Abtak Media Google News

ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થતા અંતે ચુંટણીપંચ દ્વારા સાંજ સુધીમાં જાહેરનામું પ્રસિઘ્ધ કરાઈ તેવી સંભાવના

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થતા ચુંટણીપંચ દ્વારા સાંજ સુધીમાં જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ ચુંટણીની જાહેરાતને ધ્યાને લઈ બંને મુખ્ય રાજકીય પક્ષોએ પણ ખેંચતાણ શરૂ કરી દીધી છે.

રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક પર ગત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. બાદમાં કુંવરજીભાઈએ કેસરીયો ખેસ ધારણ કરી લેતા ભાજપે તેઓને કેબિનેટ મંત્રીનું પદ સોંપ્યું હતું. તેઓનાં કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠકની પેટાચુંટણી માટે ચુંટણીપંચ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જતા ચુંટણીપંચ દ્વારા આજે સાંજ સુધીમાં જસદણ પેટાચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવશે તેવું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા આ બેઠકમાં ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળીયાનાં નામની સતાવાર જાહેરાત ઘણા દિવસો પૂર્વે કરી નાખવામાં આવી છે. જયારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારનાં નામની સતાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. હાલ કોંગ્રેસ પક્ષનાં અગ્રણીઓમ)થી મળતી માહિતી પ્રમાણે જસદણ વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજની વસ્તી વધુ હોવાથી કોંગ્રેસે જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ તેમજ કોળી આગેવાન અવસરભાઈ નાકીયાનું નામ નકકી કરી નાખ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જસદણ વિધાનસભા બેઠકમાં ઉમેદવાર તરીકે અવસરભાઈ નાકીયાનાં નામની સતાવાર જાહેરાત કરવામાં આવશે.

તાજેતરમાં ચુંટણીપંચ દ્વારા રાજકોટ જિલ્લાની ચુંટણી શાખા સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદારયાદીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત ચુંટણી શાખાના અધિકારીઓને જરૂરી સુચના પણ આપી દેવામાં આવી હતી. આમ ચુંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ આજે સાંજે જસદણ પેટાચુંટણીની સતાવાર જાહેરાત કરવામાં આવનાર છે.

૨૨મીએ જિલ્લા ભાજપનું જસદણમાં સ્નેહમિલન: શકિતપ્રદર્શન

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે ત્યારે બંને મુખ્ય પક્ષો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પેટાચુંટણીને ધ્યાને લઈ જિલ્લા ભાજપ દ્વારા આગામી ૨૨મીએ જસદણમાં સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મળતી માહિતી મુજબ આ સ્નેહમિલનને એક પ્રકારનું શકિત પ્રદર્શન પણ ગણી શકાય. ભાજપ દ્વારા કોળી સમાજને ધ્યાને રાખીને વધુમાં વધુ આગેવાનોને પોતાની તરફ ખેંચવામાં આવનાર છે.

ભોળાભાઈ ભોળાનથી: કોંગ્રેસમાં ટિકિટ ન મળવાનો આસાર દેખાતા ભાજપની પડખે

જસદણ વિધાનસભા બેઠકના ઉમેદવારનું નામ કોંગ્રેસ દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવસર નાકીયાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાત નકકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ કોંગ્રેસના અગ્રણી ગણાતા ભોળાભાઈ ગોહિલને કોંગ્રેસમાં ટીકીટ ન મળવાનો આસાર દેખાતા તેઓ ભાજપને મદદરૂપ બની રહ્યા હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે.

ભોળાભાઈ ગોહિલ અગાઉ જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકયા છે. તેઓએ રાજયસભાની ચુંટણી વખતે કોંગ્રેસ પક્ષની વિરુઘ્ધ જઈને મતદાર કર્યું હોવાથી તેઓને કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવામાં આવ્યું હતું બાદમાં ભોળાભાઈ ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપમાં પુરતુ માન ન મળ્યું હોવાના કારણે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. હાલ તેઓ કોંગ્રેસ પક્ષ સાથે છે પરંતુ જસદણ વિધાનસભા બેઠક પર ચુંટણી લડવા માટે તેઓને ટીકીટ મળે તેવી શકયતા ન જણાતા તેઓ કુંવરજીભાઈની સાથે રહીને ભાજપને મદદરૂપ બની રહ્યા હોય તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.