કોરોનાનો પારો સડસડાટ નીચે !!: રિકવરી ૯૦%ને આંબી !!!

ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર વિશ્ર્વને આંટો લઈને વ્યાપક તબાહી મચાવ્યા બાદ હવે કાબુમાં આવી છે. પરંતુ આ મહામારીની આફત વીતી ગઈ છે અને હવે પાછી નહીં આવે તેવી બેદરકારી અને ગફલત કરવાની મુર્ખામી ફરીથી ભારે પડે તેવા સંકેતો વચ્ચે અત્યારે કોરોના કાબુમાં આવ્યો હોય તેમ સાપ્તાહિક ધોરણે કરવામાં આવેલા સર્વેમાં કોરોનાના કેસની ટકાવારી ઘટી રહી છે અને કોરોનાનો પારો સડસડાટ નીચે આવી રહ્યો છે. રિકવરી રેટ પણ ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે અને સરેરાશ કોરોના કાબુમાં આવી ગયો હોય તેવો માહોલ ઉભો થયો છે.

કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન ઓકટોબર ૧૯ થી ૨૫ના સાપ્તાહિક સમયગાળા દરમિયાન ભારતમાં સૌપ્રથમવાર કોરોનાના નવા સંક્રમણના કેસો ગયા વખતના ૧૯ ટકાથી ઘટીને ૧૬ ટકા સુધી નીચે ઉતરીને મૃત્યુદર પણ કાબુમાં આવ્યો છે.

ભારતમાં આ અઠવાડિયે ૩.૬ લાખ નવા કેસ નોંધાયા છે જે ૩ મહિનાના સમયગાળા દરમિયાન સૌથી ઓછા જુલાઈ મહિનાના ૩.૨ લાખ કેસો સુધી નીચે પહોંચ્યો હોવાનું સરકારી આંકડાઓમાં બતાવવામાં આવ્યું છે. કોરોનાના કેસના સાપ્તાહિક સ્થિતિમાં ઓગષ્ટ, સપ્ટેમબર અને ઓકટોબરના આંકડા જોવા જઈએ તો ઓગષ્ટ ૩૧ થી સપ્ટેમબર ૬ દરમિયાન ૫,૮૧,૨૭૫, સપ્ટેમબર ૭ થી ૧૩ ૬,૪૫,૦૧૪, સપ્ટેમબર ૧૪ થી ૨૦ ૬,૪૦,૦૧૯, સપ્ટેમબર ૨૧ થી ૨૭ ૫,૮૯,૭૧૯, સપ્ટેમબર ૨૮ થી ૪ ઓકટોબર ૫,૫૦,૫૪૫, ઓકટોબર ૫ થી ૧૧ ૪,૯૫,૬૩૯ અને ઓકટોબર ૧૨ થી ૧૮ દરમિયાન ૪,૨૯,૪૮૧ કેસો નોંધાયા હતા. આ વખતે પ્રથમવાર સાપ્તાહિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે ભારતમાં કોરોના અંગેનો વધુ એક નોંધાયેલી સ્થિતિમાં રવિવારે રીકવરી રેટ ૯૦ ટકાથી પાર થઈ ગયો હતો. ૭૧.૩ લાખ લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા હતા. અન્ય આંકડાઓમાં મૃત્યુદર પણ ૧૯ ટકા જેટલો નીચે આવ્યો હતો. આમ અઠવાડિયે ૪૪૦૦ મૃત્યુ નોંધાયા હતા. ગયા અઠવાડિયે આ આંકડો ૫૪૫૫ હતો. સપ્ટેમબર ૧૪ થી ૨૦ દરમિયાન સૌથી વધુ મૃત્યુઆંક ૮૧૮૫ નોંધાયો હતો. ગયા અઠવાડિયે નવા કેસોની સ્થિતિ ૧૩.૩ ટકા અને મૃત્યુદર ૧૫.૯ ટકા સુધી નીચે આવી શક્યો છે. રવિવારે ૪૬૧૩૫ નવા કેસો નોંધાયા હતા. દેશમાં દશેરા, દુર્ગાપૂજા દરમિયાન દિલ્હીમાં ૪૧૩૬ નવા કેસો નોંધાયા હતા.

કર્ણાટક ૮ લાખ કેસો સાથે દેશનું ત્રીજા નંબરનું ૪૪૩૯ નવા કેસો સાથે ૮,૦૨,૮૧૩ દર્દીઓ નોંધાયા હતા. ગુજરાતમાં ૯૧૯ કેસનો ઉમેરો થતાં કુલ ૧.૬૭ લાખ દર્દીઓ થયા છે. નવા કેસોમાં સુરતમાં ૨૨૭, અમદાવાદમાં ૧૭૪, વડોદરાના ૧૧૫ અને રાજકોટના ૯૭ કેસો  નોંધાયા છે. દેશમાં સૌપ્રથમવાર કોરોના રીકવરી રેટ ૯૦ ટકાએ પહોંચ્યો છે. ભારતમાં ૭૦,૭૮,૧૨૩ દર્દીઓને કોરોના મુક્ત કરવામાં સફળતા મળી છે. ૨૪ કલાકમાં ૬૨,૦૭૭ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ૫૦,૧૨૯ કેસોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રવિવારે જાહેર કરેલા આંકડામાં દેશમાં રીકવરી રેટ ૯૦ ટકાએ પહોંચ્યો છે. ૧૦ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામીલ, પં.બંગાળ, દિલ્હી, આંધ્રપ્રદેશ, યુપી, અસામ અને છત્તીસગઢમાં ૭૫ ટકા જેટલી રીકવરી નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૦,૦૦ લોકો સાજા થટા છે. મહારાષ્ટ્ર પછી કેરળમાં ૮,૦૦૦ લોકો રીકવર થયા છે. ૨૪ કલાકનો મૃત્યુદર પણ નીચે આવ્યો છે. સરેરાશ દેશમાં પરિસ્થિતિ સુધરતી દેખાય છે પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે, કોરોના તેના લક્ષણો સમય મુજબ ફેરવવામાં માહેર ગણાય છે. દેશવાસીઓ માટે કોરોના ચાલ્યો ગયો તેમ સમજીને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાથી બચવાની તકેદારી સેનેટાઈઝર, માસ્ક પહેરવું જેવી તકેદારી રાખવામાં બેદરકારી દાખવવાની મુર્ખતા ભારે પડી શકે છે. કોરોના આવી બેદરકારીનો લાભ લઈને પાછો ઉથલો મારે તેવી પુરી શકયતા છે. કોરોનાની આ બીમારીમાં સાવચેતી એ જ મોટુ શસ્ત્ર છે. કોરોનાની રસી આવવામાં છે ત્યારે અત્યારે કોરોના કાબુમાં હોય તેવું ચિત્ર ઉભુ થયું છે પરંતુ કોરોના હવે જવામાં છે તેવું માનીને બેદરકારી દાખવવી પણ મુર્ખતા ગણાશે. તાજેતરમાં જ સ્પેનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ૩૦,૦૦૦ કેસ સામે આવ્યા છે. કોરોનાની લાક્ષ્ણીકતા મુજબ આ વાયરો ગમે ત્યારે ઉથલો મારે છે. ભારતમાં પણ કોરોનાનો વાયરો ઉથલો મારવાની શકયતા રહેલી છે ત્યારે કોરોના કાબુમાં આવી ગયો તેમ સમજીને ગફલત કરવી ભારે પડી શકે છે.

Loading...