Abtak Media Google News

આવક ‘ડાઉન’ વિકાસ લોક’ !

માર્ચથી લોકડાઉન આવતા ગત નાણાકિય વર્ષમાં પણ ટેકસની આવકમાં ૫૪ કરોડનું તોતીંગ ગાબડુ: આ વર્ષે ટેકસ રિબેટમાં પણ ધારી આવક નહીં

ખર્ચ અને આવકનો ટાંગામેળ કરવા જમીન વેચવા કાઢવી પડશે: જમીનનાં પણ ધાર્યા ભાવ ન ઉપજે તેવી દહેશત

રાજય સરકારની તિજોરી પણ તળીયાઝાટક હોય આ વર્ષે વિકાસ કામો માટે પુરતી ગ્રાન્ટ આપશે કે કેમ તેની સામે પણ શંકા

વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં કારણે દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે. ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ છે જેના કારણે કેન્દ્ર અને રાજય સરકારની તિજોરીઓ તળીયાઝાટક થઈ ગઈ છે. બીજી તરફ કોરોના સામે લડવા માટે સરકાર પાણીની જેમ પૈસા ખર્ચી રહી છે. લોકડાઉનનાં કારણે રાજકોટ મહાનગરપાલિકા પણ હાલ ભયંકર આર્થિક સંકળામણ અનુભવી રહી છે. મહાપાલિકા નાં ચુંટણી વર્ષમાં હવે રાજકોટનો વિકાસ સંપૂર્ણપણે સરકાર નિર્ભર થઈ ગયો છે. અગાઉ પણ આવકની દ્રષ્ટિએ મહાપાલિકા આત્મનિર્ભર ન હતી. એવામાં કોરોનાએ આવક મહદઅંશે ડાઉન કરી દીધી છે જેના કારણે વિકાસ ધીમે-ધીમે લોક થઈ રહ્યો છે. હાલ જે પ્રોજેકટ ચાલી રહ્યા છે તેના નાણા ચુકવવામાં પણ મહાપાલિકાનાં મોઢે ફીણ આવી રહ્યા છે. બજેટમાં મુકવામાં આવેલા નવા પ્રોજેકટ શ‚થશેકેકેમ? તેની સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.

ગત ૨૫મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં કોરોનાને વકરતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ ચોથા તબકકાનું લોકડાઉન ચાલી રહ્યું છે. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં મહાપાલિકાએ ટેકસનો ટાર્ગેટ ‚રૂ ૨૪૫ કરોડ રાખ્યો હતો જેની સામે ૩૧ માર્ચ સુધીમાં માંડ ૧૯૧ કરોડની આવક થવા પામી હતી. આમ ગત વર્ષે ટેકસની આવકમાં ૫૪ કરોડનું તોતીંગ ગાબડુ પડયું હતું. હાલ વેરા વળતર યોજના ચાલી રહી છે પરંતુ તેમાં પણ ધારી સફળતા મળતી નથી. દોઢ મહિનાથી પણ વધુ સમયગાળો વિતી ગયો હોવા છતાં ટેકસ પેટે માત્ર ૩૨ કરોડની આવક થવા પામી છે. આ વર્ષે આપવામાં આવેલા રૂ ૨૬૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવી કોઈ જ શકયતા દેખાતી નથી. ટેકસની આવકમાંથી કર્મચારીઓનાં પગાર ખર્ચ પણ નીકળતા નથી. આવામાં મહાપાલિકા વિકાસ મામલે સંપૂર્ણપણે રાજય અને કેન્દ્ર સરકાર પર નિર્ભર છે. આ વર્ષે કોરોના અને લોકડાઉનનાં કારણે કેન્દ્ર અને રાજયની તિજોરીઓ પણ તળીયા ઝાટક થઈ ગઈ છે. બીજી તરફ કોરોના સામેની લડત માટે મહાપાલિકાએ પણ કરોડો રૂ‚પિયાનો ખર્ચ કરવો પડયો છે હવે વિકાસ વેન્ટીલેટર ઉપર આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ ટેકસની થોડી ઘણી આવક હોવાનાં કારણે નાણા ભીડ વર્તાતી નથી પરંતુ રીબેટ યોજના પૂર્ણ થયા બાદ જયારે આવક ઘટશે ત્યારે પગારનાં પણ ફાફા પડશે તેવી દહેશત અંદરખાને પદાધિકારીઓ અને અધિકારીઓને સતાવી રહી છે.

ચાલુ વર્ષનાં અંતમાં મહાપાલિકાની સામાન્ય ચુંટણી યોજાવાની છે. આવામાં ફરી સતાસુખ હાંસલ કરવા માટે ભાજપે બજેટમાં મુકેલા વિવિધ પ્રોજેકટો ફરજીયાતપણે શરૂ ‚કરવા પડે તેવી સ્થિતિ છે પરંતુ આર્થિક સંકળામણનાં કારણે હાલ જુના ચાલી રહેલા પ્રોજેકટ પણ કેવી રીતે પુરા કરવા તે સવાલ મોઢુ ફાડીને ઉભો છે ત્યારે નવા પ્રોજેકટ શરૂ ‚કરવાની વિચારણા પણ કરી શકાય તેમ નથી. આવક અને ખર્ચનો ટાંગામેળ કરવા માટે હવે એકમાત્ર વિકલ્પ જમીન વેચાણનો રહ્યો છે. જમીનનો અપસેટ ભાવ જે નકકી કરવામાં આવે તેટલી ઉપજ થશે કે કેમ તે પણ એક જવાબ માંગી લેતો સવાલ છે. કારણકે હાલ લોકડાઉન પછીની પરિસ્થિતિમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહામંદી આવે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે જો જમીન વેચાણથી ધારી આવક ન થાય તો શું કરવું તેની ચિંતા પણ મહાપાલિકાને કોરી ખાઈ રહી છે.

હાલ તંત્ર કોરોના સામે લડી રહ્યું છે આ ઉપાધિ પડશે ત્યાં નવી ચિંતા સામે ઉભી હશે. ટેકસનાં વર્ષો જુના બાકી લેણા વસુલવા માટે વ્યાજમાફી યોજના પણ મુકવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી પરંતુ આ બધી વાત હાલ જો અને તો ના સમીકરણો વચ્ચે રમી રહી છે. આર્થિક સંકળામણમાંથી ઉગરવા માટે અને વિકાસ કામોને વેગ આપવા માટે હવે સંપૂર્ણપણે રાજય સરકાર પર નિર્ભર રહેવું પડશે જો સરકાર ગ્રાન્ટ નહીં ફાળવે તો વિકાસ લોક થઈ જાય તેવી દહેશત પણ સતાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.