Abtak Media Google News

પનીર અને હિંગનો નમુનો ફેઈલ જતા વેપારીઓને ૬૫ હજારનો દંડ: ૮૩ રેકડીઓમાં ચેકિંગ, ૬૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

4 6

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં પીઝા પાર્લરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૧૪ નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લુઝ પનીર અને હિંગનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર થતા વેપારીઓને રૂા.૬૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા યુનિવર્સિટી રોડ પર વિલિયમ ઝોન પીઝામાંથી લુઝ મોઝરેલા ચીઝ, લુઝ સેઝવાન સોર્સ, કાલાવડ રોડ પર યુ.એસ. પીઝામાંથી લુઝ પીઝા સોર્સ અને બ્લેન્ડેડ ચીઝ, રામકૃષ્ણનગર મેઈન રોડ પર લાપીનોઝ પીઝામાંથી પીઝા સોર્સ અને લુઝ મોઝરેલા ચીઝ, રેસકોર્સ પ્લાઝામાં સબ-વે માંથી ડોકટર એટકર ફન ફુડ બ્રાન્ડ સોર્સ અને સિડેન મોઝરીલા ચીઝ, કાલાવડ રોડ પર નેપલ્સ પીઝામાંથી મોઝરેલા ચીઝ અને સોર્સ, ડોમીનોઝ પીઝામાંથી સોર્સ, રિલાયન્સ મોલની સામે પીઝા ઝોનમાંથી મોઝરેલા ચેડાર મીકસ ચીઝ, ડોમીનોઝમાંથી મોઝરેલા ચીઝ, બીગબજારની બાજુમાં નેપલ્સ ફુડમાંથી ઓલબી ચીઝનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય શાખા દ્વારા શહેરનાં લાખાજીરાજ રોડ પર ક્રિમી સેન્ટરમાં ભાવેશભાઈ હરેશભાઈ જાગલાણીને ત્યાંથી લુઝ પનીરનો અને ભાવનગર રોડ પર ખાતર અમીચંદ ભગવાનજીને ત્યાંથી સાયકલ બ્રાન્ડ હિંગનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં પનીરનો નમુનો સબસ્ટાન્ડર્ડ અને હિંગનો નમુનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા અનુક્રમે રૂા.૫૦ હજાર તથા ૧૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. રાત્રી બજારમાં ચેકિંગ અંતર્ગત કાલાવડ રોડ પર પ્રેમ મંદિર હોકર્સ ઝોનમાં ૩૩ રેકડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે ૧૭ રેકડી, ઢેબર રોડ, ટાગોર રોડ પર ૧૬ રેકડી અને કાલાવડ રોડ, કુવાડવા રોડ તથા અક્ષરમાર્ગ પર ૧૭ સહિત કુલ ૮૩ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૬૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.