Abtak Media Google News

રવિવાર કરતા સોમવારે કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા ૧૦.૩ ટકાથી ઘટી ૭.૩ ટકા થઇ!

કોરોના મહામારીની તિવ્રતા ઘટી હોવાના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ પણ ઓછા નોંધાયા છે. ૨૦મી બાદ શહેરી વિસ્તારો સિવાયનાં વિસ્તારોમાં ઉધોગો શરૂ  કરવાની મંજુરી આપવાનો નિર્ણય લેવાતા સૌરાષ્ટ્રનું અર્થતંત્ર શ્ર્વાસ લેવા લાગ્યું છે. વર્તમાન સમયે કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. અલબત અગાઉની સરખામણીએ તિવ્રતા ઘટી ગઈ છે. હાલ તંત્ર દ્વારા વધુ પ્રમાણમાં ટેસ્ટીંગ થતું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. ગત રવિવારે સંક્રમણની ટકાવારી ૧૦ ટકા હતી જે બે દિવસમાં ઘટીને ૭.૩ ટકાએ પહોંચી ગઈ છે.

કોરોનાનાં સંક્રમણમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હીની હાલત ખરાબ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સતત કેસની સંખ્યા વધે છે. અલબત ભારતમાં વસ્તીની સામે વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. અલબત તિવ્રતા ઘટી ગઈ છે. અગાઉ દેશમાં દર ત્રણ દિવસે કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ બે ગણા થતા હતા હવે દર ૭ થી ૮ દિવસે સંક્રમણનાં કેસ બે ગણા થાય છે. એકંદરે મહામારી વચ્ચે આ સારા સમાચાર ગણી શકાય. દેશમાં કેટલાક રાજયો એવા છે જયાં હજુ સુધી કોરોનાનો પગપેસારો થયો નથી. ગુજરાતની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં હજુ કોરોનાનાં કેસ નોંધાયા નથી. સૌરાષ્ટ્રમાં ત્રણેક જિલ્લામાં એક પણ કેસ સામે આવ્યો નથી. બીજી તરફ પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લામાં દર્દીઓની રીકવરી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

રાજકોટમાં જંગલેશ્ર્વર સિવાયનાં અન્ય વિસ્તારોમાં કોરોના વાયરસની તિવ્રતા લગભગ નહિવત છે. હોટસ્પોટ વિસ્તાર સિવાય અન્ય સ્થળોએ કેસ નોંધાતા નથી. કોરોનાની મહામારીમાં રાજકોટ આસપાસનાં નગરોમાં પણ કોરોનાનો પ્રકોપ ઓછો છે. એકંદરે સૌરાષ્ટ્ર કોરોનાની મહામારી સામેના જંગમાં સમયાંતરે જીત મેળવી રહ્યું છે. રવિવાર અને સોમવારની સરખામણીએ સૌરાષ્ટ્રમાં આજે કેસની ટકાવારી ઓછી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવી હાલત સૌરાષ્ટ્રનાં શહેરોની નથી. પરીણામે કોરોનાની તિવ્રતા ઘટી છે અને સૌરાષ્ટ્ર ધમધમી રહ્યું છે.

નોંધનીય છે કે, વૈશ્ર્વિક સ્તરે કોરોનાની મહામારીએ ભારે તારાજી સર્જી છે. સ્પેન, ઈટાલી અને અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે હજારો લોકોનાં મોત થઈ ચુકયા છે. ભારતમાં પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ વધી રહ્યા છે. અલબત સૌરાષ્ટ્રમાં લોકોનાં સ્વયંશિસ્તનાં કારણે લાંબા સમયથી કેસની ટકાવારી ઘટી છે. અન્ય રાજયો કે પ્રદેશોની સરખામણીએ સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર કોરોના સામે સુરક્ષિત છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રમાં ઉધોગ ધંધા ધીમી રફતારે શરૂ  થઈ રહ્યા છે.

  • કેસ ડબલ થવાની ઝડપ ઘટી વર્તમાન સમયે દેશમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ ૭.૫ દિવસનો છે લોકડાઉન પહેલા ૩.૪ દિવસ હતો દેશભરના કોરોનાના ૫ ટકા કેસ જ જોખમી!!!

Screenshot 2 11

કોરોના વાયરસનું સંક્રમણ લાવ્યા બાદ દર્દી ગંભીર સ્થિતિમાં મુકાયા હોય તેવું માત્ર પાંચ ટકા કિસ્સામાં જ જોવા મળ્યું હોવાનું તાજેતરમાં આંકડા કહી રહ્યાં છે. બીજી તરફ સંક્રમણ લાગ્યા બાદ લક્ષણો જ દેખાતા ન હોવાનું ૮૦ ટકા કેસમાં જોવા મળ્યું છે. દેશમાં વર્તમાન સમયે કોરોનાના ટેસ્ટીંગ મુદ્દે મર્યાદાઓ હોવાથી દર્દીમાં લક્ષણો દેખાતા ન હોવાની બાબત ખુબ જ ગંભીર છે. આ મુદ્દે આઇએમસીઆરમાં ઇપીડેમીઓલોજી અને કોમ્યુનિકેબલ ડીસીઝના હેડ ડો. ગંગાખેડકર દ્વારા જણાવાયું હતું કે, દેશમાં કોરોનાના

ટેસ્ટીંગ કરવાની રણનીતી બદલવી હિતાવક નથી. વર્તમાન સમયે અન્ય દેશોની સરખામણીએ મહામારી સામે ભારતમાં ખુબ જ સારુ કામ થયું છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ૮૦ ટકા કિસ્સામાં લક્ષણ દેખાતા જ ન હોવાની બાબત ચિંતાજનક છે.

  • પ્લાઝમા થેરાપી કોરોનામાં કારગર

કોરોનાના સંક્રમણ ફેલાવી વિશ્ર્વમાં હાહાકાર મચાનાર કોવિડ-૧૯ વાયરસની હજુ સુધી કોઇ દવા શોધાઇ નથી માત્ર અખતરાઓથી જ અત્યાર સુધી ચલાવવું પડે છે. ત્યારે દિલ્હીની મેકસ હોસ્૫િટલમાં ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા કોરોનાના પ્રથમ દર્દીને પ્લાઝામાં થેરાપીથી ફાયદો થયો છે. અને તેનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે. દિલ્હીના ૪૯ વરસના દર્દીને ૪થી એપ્રિલે કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તાવ અને શ્ર્વા લેવામાં તકલીફ જેવા ધરાવતા દર્દીની હાલત થોડા જ દિવસમાં ગંભીર બની ગઇ હતી અને તેને આપમેળે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા બહારથી ઓકિસજન આપવામાં આવતું સાથે સાથે તેને નિમોનિયા લાગુ પડતા તેના શ્ર્વોસશ્ર્વાસ બંધ થઇ જતા ૮મી એપ્રિલે આ દર્દીને વેન્ટિલેટર પર લઇ લેવામાં આવ્યું હતું. અતિ ગંભીર દર્દીને ત્યારબાદ પ્લાઝામાં થેરાપી શરુ કરવામાં આવી હતી. ભારતમાં

આ પ્રકારની સારવારનો પ્રયોગ સૌ પ્રથમ વાર કરવામાં આવ્યો હતો. દર્દીના પરિવારે પ્લાઝમાં દાતાની સગવડ કરી હતી આ દાતાને નેગેટીવ રિપોર્ટ કરાવ્યા હતા. ત્યારબાદ પ્લાઝમાં અનુદાન વખતે નિયમ મુજબ હિપેટાઇટીસ બી-સી અને એચ.આઇ.વી. ના રિપોર્ટ કરાવ્યા બાદ તેના પ્લાઝમાં ગંભીર દર્દી માટે લઇને ૧૪મી એપ્રિલની રાતથી સારવાર શરુ કરવામાં આવી હતી. પ્લાઝમાં થેરાપીની સારવાર મેળવ્યા બાદ દર્દીની હાલત સુધરવા લાગી હતી અને ચોથા દિવસે તો વેન્ટિલેટર પણ હટાવી લેવાયું હતું.

  • સરકાર ૧૯૫ કરોડ ઘરોમાં કઠોળ વિતરણ કરશે ૧.૦૮ લાખ ટન કઠોળનો જથ્થો રાજયોને ફાળવી દીધો

Pulse

કોરોનાના કહેર સમયે સરકાર ગરીબોની મદદે આવી છે. સરકારે આ મહામારી દરમિયાન લોકોને રાહત આપવા માટે અન્ન સલામતી યોજના હેઠળ આવરી લેવાયેલા પરિવારોને આગામી ત્રણ માસ સુધી વિનામૂલ્યે એક એક કિલો કઠોળ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રધાન મંત્રીક ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના ૧૯.૫ કરોડ પરિવારોને આગામી ત્રણ માસ સુધી વિનામૂલ્યે કઠોળ આપવાનો નિર્ણય કર્યો છે.

અત્યાર સુધીમાં ૧.૦૮ લાખ ટન કઠોળનો જથ્થો રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોને ફાળવી દેવામાં આવ્યો છે. આ જથ્થો ૩૬ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વિતરણ કરાશે તેમ કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ. આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છતીસગઢ, ગોવા અને ગુજરાતના પરિવારોને કઠોળ વિતરણ શરૂ  કરી દીધું છે. જયારે અન્ય રાજયો મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને પણ અમુક જથ્થો ફાળવી દેવાયો છે તે રાજયોમાં પણ લાભાર્થીઓને

ક્રમશ: વિતરણ કરાશે તેમ આ અધિકારીએ જણાવ્યું હતુ. પ્રધાન મંત્રી કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે રૂ.૬ હજાર એપ્રિલથી માર્ચ સુધીમાં ત્રણ તબકકે આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૮.૮૯ કરોડ ખેડુતોને વર્ષે રૂ.૬૦૦૦ આપવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૪ માર્ચથી લોકડાઉન શરૂ  થયું ત્યારબાદ ખેડુતોને રૂ .૨૦૦૦નો પ્રથમ હપ્તો ચૂકવવા માટે સરકારે રૂ.૧૧૭૯૩ કરોડ ફાળવી દીધા છે તેમ આ અધિકારીએ જણાવ્યું હતુ.

  • ક્રૂડના ભંડારો ‘છલકાઇ’ ગયા! : ક્રૂડનું મફતમાં પણ કોઇ ખરીદનાર નહીં!!!વૈશ્ર્વિક સ્તરે ભાવ ૯૯ ટકા ઘટીને ૦.૧૫ ડોલર સુધી ગગડી ગયા

મહામારીની સૌથી ગંભીર અસર વૈશ્ર્વિક અર્થતંત્ર પર પડી છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા અમેરિકા, યુ.કે, ઈટલી, સ્પેન અને ભારત જેવા મસમોટા દેશમાં લોકડાઉનની અમલવારી થઈ હોવાનાં કારણે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે ક્રુડનાં ઉત્પાદન સામે માંગ ખુબ જ ઓછી છે. બીજી તરફ વિશ્ર્વનાં દેશો પાસે હવે ક્રુડ સંઘરવા માટેની જગ્યા પણ બચી નથી. ક્રુડનાં ભંડારો છલકાય રહ્યા છે ત્યારે મફતમાં પણ કોઈપણ ખરીદનાર ન હોવાનું સામે આવ્યું છે. પરીણામે ક્રુડનાં ભાવમાં ૯૯ ટકાનો તોતીંગ ગાબડુ પડી જતા ભાવ ૦.૧૫ ડોલરે પહોંચી ગયા છે.

અમેરિકામાં ક્રુડ સંઘરવાની જગ્યા પુરી થઈ ચુકી છે. બીજી તરફ જર્મની અને જાપાન જેવા દેશો ક્રુડ ખરીદી રહ્યા નથી. ભારતમાં પણ ક્રુડની માંગ તળીયે છે જેથી વૈશ્ર્વિક માર્કેટમાં ક્રુડનાં ફયુચરના સોદામાં ભયંકર કડાકો બોલી ગયો હતો. ૧૭.૩૭ ડોલરથી ક્રુડ નીચે પટકાઈને ૦.૧૫ ટકાએ પહોંચી ગયું હતું. અગાઉ ઓલ ટાઈમ લો ૨.૨૬ ડોલરનો હતો આ લોની સપાટી તોડીને ક્રુડ તળિયે પહોંચી જતા ક્રુડનાં ઉત્પાદક દેશોની મુશ્કેલીમાં વધારો થયો છે. નોંધનીય છે કે, ફયુચર કોન્ટ્રાકટ એકસપાયર થશે ત્યારે ટ્રેડરને ઓઈલની

ડિલિવરી લેવી પડશે અથવા તો ફયુચરનાં સોદા આવતા મહિને પાછા ઠેલવવા પડશે. આવી સ્થિતિમાં ટ્રેડરને ભયંકર નુકસાન થશે. ડિલિવરી લેવામાં ખતરો છે અને આગામી સમયમાં ક્રુડનું ભવિષ્ય શું હશે તેની પણ અસમંજસતા છે. કોરોના વાયરસની મહામારીની તિવ્રતા અમેરિકા જેવા વિકસિત દેશમાં ખુબ જ વધુ જોવા મળી છે. પરિણામે વૈશ્ર્વિક કક્ષાએ અર્થતંત્ર નબળુ પડી ગયું છે. ચીનમાં કોરોનાની મહામારી બાદ ગાડી ધીમે-ધીમે પાટે ચડવા લાગી છે. અલબત યુરોપનાં દેશોમાં કોરોનાનાં કહેરનાં કારણે મોટી તારાજી થઈ હોવાથી વૈશ્ર્વિક કક્ષાએ ભારત સહિતનાં વિકસિત દેશો માટે આગામી સમય ખુબ જ કપરો હશે તેવું ફલિત થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ક્રુડનું કોઈ લેવાલ ન હોવાથી ભાવ ધીમે-ધીમે તળિયે પહોંચી ગયા છે. હવે ક્રુડ માટેનાં સ્ટોરેજ પણ ન હોવાથી ક્રુડનાં ભંડારો છલકાઈ રહ્યા છે. બીજી તરફ કોઈ લેવાલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.