Abtak Media Google News

ભાજપ તરફી ઝુકાવ ધરાવતા નીતિન રામાણીને ૭ દિવસમાં ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસની તાકીદ

છેલ્લા ઘણા સમયથી વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નિતીનભાઈ રામાણીનો ઝુકાવ ભાજપ તરફી થઈ ગયો છે. પક્ષ દ્વારા અપાતા વ્હીપનો વારંવાર અનાદર કરવામાં આવે છે અને ભાજપના કાર્યક્રમોમાં સતત હાજરી આપતા હોવાનો ધગધગતો રીપોર્ટ તાજેતરમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ કરતા કોર્પોરેટર નિતીન રામાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શો-કોઝ નોટિસ ફટકારી સાત દિવસમાં પોતાના વર્તન અંગે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિજયભાઈ દવે દ્વારા આપવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, તમે મહાપાલિકામાં વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના નિશાન પરથી ચુંટાયેલા સભ્યો છે. તા.૨૦/૯/૨૦૧૮ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત વિરુઘ્ધ મતદાન કરવા માટે લેખિતમાં વ્હીપ આપવામાં આવી હોવા છતાં તમે સ્ટેન્ડિંગમાં ગેરહાજર રહી પક્ષના આદેશોનો ભંગ કર્યો છે આટલું જ નહીં અવાર-નવાર પક્ષને નુકસાની થાય તે રીતે વર્તન કરવામાં આવતું હોય જે બરાબર નથી. કોંગ્રેસ પક્ષને નુકસાન કરતું વર્તન સુધારવું પડશે અથવા શિસ્તમાં રહેવું પડશે. જો આવું જ વર્તન રાખવામાં આવશે તો શિસ્તબઘ્ધના પગલા લેવામાં આવશે.

આગામી દિવસોમાં કોર્પોરેટર નિતીન રામાણી કેવું વર્તન રાખવા માંગે છે તેનો લેખિતમાં ૭ દિવસમાં ખુલાસો પ્રદેશ કોંગ્રેસ સમિતીને મોકલી આપવા જણાવાયું છે જો ખુલાસો કરવામાં નહીં આવે તો શિસ્તમાં રહેવાની તેઓની તૈયારી નથી તેમ માની પ્રદેશ દ્વારા પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.