Abtak Media Google News

પરંતુ ચંડાળ ચોકડીએ કપટ પુર્વક ફોજદાર જયદેવથી જ મુઠભેડ (એન્કાઉન્ટર) કરાવવાનું ગોઠવી દીધું

જસદણ સી.પી.આઈ. ઠાકુર ઉપર રાજકોટના પોલીસ વડાનું કુંદણીના પેરોલ ફરારી વલકુને પકડવાનું ખુબજ દબાણ હતુ. ભાડલાના ફોજદાર અને ઠાકુરને હુકમ કરેલા કે દિવસમાં એક વખત અવશ્ય કુંદણી ગામે જવું અને રોજે રોજનો અહેવાલ પોલીસવડાને આપવો આરીતે એકાદ અઠવાડીયું તો ચાલ્યું, દોડાદોડી કરી પરંતુ પછી કંટાળ્યા, મુળ અને મુખ્ય મુદો મુઠભેઠ (એન્કાઉન્ટર) થવાનો હતો. કેમકે વલકુની ઉંમર પાંસઠ વર્ષ થઈ ગયેલ હતી અને હવે પકડાય તો જેલમાં જ મરણ થાય કેમકે ફરીથી પેરોલ મળે નહિ અને તે હવે જન્મટીપની સજા પુરી થાય ત્યાં સુધી જેલમાં જીવે કે કેમ ? તે પણ પ્રશ્ર્ન હતો તેથી તે મરણીયો બની ગયો હતો.

ઠાકુરને એવી બાતમી મળેલી કે વલકુ ચોવીસે કલાક પોતાની પાસે એક માઉઝર ગન કે જેના કાર્ટીસ હાથીને પણ પાડી દે તેવા શકિતશાળી હોય છે, તે સતત લોડેડ જ રાખતો. બીજી વાત એમ હતી કે વલકુને પોલીસમાં પકડાયે છએક વર્ષ થઈ ગયેલા વલકુને જોયે ઓળખે તેવો પોલીસ સ્ટાફ ભાડલાથી બદલાઈને જીલ્લામાં બીજા પોલીસ સ્ટેશનોમાં જતો રહ્યો હતો.

આથી ઠાકુરે પોલીસ વડા પાસે એ બચાવ રજૂ કર્યો કે ફરારી વલકુ ને ઓળખનાર કોઈ નથી જો તેને ઓળખનાર અને કુંદણીનો જાણકાર કોઈ જમાદાર મળી જાય તો કદાચ વલકુને પકડી શકાય.

પોલીસવડાએ શીટ શાખામાંથી અગાઉ છેલ્લા દસ વર્ષમાં ભાડલા પોલીસ સ્ટેશનમાં નોકરી કરી ગયેલા માણસોનાં નામનું લીસ્ટ મંગાવ્યું તે લીસ્ટમાં એક જમાદાર ઠેબા કે જેમણે અગાઉ ભાડલામાં જ ચાર નંબરની એટલે કે ટેમ્પરરી ફોજદારી કરેલી તેનું નામ પણ હતુ જેથી પોલીસ વડા એ જમાદાર ઠેબાને ‚બ‚ બોલાવી ઓફર મૂકી કે જો તે વલકુને પકડાવી દેશે તો ફરીથી ખાસ કિસ્સામાં ફોજદારનું પ્રમોશન આપવામાં આવશે. આથી જમાદાર ઠેબા ફોજદારના પ્રમોશનની લાલચે વલકુને પકડાવવા તૈયાર થઈ ગયા કેમકે તેને તો વલકુને બતાવવાનો જ હતો, પકડવાનો હતો ઠાકુર અને ભાડલાના ફોજદારે!

આમ ઠાકુરની ટીમમાં અભયસિંહ જમાદાર ઉપરાંત ઠેબાનો પણ ઉમેરો થયો તમામે એકાદ મહિનો ભાડલા વિંછીયા વિસ્તારમાં સમય પસાર કરવાની સાથે મહેફીલો અને ડાયરા પણ કર્યા. વલકુ હતો તો કુંદણીમાં જ પરંતુ મુઠભેડ (એન્કાઉન્ટર)માં કોણ કોને ઉડાડે તે પણ એક જોખમી પ્રશ્ર્ન હતો કેમકે હવે વલકુ પકડાય એટલે તેની જીંદગી જેલમાં જ હતી. આથી તે મરણીયો બન્યો હતો. જયારે ઠાકુરને મુઠભેડની લમણાજીંકમાં પડવું નહતુ.

એક મહિનો પુરો થતા પોલીસ વડાએ ઠાકુર તથા ઠેબા પાસે મહિનાની કામગીરીનો હિસાબ માગ્યો અને આખા મહિનામાં કાંઈ ઉકાળી શકયા નહિ તે બદલ સખ્ત ઠપકો આપ્યો. ઠેબાને પોલીસ વડાએ આખરી પંદર દિવસની મહેતલ આપી અને કહ્યું કે પંદર દિવસ પછી વાંકાનેર પાછા ચાલ્યા જવું.

ઠેબાને એક હાથમાં ફોજદારનાં પ્રમોશનનો લાડવો દેખાતો હતો તો બીજા હાથમાં મરણીયા વલકુનો ઝેરનો કટોરો દેખાતો હતો. ઠેબા અને ઠાકુર હવે શું કરવું તેનોજ વિચાર કર્યા કરતા હતા જમાદાર અભયસિંહ અને ઠેબાની કપટ બુધ્ધીએ ઠાકુરને સલાહ આપી કે ફોજદાર જયદેવ અતિ આક્રમક અને ઉતાવળીયો પણ છે.

જો જયદેવ અને વલકુને એક વખત ગમે તેમ કરી સામસામે ભેગા કરી દઈ એ તો પ્રશ્ર્નનું નીરાકરણ થઈ જાય! ઠાકુરને જયદેવની બુધ્ધી અને કાર્ય પધ્ધતિનો ખ્યાલ હતો. જયદેવ તમામ કાર્યો આયોજન (પ્લાનીંગ)થી જ કરતો હતો. પરંતુ ઠાકુર આ બંને જમાદારોની કપટ બુધ્ધીની જાળમાં આવી ગયા અને પોલીસ વડા દ્વારા ઠાકુરે જયદેવને ખાસ ટેલીફોનથી કહેવરાવ્યું કે ઠાકુર જયાં અને જયારે મદદ માગે ત્યારે મદદ કરવી.

એક દિવસ સવારના સાડા દસેક વાગ્યે ઠાકુરનો જયદેવ ઉપર ફોન આવ્યો કે આજે બપોરે ત્રણેક વાગ્યે એક દા‚ની રેઈડમાં કમળાપુર જવાનું છે. અને તમારે સાથે આવવાનું છે. જયદેવે તુરત ના પાડી કે હુકમ ફકત વલકુ અને કુંદણી માટે છે. આવી દા‚ની રેઈડો તો એક કોન્સ્ટેબલ પણ કરી શકે, તમે છો પછી શું ? આતો સોની કામમાં ઘણ અને શીણના ઉપયોગ જેવું છે. જેથી ઠાકુરે પોલીસ વડાને ફોન કરી જયદેવને સાથે મોકલવા કહ્યું.

જયદેવને બીજા પોલીસ સ્ટેશનની હદમાં રેઈડો કરવા કરતા પોતાના વિસ્તારમાં ઘણા અગત્યના કામો હતા! પરંતુ કાવત્રુ કાંઈક બીજુ જ હતુ. પોલીસ વડા પણ સ્વભાવે આક્રમક અને તેમની શ‚આતની નોકરીમાં જેલમાં પણ જઈ આવેલા તેમને ઠાકુરે ગળે વાત ઉતરાવી દીધી કે જયદેવ જે કરશે તે કાયદેસર જ કરશે જો તેને મુઠભેડની અગાઉથી જાણ થાય તો પૂરતી તૈયારી સાથે જ મેદાનમાં આવે અને ઠાકુરના મતે તો તે રીતે વલકુ કોઈ હિસાબે ન પકડાય આખરે તમામે એવું નકકી કર્યું કે જે થવાનું હોય તે થાય પણ વલકુના પ્રશ્ર્નનું તો નિરાકરણ થશે જ આમ જયદેવ અને વલકુને અજાણતા જ સામસામા કરી દેવાનું નકકી થયું.

જયદેવે ઠાકુરને દા‚ની રેઈડના ગામ અંગે પૂછતા કહ્યું કે કમળાપુર ગામની સીમમાં વાડીમાં જવાનું છે. જયદેવને થયું કે કમળાપુર ભાડલા પોલીસ સ્ટેશનનું અને તેનો કોઈ માણસ પણ નહિ? ફકત ઠેબા અને ઠાકુર અને હવે જયદેવ ! ઠાકુરે કહ્યું પોલીસ જીપ નથી લઈ જવાની હાજીની ટેક્ષી લેવાની છે.

આથી જયદેવને વધુ શંકા થઈ પરંતુ રેઈડોમાં તો આવું કરવું જ પડે જેથી જયદેવે ઠાકુર ઉપર શંકા હોય જમાદાર હસુભાઈને તથા થ્રીનોટથ્રી રાયફલો સાથે કોન્સ્ટેબલ ભવતુભા અને નવજીસુરમાજીને પણ લીધા આથી ઠાકુરે વાંધો લીધો આટલા બધા માણસોનું દા‚ની રેઈડમાં શું કામ છે? જયદેવે તુરત જ કહ્યું આ ઠેબા જમાદારનો વાંકાનેરના નાળીયેરી ગામનો કિસ્સો તાજો જ છે. જીલ્લાનાં સમગ્ર ટાસ્કફોર્સને નાળીયેરી ગામ આખાએ મારી મારી લાદ કાઢી નાખી અને પહાડી કાયા ધરાવતા ફોજદાર તીવારીને પણ ઢાળી દીધા હતા. દા‚ની રેઈડ તો એક બાજુ જ રહી! ‘આ મુદો (ઠેબા) હાજર જ છે તેને પુછો પુછો !’ ઠેબાએ જયદેવની વાતો સાંભળેલી તેથી તે આમેય તેનાથી ડરતો હતો અને આ કિસ્સો કહેતા જ તેઓ બોલ્યા ‘હા…જી હાજી બરાબર સાહેબ તૈયારી પુરીજ હોવી જોઈએને?’ તેમ કહી જયદેવને ટેકો આપ્યો.

બપોરના ત્રણ વાગ્યે ડ્રાઈવર હાજી પોતાની ફોર્ડ ડોઝ ટેક્ષી લઈને પોલીસ સ્ટેશનને આવી ગયો ઠાકુરે આયોજન પ્રમાણે જ એમ બોલતા બોલતા ઠેબાને આગળની સીટમાં પોતાની સાથે બેસાડયા કે રસ્તો અને જગ્યા બતાવી શકેને? પાછળની સીટમાં જયદેવ, હસુભાઈ તથા ભવતુભા અને નવજી ગોઠવાઈ ગયા. જૂની ફોર્ડ ટેક્ષીની કેપેસીટી બહુ મોટી હોય પાછળ કોઈ તકલીફ ન હતી અને વનેચંદનો વરઘોડો ઉપડયો કમળાપુર તરફ. ટેક્ષી કમળાપુરથી આગળ જતા હાઈવે ઉપરથી કુંદણીના રસ્તે વળતા જ જયદેવ અને હસુભાઈ એલર્ટ થઈ ગયા અને ઠાકુરને પુછયું કે કુંદણી વલકુની હકિકત છે શું? ઠાકુરે ગલ્લા તલ્લા કરતા કહ્યું કે આ ઠેબાની હકિકત છે.

જયદેવને આખા કાવત્રાનો ખ્યાલ આવી ગયો પણ રંજ એ વાતનો થયો કે પોલીસ વડાએ પણ સાચી હકિકત ન કહી! આથી જયદેવ વાંકુ બોલ્યો ‘ઠાકુર, રાત્રે વલકુ સુતો હોય ત્યારે પકડવા માટે પાંચ પાંચ પોલીસ અધિકારીઓ જીપ સાથે અને ૨૫-૩૦ પોલીસ જવાનોની જ‚રત પડે અને અત્યારે દિવસે જાગતો હોય તૈયારીમાં હોય ત્યારે આ ભંગાર ટેક્ષીમાં ત્રણ જણા જ? આ ત્રણ લીધા તે પણ તમને શું જ‚ર છે. વધારે લાગતા હતા! શું વલકુને જઈને સીધો જ શુટ કરી દેવાનો છે? ઘેરી ને પકડવાનો નથી? હસુભાઈ જમાદારે ઠેબાને કહ્યું કે તમે તો અગાઉ અહી ભાડલા જ ફોજદાર તરીકે હતા ત્યારે આ વલકુને પકડવાની બહાદુરી બતાવવી હતીને? અત્યારે બીજા ને ભૂંડા લગાડવા આવી રીતે તૈયારી વગર ઓચિંતા, ખ્યાલ વગર વલકુ સાથે ભીડવી દેવાની ભડવાઈ કરો છો? પરંતુ જયદેવે ઠાવકાઈથી કહ્યું ‘હવે આજે ભરી જ પીવાનું છે જે કાંઈ થશે તે કાર્યવાહી ઠેબાના નામે જ કરવાની છે. અને ઠેબાની રીવોલ્વરમાંથી પણ ફાયરીંગ બતાવવા પડશેને ?’

આ સાંભળી ઠેબા ગળગળો થઈ ગયો અને બોલ્યો ‘સાહેબ હું તો નાજ પાડતો હતો પરંતુ જમાદાર અભયસિંહે ઠાકુર સાહેબને આ કાવત્રુ કરવા સલાહ આપી કે આનાથી એક કાંકરે અનેક પક્ષી મરશે. જો જયદેવ ના પાડશે તો પોલીસ વડા પાસે ભુંડો લાગશે અને બીકણ ગણાશે. જો વલકુ માર્યો જાયતો જયદેવ સાથે ઠાકુરનું પણ નામ અને ઠેબાનું કામ (ફોજદારના પ્રમોશનનું) થઈ જશે.

અને વલકુ વળતો હુમલો કરવામાં સફળ થાય તો ભગવાન ભગવાન ! તમે તમા‚ ધ્યાન રાખજો !’ આમ વાત કરતા કરતા જ ઠાકુરને ગમે તે થયું અને હાજીને ટેક્ષી પાછી જસદણ લેવા કહ્યું. પરંતુ હવે આ મુદો જયદેવની પ્રતિષ્ઠાનો થઈ ગયો હતો. પાછો વળે તો જયદેવ લજવાઈ જાય અને બદનામી થાય તે જુદી.

જયદેવે હાજીને ટેક્ષી કુંદણી જ લેવા કહ્યું. તો ઠાકુરે હાજીને કહ્યું ‘હું કહું છું ટેક્ષી પાછી વાળ!’ જયદેવે હાજીને કહ્યું ‘હાજી તરે જસદણમાં રહીને ધંધો કરવાનો છે ને? જેની વાત માનવી હોય તેની વાત માનવાની તને છૂટ છે! ‘અને હાજીએ ટેક્ષી કુંદણી તરફ જવા દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.