Abtak Media Google News

ભારતનું બંધારણ વિવિધતામાં એકતા અને અલગ અલગ ધર્મ સંસ્કૃતિના એકીકરણની હિમાયત કરે છે ત્યારે અશાંત ધારામાં બંધારણના મુળભૂત સિધ્ધાંતોનો ભંગ થાય છે?

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં આઝાદી પછી દેશને એક કરવા બંધારણની રચના કરી છે. દરેક નાગરિકને એક સમાન અધિકારો અને બંધારણીય કવચની સાથે સાથે માનવ અધિકારોના જતનની એક વિશિષ્ટ વ્યવસ્થાએ ભારતના લોકતંત્રને વિશ્ર્વની સૌથી આદર્શ અને માનવીય અભિગમ ધરાવતી લોકશાહીનું માન અપાવ્યું છે. ત્યારે બંધારણના મુળભૂત નિયમોનું ઉલ્લંઘન કરીને ઉભી કરવામાં આવેલી કોઈપણ વસ્તુનું કોઈપણ સરકાર અમલ કરી શકતી નથી. આવી જ બંધારણીય કલમ ૩ (૧) (૨)  અને ૧૯૯૧ના ગુજરાત અશાંત ધારાના અમલમાં કોઈપણ ચોક્કસ સમુદાય કે વ્યક્તિને ધ્યાને રાખીને અશાંત ધારાના અમલ સામે અદાલતે નારાજગી વ્યકત કરી છે. સમાન નાગરિક ધારો અને દરેક નાગરિકોની સમાનતાના બંધારણના મુળભૂત સિદ્ધાંતો આજે ૭૦ વર્ષ પછી પણ સંપૂર્ણપણે અમલ શક્ય બન્યો નથી તેવા સંજોગોમાં વસ્તીના આધારે વિસ્તારોને બાટવા એ બંધારણીય મુળભૂત સિદ્ધાંત અને દેશના અખંડીતતાના સિદ્ધાંતનો લોભ કરે છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે અશાંત ધારાના અમલ માટે રૂકજાવનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે કોઈ એક સંપ્રદાય કે વ્યક્તિના અવેધિક સમૂહ માટે ગુજરાતમાં અશાંત ધારા અધિનિયમ ૧૯૯૧ની કલમ ૩ (૧) (૨)ના અમલ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને અશાંત ક્ષેત્ર જાહેર કરવા સામે રૂકજાવનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ વિક્રમનાથ અને આશુતોષ શાસ્ત્રીએ જમીયત એ ઉલેમાન હિંદ સંસ્થા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સરકારનો જવાબ માંગ્યો છે અને ગુજરાત અશાંત ધારા વિસ્તાર અધિનિયમ ૧૯૧ના અમલ સામે દાદ માંગી છે. ત્રીજી  ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ જાહેર થનારા જાહેરનામા અંગે સરકારી વકીલે માહિતી આપી હતી કે, ત્રીજી  ફેબ્રુઆરી ૨૦૨૧થી આ ધારો લાગુ પડશે અને તેના અમલની તૈયારીની વિચારણાની પ્રક્રિયા આગળ ચાલી રહી છે. આવનાર સુનાવણી સુધીમાં અશાંત ધારાના અમલને રૂકજાવનો આદેશ કર્યો છે. અરજદારના વકીલ મહમદ ઈશા હકીમ દ્વારા સુનાવણી દરમિયાન હાજર રહી દલીલ કરી હતી કે, લાગુ કરવામાં આવેલા કાયદાથી ગેરબંધારણીય સ્થિતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેની અસ્પષ્ટતા માટે સંવિધાનની કલમ ૧૫,૧૫,૧૯ અને ૨૧ ધ્યાને લઈ બંધારણના અમલ માટે કોઈપણ પ્રકારની મનમાની અને જોર જબરદસ્તી ખુલ્લી પડી શકે. ૧૯૯૧ના એકસમા ધારાના અમલ માટે બનાવવામાં આવેલા કાયદાઓ અન્વયે ૧૯૮૬માં વર્ગવિગ્રહ બાદ અમદાવાદમાં થયેલા કોમી હુલ્લડો બાદ સામૂદાયીક હિજરત થયા બાદ બન્ને વર્ગના લોકો નવા સ્થળોએ સ્થાયી થઈ ગયા હતા. આ જ પ્રકારે ગુજરાતમાં અશાંત વિસ્તારોમાં સ્થાવર સંપતિઓના વિનીમય સામે રોક લગાવતો કાયદો લવાયો હતો અને ૧૯૯૧માં તેના પર રોક લગાવી દીધી હતી.

ત્યારબાદ ૨૦૨૦માં કાયદામાં સુધારો કરી કેટલાંક આંકરા ફેરફાર કરીને કાયદાનું નવેસરથી રૂપ આપવામાં આવ્યું હતું. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. સંવિધાનમાં નૈતિકતા અને બુનિયાદી નિયમોનું આ નવા અશાંત ધારામાં ઉલ્લંઘન થતું હોવાની દાદ માગવામાં આવી છે. ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારામાં બંધારણીય મુળભૂત અધિકારો અને દેશને એક અને અખંડીત રાખવાની ભાવનાઓનો છેદ ઉડી જાય છે. અશાંત ધારા અધિનિયમ ૨૦૨૦માં સંશોધન કરીને ઉમેરવામાં આવેલી કલમ ૩ ની ૧,૨,૩ પેટા કલમોમાં વ્યક્તિ કે વર્ગ દ્વારા કોઈપણ વિસ્તારમાં ઉભા થતા જુથના કારણે આ વિસ્તારને અશાંત જાહેર કરવાની જોગવાઈ છે. ધૃવિકરણ અને જનસંખ્યાના અસંતુલનના કારણે ઉભી થતી પરિસ્થિતિના કારણે રોકવા માટે આ કલમોમાં મુળભૂત અધિકારોનો ભંગ થાય છે. આ ઉપરાંત કલમ ૫ અન્વયે કલેકટર પાસે અશાંત ક્ષેત્રમાં સ્થાવર મિલકતની ફેરબદલીની મંજૂરી માટેની અરજી અસ્વીકાર કરવાની જોગવાઈ છે. તેની સામે દલીલ કરવામાં આવી છે કે, અરજદારની અરજીનો અસ્વીકાર કરવાની જોગવાઈ વાસ્તવમાં રાજ્યમાં ધર્મ આધારે નાગરિકોને અલગ કરવાની છુટ આપે છે. લાગુ કરવામાં આવેલો કાયદો વ્યક્તિઓના જુથની રચનાને ઉચિત અને અનુચિત રીતે વ્યાખ્યાયીત કરવા માટે માત્ર ધર્મને આધાર લેવામાં આવ્યો છે. બે અલગ અલગ સમુદાયો વચ્ચે ખાય ઉભી કરવાની જોગવાઈને યોગ્ય ન ઠેરવી શકાય. જુથ સંરચના પર નિષેધની આ કલમો વિવિધતામાં એકતા અને સમગ્ર દેશની બહુસંસ્કૃતિવાદ પર એક વજ્રઘાત સમાન છે. કોઈ એક ચોક્કસ સંપ્રદાયના એકીકરણ સામે રોક ન લગાવી શકાય. વિભિન્ન વર્ગો, જાતિઓ, ધર્મ સંસ્કૃતિ સાથેની જનસંખ્યા વચ્ચે ભાઈચારાની ભાવના વધારીને ભારતીય લોકતંત્રને જીવંત બનાવવાની દિશામાં ભારતનું બંધારણ હિમાયતી છે. કલમ ૧૪-૧૫નો ઉલ્લંઘન કરતા નવા અશાંત ધારામાં સમુદાયો વચ્ચે તફાવત ઉભો થાય છે. અરજીમાં એવું દર્શાવાયું છે કે, આ ધારામાં લઘુમતીઓ સામે વિશેષ ભેદભાવ રાખવામાં આવ્યો છે.

વૈશ્ર્વિક માનવ અધિકાર ક્ષેત્રે ભારતનું એક વિશેષ મહત્વ રહ્યું છે. તેવા સંજોગોમાં ગુજરાતમાં અશાંત ધારાનો અમલ એ બંધારણનો ભંગ ગણવામાં આવે છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અશાંત ધારાના અમલ માટે રૂકજાવનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના એક સમુદાયના કે વ્યક્તિના અયોગ્ય કલ્સ્ટરીંગ માટે લગાવવામાં આવેલો અશાંત ધારાનો અમલ રોકવાનો આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.