Abtak Media Google News

કાલે  વોર્ડ નં.૮,૧૧ અને ૧૩માં પાણી વિતરણ બંધ

મેઘરાજા ગમે તેટલી મહેર કરે પરંતુ મહાપાલિકાની અણઆવડત ના કારણે જાણે રાજકોટવાસીઓના નસીબમાં પાણીનું સુખ લખાયું જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણી હિલોળા લઈ રહ્યું છે છતાં ભર શિયાળે રાજકોટવાસીઓ પર પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આવતીકાલે ગુરૂવારે શહેરના ૩ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવું સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે.

મહાપાલિકાની વોટર વર્કસ શાખાના એડિશ્નલ સિટી એન્જીનીયરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વોટર વર્કસ શાખા હસ્તકના ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન પર જીએસઆરની સફાઈ કામગીરી હાથ ધરવાની હોવાના કારણે તા.૨૬ને ગુરૂવારના રોજ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ મનમુકીને મહેર કરી હતી. શહેરની જળ જરૂરીયાત સંતોષતા મોટાભાગના જળાશયો ૩ થી ૪ વખત ઓવરફલો થયા હતા અને આજની તારીખે તમામ જળાશયો છલોછલ ભરેલા હોવા છતાં મહાપાલિકાની અણઆવડત ના કારણે શહેરીજનોને દૈનિક ૨૦ મીનીટના પાણી નસીબ થતું નથી. ટેકનીકલ કે મિકેનીકલ ફોલ્ટ, લાઈન જોડાણ કે, ઈએસઆર, જીએસઆરની સફાઈના બહાના તળે એક યા બીજી રીતે શહેરીજનો પર પાણી કાંપ લાદી દેવામાં આવે છે. હાલ શિયાળાની સીઝન જળ વપરાશ ઘટ્યો છે ત્યારે મહાપાલિકાએ પાણીના ટાંકાની સફાઈનું બહાનું આગળ ધરી કાલે ત્રણ વોર્ડમાં પાણી કાપ લાદી દીધો છે. કાલે ત્રણ વોર્ડના હજ્જારો લોકો પાણી વિના ટળવળશે.

આગામી દિવસોમાં પણ ઈએસઆર, જીએસઆરની સફાઈ કામગીરીના રૂપકડા બહાના તળે પાણી કાપના કોરડા વિઝવાનું સતત ચાલુ જ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.