કોર્પોરેશનને કોરોના વેકિસનના ૧૬૫૦૦ ડોઝ ફાળવાયા: ઢોલ વગાડી, મીઠાઈઓ વહેંચાઇ

મનુબેન ઢેબર સેનેટોરીયમ ખાતે વેકિસનનો જથ્થો રાખવામાં આવ્યો:૧૬થી પ્રથમ તબક્કે હેલ્થ વર્કરોને વેકિસન આપશે

આગામી ૧૬મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સિનના મહાઅભિયાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.ત્યારે આજે વહેલી સવારે કોરોના વેકસીનના ૭૭ હજાર ડોઝનું રાજકોટમાં આગમન થઈ શક્યું છે.તમામને રિજિયોનલ વેકસીન સ્ટોરમાં રાખવામાં આવ્યા છે.દરમિયાન બપોરે કોર્પોરેશનને વેકસીનના ૧૬૫૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. ઢોલ-નગારાની આતશબાજી કુમકુમ તિલક અને મીઠાઈઓ વહેંચી વેક્સિનના જથ્થાને આવકારવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા વેકસીનને મનુબેન ઢેબર સેનેટોરીયમ ખાતે  રાખવામાં છે.

સૌરાષ્ટ્રના અલગ અલગ ૮ જિલ્લાઓને કોરોનાની વેક્સિન ફાળવવા માટે ૭૭ હજાર  ડોઝનો જથ્થો આજે વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ મારફત આવી પહોંચ્યો હતો.રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ આ કોરોના વેક્સિન સ્વાગત કર્યું હતું. હાલ રાજકોટ રિજિયોનલ વેકસીન સેન્ટર ખાતે આ કોરોનાની વેકસીનને રાખવામાં આવી છે.જ્યાંથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓને કોલ્ડ ચેઈન  મારફત  ફાળવવામાં આવી રહી છે. આજે ૩:૩૦ કલાકે રિજિયોનલ વેકસીન સેન્ટર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ૧૬૫૦૦  વેકસીન ડોઝનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.જે કલેકટર કચેરી પાસે આવેલા મનુબેન ઢેબર સેનેટોરીયમ વેક્સિન સ્ટોર ખાતે રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ આરોગ્ય, ડો.લલિત વાજા ,નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર કોરોના વેકસીનને આવકારી હતી.  ઢોલ નગારા વગાડી વેકસીનનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું.  વેક્સિનના બોક્સ પર કુમકુમ તિલક કરી ચોખા લગાડવામાં આવ્યા હતા.આ તકે  ખુશાલીમાં લોકોને મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી. કોરોનાના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને ઇન્ટ્રા લાઈનર રેફ્રિજરેટરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં બે લાખ ડોઝ સંગ્રહીત થઈ શકે તેમ છે.  આગામી ૧૬મી જાન્યુઆરી સવારે નવ વાગ્યાથી રાજકોટમાં અલગ અલગ ૧૦ સ્થળોએ વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવશે.પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે આ ટુ-વે કોમ્યુનીકેશન સિસ્ટમ પણ કાર્યરત રહેશે. લોન્ચિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં દરેક  ૧૦ સ્થળેથી વેક્સિનેશનની કામગીરી લાઈવ નિહાળી શકશે અને એક સ્થળે તબીબ સાથે સંવાદ પણ કરી શકશે. પી.ડી.યુ. મેડિકલ કોલેજ,પ દ્માકુવરબા હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, વોકાર્ડ હોસ્પિટલ અને મહાનગરપાલિકાના અલગ-અલગ છ આરોગ્ય કેન્દ્ર ખાતેથી વેક્સિનેશનનો આરંભ કરવામાં આવશે. દરેક આરોગ્ય કેન્દ્ર પર પ્રતિદિન વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓને વેકસીન  આપી શકાશે. એટલે એક દિવસમાં વધુમાં વધુ એક હજાર લોકોને વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે.જોકે મહાપાલિકા દ્વારા વેક્સિનેશન માટે કુલ ૧૫૫ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.જો કોરોના વેક્સિન જથ્થો પુરતા પ્રમાણમાં ફાળવવામાં આવે તો દસ દિવસમાં રાજકોટમાં તમામ લોકોને કોરોનાની વેક્સિન આપી શકાય તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.૧૬મી પ્રથમ વેક્સિન કોને આપવી તેનું નામની ઘોષણા મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

Loading...