Abtak Media Google News

લોટ, પાણી અને લાકડા જેવો તાલ સર્જી પાયાથી ધાબો ભરાયો ત્યાં સુધી કોન્ટ્રાકટરે આખરે મનમાની ચલાવી : કોઈપણ કામ એસ્ટીમેટ મુજબનું ન થતું હોવાનો આક્ષેપ

હળવદના સુંદરગઢ ગામને આરોગ્યની સવલત મળી રહે તે માટે સબ સેન્ટર મંજુર કરવામાં આવ્યું છે પરંતુ સબ સેન્ટરના નિર્માણનું કામ છેલ્લા ત્રણ માસથી ચાલી રહ્યું છે અને આ કામ એસ્ટીમેટ મુજબનું ન થતું હોવાનો ગામના સરપંચે કોન્ટ્રાકટરને જણાવતા કોન્ટ્રાકટરે આખરે પોતાની મનમાની ચલાવી કામ પૂર્ણતાના આરે લાવી દીધો હતો જયારે આજે સરપંચે કામ બાબતે પિતો ગુમાવતા કામ અટકાવી દીધું હતુ અને જયાં સુધી ગુણવતાયુકત કામગીરી ન થાય ત્યાં સુધી બંધ રાખવા કોન્ટ્રાકટરને સુચના આપી હતી.

તાલુકાના વિવિધ ગામડાઓમાં લોકોને સ્વાસ્થ્યની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા હેતુ સાથે રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આરોગ્યના સબ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં તાલુકાના સુંદરગઢ ગામે નિર્માણ થઈ રહેલા દવાખાનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર થતો હોવાનો સરપંચ દ્વારા જણાવાયું હતું. જેમાં સરપંચ રસીલાબેન વજુભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બનતા દવાખાનાનું કામ ધારાધોરણ પ્રમાણે બનતું નથી. જેમાં માટી વાળી રેતી, હલકી ગુણવતાની સિમેન્ટ તેમજ યોગ્ય માપસાઈઝ, લોખંડ અન્યથા પાયાનું ખોદકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. તેમજ અગાઉ પણ બે બીમની નબળી કામગીરી હોવાથી તેને તોડી પાડવાની સુચના આપી હતી, આ એજન્સીને ગુણવતાયુકત કામ કરવા માટે અવારનવાર જાણ કર્યા છતાંય કામગીરી કરવાના બદલે કામ પૂર્ણતાના આરે લાવી દઈ મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનો ધગધગતો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે આક્ષેપો અંગે આર.કે. કન્ટ્રકશનના શૈલેષભાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કામ એસ્ટીમેટ મુજબનું થતું હોવાનું રટણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો પાસેથી મળતી માહિતી મુજબ આર.કે.કન્ટ્રકશન દ્વારા તાલુકાના અન્ય ગામોમાં પણ સબ સેન્ટર બનાવ્યા હોય જેમાં પણ ગેરરીતિ થયાની ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે યોગ્ય તપાસ કરી આવી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરી દેવી જાઈએ તેવી માંગ સરપંચે ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.