Abtak Media Google News

બિન આરોગ્યપ્રદ સ્થિતિ અંગે નોટિસ ફટકારાઈ: થેપલાનું સેમ્પલ લેવાયું: ૭૫૦ થેપલાના પેકેટ, ૨૦ કિલો લીલી ચટણી અને ૨૫ લાલ ચટણીનો નાશ

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં શિવમ સ્નેકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્યના તમામ નિયમોની ઐસી તૈસી કરનાર શિવમ થેપલાનું પ્રોડકશન બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે બિન આરોગ્યપ્રદ સ્થિતિ મામલે નોટિસ ફટકારી થપલાનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં અંકિતભાઈ ગમઢા અને કેવીનભાઈ દલસાણીયાની માલીકીના શિવમ સ્નેકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં થેપલા અને ચટણીનું પેકિંગ કરી તેનું વેચાણ કરવામાં આવે છે. પ્રતિદિન ૭૦૦ થી ૮૦૦ પેકિંગ થેપલાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. અહીં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમોનું પાલન થતું ન હતું. થેપલાનું બનાવી છાપાની રદ્દીમાં રાખવામાં આવતા હતા. જેના કારણે કેમીકલ થેપલામાં ભળી જતું હતું. જે પ્લાસ્ટીકમાં થેપલા અને ચટણી પેક કરવામાં આવે છે તે પ્લાસ્ટીક ફૂડ ગ્રેડનું ન હતું. આ ઉપરાંત પેકિંગના પ્લાસ્ટીકનું પરિક્ષણ કે સર્ટીફીકેટ ન હોવા છતાં પ્લાસ્ટીક યુએસ ફૂડ ડ્રગ્સ એન્ડ એડમીનીસ્ટ્રેશન માન્યતા પ્રાપ્ત હોવાનું દર્શાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા.થેપલામાં પામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં સેટેરીટ હેડ હોવા છતાં કોલેસ્ટ્રોલ ફ્રી દર્શાવવામાં આવે છે. કોઈપણ પરિક્ષણ કે સર્ટીફીકેટની વિગત વગર થેપલાનું ઉપયોગ પાંચ માસ સુધી કરી શકાશે તેવું પેકિંગ પર લખવામાં આવતું હતું. આટલું જ નહીં ઉત્પાદન કેન્દ્રમાં પણ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. ચેકિંગ દરમિયાન થેપલાના ૭૫૦ નંગ એટલે કે આશરે ૧૫૫ કિલો થેપલા, ૨૦ કિલો લીલી ચટણી, ૨૫ કિલો લાલ ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. થેપલાનું સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. અને બીજી સુચના ન મળે ત્યાં સુધી ઉત્પાદન બંધ રાખવા તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.