Abtak Media Google News

જીપીએમસી એક્ટની કલમ ૪૫૫ (૧) હેઠળ મળેલી સત્તા અંતર્ગત રાજ્ય સરકારે કર્યો નિર્ણય

રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૧મી મે સુધીની છુટ આપવામાં આવી છે. હાલ કોરોના વાયરસના પગલે માનવ સમૂહ એકત્ર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત આજે મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીપીએમસી એક્ટ મુજબ દરેક મહાનગરપાલિકાએ દર બે મહિને જનરલ બોર્ડની બેઠક અને દર મહિને સ્ટેન્ડિંગ કમીટીની બેઠક ફરજિયાત બોલાવવાની રહે છે. રાજકોટ મહાનગરપાલિકાએ આગામી ૨૦મી એપ્રિલ સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવી પડે તેમ હોય હાલ કોરોના વાયરસના પગલે વડાપ્રધાન દ્વારા ૧૪મી એપ્રીલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ પણ મોટા સમૂહમાં વ્યક્તિઓ એકત્રીત ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં ૭૧ કોર્પોરેટરો, અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટા પ્રમાણમાં માનવ સમૂહ એકત્રીત થતું હોય આ માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે જનરલ બોર્ડ યોજવું કે નહીં તે અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.

દરમિયાન શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી છે કે, જીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૪૫૫ (૧) હેઠળ રાજ્ય સરકારને મળેલી સત્તા અનવયે જનરલ બોર્ડની બેઠક ૩૧મી મે સુધીમાં મહાપાલિકા ગમે ત્યારે યોજી શકશે તેવી છુટછાટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કલમ અંતર્ગત કોઈ ખાસ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જનરલ બોર્ડની બેઠક કે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક નિયમ અનુસાર સમય મર્યાદામાં ન યોજી શકાય તો ખાસ પ્રકારની છુટછાટ આપવામાં આવતી હોય છે. રાજકોટ સહિત રાજ્યભરની તમામ મહાપાલિકાઓને જનરલ બોર્ડ યોજવા માટે ૩૧મી મે સુધીના છુટછાટ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં જનરલ બોર્ડ જેટલો માનવ સમૂહ એકત્ર થતો ન હોય જો જ‚ર પડશે તો માત્ર કોરમ પુરતી જ બેઠક યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.