપ્રદ બની ગઈ હતી.

અગાઉ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ ભારત સામેની સેમિફાઇનલની સમાંતર ચાલી હતી. માર્ટિન ગુપટિલ એકાદ બે નિર્ણયમાં બચી ગયો હતો પરંતુ અંતે તે ક્રિસ વોક્સની બોલિંગમાં લેગબિફોર થયો હતો. આમ આ વર્લ્ડ કપ તેના માટે નિરાશાજનક રહ્યો હતો. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં એક ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારનારો બેટ્સમેન આ વખતે દસ ઇનિંગ્સમાં પણ ૨૦૦ રન કરી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી અને એવી જ રીતે તેઓ આ મેચમાં પણ રમ્યા હતા. હેનરી નિકોલસ અને કેપ્ટન કેન વિલિયમ્સને ઇનિંગ્સ જમાવવાનો પ્રયાસ કરીને બીજી વિકેટ માટે ૭૪ રન ઉમેર્યા હતા પરંતુ તેઓ રનરેટ વધારી શક્યા ન હતા. આ તબક્કે લિયમ પ્લન્કેટે ન્યૂઝીલેન્ડને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે કેન વિલિયમ્સનને આઉટ કર્યા બાદ હેનરી નિકોલસની વિકેટ પણ ખેરવી હતી. વિલિયમ્સન એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારો સુકાની બન્યો હતો પરંતુ ૩૦ રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો.

હેનરી નિકોલસ કિવિ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન બન્યો હતો. તેણે ૭૭ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા જેમાં ચાર બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં માત્ર બે સિક્સર જોવા મળી હતી. પહેલી સિક્સર માર્ટિન ગુપટિલે પ્રારંભમાં ફટકારી હતી તો બીજી સિક્સર ટોમ લાથમે ફટકારી હતી. ટોમ લાથમની બેટિંગની કારણે જ ન્યૂઝીલેન્ડ ૨૦૦નો આંક વટાવી શક્યું હતું. વિકેટકીપર-બેટ્સમેન લાથમે ૫૬ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા. રોઝ ટેલર માંડ ૧૫ રન કરી શક્યો હતો. જોકે એક વિવાદાસ્પદ નિર્ણયમાં તે લેગબિફોર થયો હતો. અમ્પાયર મેરિયસ ઇરાસમસે તેને આઉટ આપ્યો હતો પરંતુ ટીવી રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી નીકળતો હતો.

જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રેન્ડહોમ અને મિચેલ સેન્ટનર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઇંગ્લેન્ડે ચેમ્પિયનને છાજે તેવી બોલિંગ કરી હતી. ખાસ કરીને જોફરા આર્ચરે વેધક બોલિંગ કરી હતી. તેણે એક જ વિકેટ લીધી હતી પરંતુ તેની બોલિંગ પ્રભાવશાળી રહી હતી. ક્રિસ વોક્સે ૩૭ રન આપીને તથા લિયમ પ્લન્કેટે ૪૨ રન આપીને ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.