Abtak Media Google News

ધોરાજીમાં અમદાવાદથી આવેલા યુવાન કોરોનાગ્રસ્ત: રાજકોટ જિલ્લામાં કુલ ૮૩ પોઝિટિવ કેસ: રાજ્યમાં કોરોના સંક્રમણના વધુ ૩૭૬ પોઝિટિવ કેસ: ૨૪ના મોત

કોરોનાની મહામારીમાં લોકડાઉનના ચોથા તબક્કામાં આંશિક છૂટછાટ સાથે અન્ય જિલ્લામાંથી વતન પરત આવાની છૂટ મળતા કોરોના સંક્રમણના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઝાલાવાડમાં લખતર ગામમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. જ્યાં સગર્ભા સહિત એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજકોટ જિલ્લામાં પણ ધોરાજી તાલુકામાં અમદાવાદથી પરત ફરેલા યુવાનને કોરેન્ટાઇન કરી સેમ્પલ મેળવી તપાસ કરાવતા તેને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં હજુ કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. એક દિવાસમાં વધુ ૩૭૬ પોઝિટિવ કેસ અને ૨૪ દર્દીઓના મોત નિપજ્યા છે.

ઝાલાવાડમાં થોડા દિવસોના વિરામ બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં, થાન અને ધ્રાંગધ્રા બાદ હવે કોરોનાએ લખતરમાં પણ પગ પેસારો કર્યો છે. અમદાવાદથી પરત લખતર વતન ફરેલા સગર્ભા સહિત ચાર લોકોને કોરેન્ટાઇન કરી તેમની તપાસ કરતા શંકાસ્પદ જણાતા સેમ્પલ મેડવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણના કુલ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં પણ કોરોનાએ વિરામ બાદ ફરી એન્ટ્રી કરી છે. ધોરાજી ગામે અમદાવાદી પરત આવેલા ૨૦વર્ષના યુવાનને કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલ મેળવી લેબમાં મોકલવામાં આવતા આજ રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ ૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો યથાવત રહ્યો છે. ગઈ કાલે વધુ ૧૭ જિલ્લામાં કોરોનાના કુલ ૩૭૧ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ ૨૪ દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે. રાજ્યમાં અટયર સુધી કુલ કોરોના સંક્રમિતની સંખ્યા ૧૩,૦૦૦ની પાસે પહોંચી રહી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૭૭૩ થયો છે. કોઈ બીમારી ન હોવા છતાં પણ લોકો કોરોનાના સંક્રમણમાં ફસાતા ચિંતાનો વ્યાપ વધ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસનું કેપિટલ બની ગયેલા અમદાવાદમાં ગઈ કાલે એક દિવસમાં વધુ ૨૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૧૭ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધી ૯૪૪૭ પોઝિટિવ કેસ અને ૬૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે સુરતમાં પણ વધુ ૩૪ કોરોના સંક્રમણમાં આવતા કુલ કેસ ૧૨૨૭ પર પહોંચ્યા છે. અને સુરતમાં અત્યા સુધી ૫૭ દર્દીઓના મોત નિપજ્યા છે.

દેહભરમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસના દસ શહેરો ગુજરાતના અમદાવાદ અને સુરત પણ આવી ગયા છે. અમદાવાદ દેશમાં ત્રીજા સ્થાન પર છે જ્યારે સુરત દેશમાં દસમા સ્થાન પર કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતું શહેર બની ગયું છે. રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં ૪૩૬૮ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

રાજ્યના અમુક શહેરોમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. ભાવનગરમાં ૭૩.૬૮%, સુરતમાં ૬૭%, રાજકોટમાં ૬૭ અને અમદાવાદનો રિકવરી રેટ ૩૫.૨૪% પર પહોંચ્યું છે. આંતર રાજ્યમાં અવર જવર શરૂ થતાં કોરોના સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે. શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પ્રસરતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.