Abtak Media Google News

૩૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ: જુદા-જુદા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતાનો માહોલ

અત્યાર સુધી કુલ ૮૬૪ પોઝિટિવ ૪૭૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની સાથે જ કોરોનાનું તાંડવ પણ વધી રહ્યું હોય તેમ ગઈકાલ સાંજે ૫:૦૦ વાગ્યાથી આજરોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વધુ ૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં પૂર્વ પી.આઈ હાલ આઈ.બી.માં ફરજ બજાવતા પી.આઈ એચ.એમ.ગઢવી પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે જયારે જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે પોઝીટીવ દર્દી અને ત્રણ શંકાસ્પદ દર્દીનાં મોત નિપજયા છે.આરોગ્ય તંત્ર દ્વારા એક જ દિવસમાં ૩૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૮૬૪ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે શહેરની જુદી-જુદી હોસ્પિટલોમાં ૪૭૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે લોકલ ટ્રાન્સમિશનનાં કારણે એક દિવસમાં ૪૦ થી ૪૫ જેટલા પોઝીટીવ કેસની એવરેજ છેલ્લા કેટલાક દિવસથી નોંધાઈ રહી છે ત્યારે આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રભરનાં કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે દરરોજ ૫ થી ૧૦ દર્દીઓનાં મોત નિપજતા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સદર બજારનાં વેપારી જાફરભાઈ ભારમલ (ઉ.વ.૫૭), ગોકુલધામમાં રહેતા કિશોરસિંહ જીવુભા જેઠવા (ઉ.વ.૫૬) બંને કોરોના પોઝીટીવ દર્દીઓનાં મોત નિપજયા છે. જયારે રાજકોટનાં ગીતાબેન બાબુભાઈ ડાભી (ઉ.વ.૫૦), ગાયત્રી સોસાયટીનાં સોમગીરી કાનગીરી ગોસાઈ (ઉ.વ.૮૨), સંતકબીર રોડ પર રહેતા ચમનભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ.૭૧)ને શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેઓનાં સેમ્પલનાં રીપોર્ટ મળે તે પહેલા જ ત્રણેય દર્દીઓએ સારવારમાં દમ તોડયો હતો.  રાજકોટમાં આજરોજ વધુ ૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે જેમાં ક્રાઈમ બ્રાંચનાં પૂર્વ પી.આઈ. એચ.એમ.ગઢવીનાં પરિવારનાં અને અમીપાર્ક સોસાયટીમાં રહેતા નીતાબા મધુભાઈ ગઢવી (ઉ.વ.૪૨), પૃથ્વીરાજસિંહ ગઢવી (ઉ.વ.૨૩), જયશ્રીબેન જયરાજસિંહ ગઢવી (ઉ.વ.૪૮), કૃપાબેન જયરાજસિંહ ગઢવી (ઉ.વ.૧૪) અને હિતેન્દ્ર મધુભાઈ ગઢવી (ઉ.વ.૪૧) સહિત ૫ પરીવારનાં સભ્યો કોરોનાની ઝપટે ચડયા છે. જયારે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી વધુ ૨૮ પોઝીટીવ કેસ નોંધાતા શહેરી વિસ્તારનાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૮૬૪ પર પહોંચી છે અને સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાંથી રાજકોટની હોસ્પિટલોમાં ૪૭૩ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ગોંડલની કોરોનાગ્રસ્ત સગર્ભાનું ડિલીવરી બાદ મોત

ગોંડલનાં ગુંદાળા ગામે રહેતા સગર્ભા અંકિતાબેનને બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. સગર્ભાની પરિસ્થિતિ ખુબ જ ગંભીર હોવાથી હોસ્પિટલનાં ગાયનેક વિભાગનાં તબીબો, ફિઝીશીયન અને એનેસથેસીયા સહિતનાં તબીબોએ તુરંત પ્રતિક્રિયા આપી સગર્ભાની સારવાર ચાલુ કરી હતી. અંકિતાબેને બીજા દિવસે સાંજનાં પાંચેક વાગ્યાની આસપાસ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શીશુ પણ કોરોનાગ્રસ્ત છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા અને જન્મેલું બાળક પણ ગંભીર હાલતમાં હોય જેથી ગાયનેક અને પેરામેડિકલ સ્ટાફનાં તબીબોએ બાળકની પુરતી સાવચેતી લીધી હતી પરંતુ ગઈકાલે અંકિતાબેનની તબિયત લથડતા તેઓને વેન્ટીલેટર પર સારવાર આપવાનું શરૂ કર્યું હતું પરંતુ સારવાર કારગત ન નિવડતા અંકિતાબેનનું મોત નિપજયું હતું. પીડીયુ સિવિલ હોસ્પિટલનાં તબીબો અને  સ્ટાફનાં અન્ય કર્મચારીઓ બાળકની સારસંભાળ માટે હાલ પુરતો પ્રયત્ન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.