ઓરેન્જ એલર્ટમાં હિટવેવથી બચવા કોર્પોરેશન દ્વારા ૩-Pનો ક્ધસેપ્ટ

78

પ્રોટેકશન (રક્ષણ), પ્રિકોશન (સાવચેતી) અને પ્લેન્ટી ફલુઈડ (વધુ પ્રવાહી) પર ભાર મુકવા મહાપાલિકાની ગાઈડલાઈન

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ દિવસ દરમિયાન શહેરમાં તાપમાનનો પારો ૪૩.૩ ડિગ્રીથી લઈ ૪૫ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે તેવી સંભાવના છે. આવામાં શહેરીજનોને હિટવેવથી બચવા માટે કોર્પોરેશન દ્વારા ૩-પીનો ક્ધસેપ્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રોટેકશન (રક્ષણ), પ્રિકોશન (સાવચેતી) અને પ્લેટી ફલુઈડ (વધુ પ્રવાહી) પર ભાર મુકવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઓરેન્જ એલર્ટમાં હિટવેવથી બચવા મહાપાલિકા દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ૩-પીનો ક્ધસેપ્ટ લાવવામાં આવ્યો છે. પ્રથમ પીમાં પ્રોટેકશન અર્થાત રક્ષણમાં દિવસ દરમિયાન અનિવાર્ય સંજોગો સીવાય અને ખાસ કરીને બપોરે ૨ થી ૪ દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું, સુતરાઉ આછા કલવરવાળા અને પહોળા કપડા પહેરવા, બહાર નીકળવાનું થાય ત્યારે ગોગલ્સ, છત્રી અને સન સ્ક્રીમ લોશનનો ઉપયોગ કરવો અને બહાર જતી વખતે પીવાના પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી. બીજા પીમાં પ્રોટેકશન એટલે સાવચેતીમાં સગર્ભા મહિલા, નાના બાળકો, વૃદ્ધો, મેદસ્વી લોકો અને લાંબી બીમારીથી પીડાતા લોકોએ ખાસ તકેદારી રાખવી, અશકત હૃદય, કીડની અને કેન્સર જેવા દર્દીઓએ હિટવેવમાં તકેદારી રાખવી વધારે શ્રમ પડે તેવા કામ કરવા નહીં, દિવસ દરમિયાન શ્રમિકો તથા સતત તડકામાં કામ કરતા લોકોને થોડા થોડા સમયે છાંયડો તથા ઠંડકવાળી જગ્યાએ આરામ કરાવવો, કામ કાજના સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા રાખવી, દિવસ દરમિયાન બંધ વાહનોમાં મુસાફરી કરવી ટાળવી, ઘરમાં સ્ત્રીઓએ બપોરની રસોઈ બનાવવાનો સમય વહેલો કરી નાખવો અને રસોઈ બનાવતી વેળાએ હવાની અવર-જવર રહે તે તેવી વ્યવસ્થા રાખવી, ચા-કોફી કે અન્ય કેફી પીણાનો ઉપયોગ ટાળવો, દૂધ તથા માવાની મીઠાઈનો ઉપયોગ કરવો નહીં, વાસી તળેલા અને વધુ પ્રોટીનવાળો ખોરાક લેવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું.

ત્રીજા પીમાં પ્લેન્ટી ફલુઈડ (વધુ પ્રવાહી) જેમાં શરીરમાં ગરમીના કારણે ડીહાઈડ્રેશન થતું રોકવા પુષ્કળ પ્રમાણમાં પાણી લેવું, દિવસ દરમિયાન તરસ લાગે તેનાથી વધુ શુદ્ધ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું, શરીરને ઠંડક આપે તેવા પીણા જેવા કે છાંસ, સીકંજી, લીબુ સરબત, વરીયાળી સરબત અથવા નાળીયેર પાણીનો ઉપયોગ કરવો, તરબુચ, સકકર ટેટી, મોસંબી, સંતરા, દ્રાશ જેવા જયુસી એટલે કે રસવાળા ફળનો ઉપયોગ કરવો, લુ લાગવાના ચિન્હો જણાય તો ઓઆરએસ લેવું, આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાઈ તેવી પ્રબળ સંભાવના જણાય રહી હોય લોકોને સાવચેતી રાખવા મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Loading...