Abtak Media Google News

સમરસ હોસ્ટેલમાંથી અન્ય બિમારી ધરાવતાં વયોવૃદ્ધ કોરોનાના દર્દીઓ ગંભીર હાલતમાંથી સુખરૂપ સાજા થઈ સ્વગૃહે પહોંચ્યા

“કોરોના વોરિયર, વંદે માતરમ, દર્દી પ્રત્યેની કરુણા આપની સેવા, લાગણી, હૃદયને ભીંજવી ગઈ. અમારા સ્વજનની બીમારીથી અમે ચિતામાં હતા. પરંતુ આપ જેવા ડોક્ટર્સ, નર્સ બહેનો ભાઈઓ “માનવ સેવા પરમો ધર્મ માની આપની સેવાઓ દ્વારા અમારા સ્વજનને નવજીવન બક્ષ્યું છે, આપને ઉત્તમ કાર્યનિષ્ઠાને હૃદયી પ્રણામ કરું છું પ્રશસ્તિપત્રના માધ્યમથી વ્યક્ત થયેલા આ વિચારો છે સમરસ હોસ્ટેલમાંથી જૈફ વયે કોરોનાને મ્હાત આપી પૂન: સ્વગૃહે પરત જઈ રહેલા દર્દીના સ્વજન પાર્થ સોલંકીના.

સમરસની સારવાર વિશે વાત કરતા પાર્થભાઈ કહે છે કે, “મમ્મીને કોરોના થતા અમને સતત તેમના સ્વાસ્થ્ય અંગે ટેન્શન રહેતું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલ અને સમરસના ડોકટરોની ઉત્તમ સેવા ભાવનાના કારણે મારા મમ્મી આજે હેમખેમ ઘરે પરત આવ્યા છે. અને એટલા માટે જ મે તેમના ઉત્તમ કાર્યને પ્રશસ્તિપત્ર આપીને બિરદાવ્યું છે.

655

પાર્થભાઈના માતાની જેમ જ સમરસ હોસ્ટેલ ખાતેથી કોરોના મૂક્ત બનેલા અને શ્વાસની તકલીફ ધરાવતાં ૭૦ વર્ષીય ભાનુબેન જણાવે છે કે, ” મને અચાનક શ્વાસની તકલીફ થવા લાગી એટલે હું તુરંત રાજકોટ સિવિલમાં ટેસ્ટ કરાવવા ગઈ ત્યા રિપોર્ટ પોઝિટિવ આવતા મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એ વખતે મારી ઓકિસજનની માત્રા ૫૦ ટકા જ હતી. એટલે મને ૧૦ દિવસ સુધી વેન્ટીલેટરમાં રાખવામાં આવી હતી, ત્યાં કાર્યરત ડોકટરોએ મારી શ્વાસની તકલીફ નિવારવા માટે મને સઘન સારવાર આપી, ૧૨ દિવસની સારવાર બાદ મારી શ્વાસની તકલીફ દૂર થતાં મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી ત્યાં પણ ૧૪ દિવસ સુધી સ્થાનિક ડોક્ટરોએ મારી ખુબ જ સારી સારવાર કરી.” તો ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની બીમારી ધરાવતા ૭૫ વર્ષીય મેઘજીભાઈ જણાવે છે કે , સિવીલ અને સમરસના ડોકટરોની સખત મહેનતના પરિણામે આજે હું સાજો ઈને ઘરે જાઉ છું. સિવિલમાં ૫ દિવસ સુધી સારવાર આપીને મારુ ડાયાબિટીસ ડોકટરોએ કંટ્રોલ કર્યું, ત્યારબાદ મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ૬ દિવસની સારવાર દરમિયાન ડોકટરોએ મારુ આત્મબળ મજબૂત બનાવ્યું. ત્યાં કાર્યરત તબીબી નર્સિંગ સ્ટાફના સારવાર માટેના આગ પ્રયાસોને મેં મારી નજરે જોયા છે અને તેના જ કારણે આજે હું કોરોના મુક્ત થયો છું.

આ તકે સમરસ હોસ્ટેલના નોડલ ઓફિસર ડો. મેહુલભાઈ પરમાર જણાવે છે કે,”કોરોનાથી ડરવાની જરૂર નથી જો આટલી ગંભીર બીમારી ધરાવતા વયોવૃદ્ધ દર્દીઓ પણ કોરોનામુક્ત થઇ શકતા હોય તો અન્ય સંક્રમિત વ્યક્તિઓ તો અવશ્ય કોરોનામુક્ત થઇ જ શકે, અમે અહીંયા દરેક દર્દીઓની સેવા માટે ખડે પગે કાર્યરત છીએ.અને કોરોનામુક્ત થયા બાદ સ્વાસ્થ્ય થતા દર્દીઓ તેમના સ્વગૃહે પરત ફરે છે તે અમારે માટે ગર્વની વાત છે.

આમ, સમરસ હોસ્ટેલના આરોગ્યકર્મીઓની સઘન સારવાર થકી ડાયાબિટીઝ,  શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે વિજય બની સ્વગૃહે પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.