Abtak Media Google News

પીજીવીસીએલનો ઉલ્ટા ‘ચોર કોટવાલ કો ડાંટે’ જેવો તાલ

બિન અનુભવીએ કરેલા ‘ભ્રષ્ટ’ કામથી અનેકના જીવ પર જોખમ

ગેસ કંપનીએ લાઇન માટે ખોદકામ કરતા એક ફૂટ જ કેબલ નીકવ્યો

વીજ તંત્રે ગેસ કંપનીના કોન્ટ્રાકટરને કેબલ નુકસાનનું બિલ ફટકાર્યુ!!

શહેરમાં છ વર્ષ પહેલા નખાયેલા અંડર ગ્રાઉન્ડ કેબલ પૂરતી ઉંડાઇએ અને યોગ્ય ધારાધોરણ પ્રમાણે ફીટ કરાયા ન હોવાથી જમીનમાં સામાન્ય ખોદકામ વખતે પણ મોટા જાનહાની થવાની દહેશન છે. તાજેતરમાં ગેસ કંપની દ્વારા ખોદકામ વેળાએ મોટી દુર્ધટના થતા અટકી હતી જો કે બે કલાક વીજપુરવઠો બંધ રહયો હતો.

જામનગર પી.જી.વી.સી.એલ. અવારનવાર થતા ભ્રષ્ટાચારથી ઘેરાયેલું છે. તેના જવાબદાર ફકત ભ્રષ્ટાચારી અધિકારીઓ જ છે. લગભગ ૬ વર્ષ પહેલા ૧૧ કે.વી. અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરૂ થયું હતું તે અરસામાં તે સમયના નાયબ ઇજનેર (ટેક) દ્વારા પી.જી.વી.સી.એલ.ની ટેન્ડર ફાળવવાથી સામાન્ય શરતો અને શેડયુલ બીને ધ્યાને લીધા વગર જ બિન અનુભવી કોન્ટ્રાકટરોને ટેન્ડર ફાળવી દઇ વર્ક ઓર્ડરો આપી કરોડો રૂપિયાનું નુકશાન કરાયું હતું.

આ સમયે સામાજિક કાર્યકર અને આર.ટી.આઇ. કર્તા કલ્પેશ આશાણી દ્વારા આ અંગે માહિતી મેળવતા નિયમો પ્રમાણે કાર્ય ન થતું હોવાથી તે સમયના અધિક્ષક ઇજનેર, કાર્ય૫ાલર ઇજનેર, એચ.ટી. સબ ડીવીઝનના નાયબ ઇજનેરને લેખિતમાં પ્રજા હિત અને નિયમ મુજબ કામ થાય તે અંગે અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ આ અંગે કોઇએ ધ્યાન ન દઇ કોન્ટ્રાકટર દ્વારા મિલીભગતથી આરએપીડીઆરપી પ્રોજેકટના કેબલ કામમાં ચૂનો લગાડી દીધો હતો.

તા.૨૯-૯-૨૦ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની લાઇનનું ખોદકામ કરતા લગભગ ૧ ફૂટ ઊંડો ૧૧ કે.વી. કેબલ નીકળી પડ્યો હતો આ કેબલ જમીન સમતળથી ઉંડાઇ ૧૨૦૦ એમ.એમ. પહોળાઇ ૪૫૦ એમ.એમ. રહે તે રીતે કેબલ ટ્રેન્ચ ખોદી જમીન સમતળ બનાવી કાંકરા, પાણી વગેરે દૂર કરી ૫૦ એમ.એમ. ઝાડી ચાળેલી રેતીનું થર બનાવી કામમાં જરૂરી ટ્રેન્ચ માટેનું ખોદાણ ઇંટો, રેતી તથા ૬ ઇંચ ડાયામીટર, ૧ મીટર લંબાઇ તથા ૧ ઇંચ જાડાઇના સિમેન્ટ કોન્ક્રીટના અડધીયા મુકવાના હોય છે.

આખા કેબલ રૂટ ઉપર દર ૧૦૦ મીટરના અંતરે માર્કર બનાવવાના, માર્કર કાસ્ટ આર્યનના ૬ ઇંચ ડાયામીટરના લગાડવાના તેમજ આ કેબલની દિશા સૂચન કેલબની ઉંડાઇ વગેરે વિગતો દર્શાવવાની હોય છે પરંતુ આ જગ્યાએ આવા કોઇ દિશા સૂચનો ન હોય અને લગભગ એક ફૂટ ઊડો ખાડો માંડ ખોલ્યો હશે ત્યાજ ત્રિકમનો ઘા આ કેબલ ઉપર પડતા મોટી જાનહાની અટકી ગઇ હતી. ખાડો ખોદી કામ કરતા મજૂરનો જીવ માંડ બચ્યો હતો. પરંતુઆ ફીડર ટ્રીપ થતા લગભગ બે કલાક જેટલો સમય પાવર બંધ રહ્યો હતો અને આ ફીડરમાં આવતા તમામ ગ્રાહકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. આ અંગે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્ર્વેતા મેડમ ટીઓટીયા અને અધિક્ષક ઇજનેરને ઉદેશી કલ્પેશ આશાણી દ્વારા અનેક સંદર્ભો ટાંકી કેબલ કામમાં ગેરરીતિ થઇ હોવાની રજૂઆત અને ચકાસણી કરવા પડકાર ફેકવામાં આવ્યો હતો.

પરંતુ ઉલટું ચોર કોટવાલને ડાંટે તેવી પરિસ્થિતિ ઉભી થઇ કે એચ.ટી. સબ ડીવીઝનમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડી.ડી. મારું દ્વારા ગુજરાત ગેસ લીમીટેડના કોન્ટ્રાકટરને રૂ.૧૫,૩૭૫નું કેબલ ડેમેજનું કવોટેશન આપી ૭ દિવસમાં રૂપિયા ભરવા જણાવી દેવાયુ હતું.

આ અંગે ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલ એચ.ટી. સબ ડીવીઝનના નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર તેમજ સુપરવાઇઝર દ્વારા કેબલ કામમાં થયેલ ગેરગીતી ધ્યાનમાં શા માટે નથી આવતી?

ભવિષ્યમાં પણ આવા અકસ્માતો સર્જાવાની ભીતી છે. અને ખોદકામ કરતા અનેક મજૂરોના જીવ જાય તેમ છે તે અંગે પી.જી.વી.સી.એલ.ના અધિકારી એસ.આર. રાડા દ્વારા આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરી અગાઉ કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી જે તે સમયના અધિકારીઓ પાસેથી પી.જી.વી.સી.એલ.ને કેબલ કામમાં થયેલ નુકશાન વસુલવું જોઇએ તેવી જાહેર હિતમાં કલ્પેશ આશાણીએ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.